Gujarati News

Gujarati News

News of Monday, 21st January 2019

સુરશ્રી ગ્રુપ દ્વારા કાલે જુના ગીતોનો ગુલદસ્તો 'એક શામ આપ કે નામ'

બીન કોમર્સીયલ કલાકારો કંઠના કામણ પાથરશે : સંસ્થાનો ચતુર્થ કાર્યક્રમ

રાજકોટ તા. ૨૧ : ઉગતા કલાકારોને સ્ટેજ મળે તેવા આશય સાથે સ્થપાયેલ સંસ્થા 'સુરશ્રી ગ્રુપ' દ્વારા ચતુર્થ કાર્યક્રમ કાલે તા. ૨૨ ના 'એક શામ આપ કે નામ પાર્ટ -ર' શીર્ષકતળે યોજવામાં આવેલ છે.

આ અંગે 'અકિલા' ખાતે વિગતો વર્ણવતા સંસ્થાના આગેવાનો અને કલાકારોએ જણાવ્યુ હતુ કે કાલે તા. ૨૨ ના મંગળવારે રાત્રે ૯.૧૫ વાગ્યે હેમુ ગઢવી હોલ ખાતે આયોજીત આ કાર્યક્રમ માટે ખાસ જુના કર્ણપ્રિય ફિલ્મી ગીતોનું ચયન કરવામાં આવ્યુ છે.

'તુમ જો મીલ ગયે હો', 'અફસાના લીખ રહી હું', આજકલ તેરે મેરે પ્યાર કે', 'સૈયા જુઠો કા સરતાજ બડા' સહીતના ૨૩ થી વધુ જુના છતા ખુબ જાણીતા બનેલ ૨૩ જેટલા ગીતોનો ગુલદસ્તો તૈયાર કરવામાં આવ્યો છે.

ગાયક કલાકારોમાં નિતાબેન ઉપાધ્યાય (શમશાદ), અબ્દુલભાઇ જસદણવાળા (રફી), ધનંજયભાઇ વ્યાસ (રફી), દ્વારકાદાસ સોની (કિશોરકુમાર), પુનમબેન ગજેરા (લતા), મુમતાઝબેન મુલ્લા (લતા), ફલ્ગુનીબેન પટેલ, ચેતનાબેન રાજયગુરૂ, પ્રવિણભાઇ મકવાણા કંઠના કામણ પાથરી શ્રોતાઓને ડોલાવશે.

અહીં ઉલ્લેખનીય છે કે અહીં રજુ થનાર કલાકારો કોમર્શીયલ નહીં પરંતુ શોખ ખાતર ગાયન ક્ષેત્રે આગળ વધી રહેલા કલાકારો છે. જેમાં કોઇ રીક્ષા ચાલક છે તો કોઇ શિક્ષક છે કોઇ હાઉસ વાઇફ છે. બધા નીજાનંદ માટે ગાયન ક્ષેત્રે આગળ વધી રહ્યા છે. આવા કલાકારોને સ્ટેજ મળી રહે તે માટે જયંતિભાઇ પટેલ દ્વારા સ્થાપવામાં આવેલ સુરશ્રી ગ્રુપનો આ ચોથો કાર્યક્રમ છે અને આગામી દિવસોમાં સ્ટુડીયો નિર્માણ માટે પણ તૈયારીઓ આરંભવામાં આવી છે.તસ્વીરમાં સુરશ્રી ગ્રુપના સ્થાપક પ્રમુખ  જયંતિભાઇ પટેલ (મો.૯૮૨૪૨ ૯૨૩૯૩) અને ગાયક કલાકારો નજરે પડે છે. (તસ્વીર : સંદીપ બગથરીયા)

(3:40 pm IST)