Gujarati News

Gujarati News

News of Monday, 21st January 2019

જિલ્લા પંચાયતના ગયા બજેટના હજુ માત્ર ૨૭ ટકા જ વપરાયાઃ નવુ ૩૩.૮૩ કરોડનું બજેટ 'સડસડાટ' મંજુર

બાગી સહિતના સભ્યોને કોંગીનો વ્હીપઃ વિપક્ષી નેતા ગેરહાજર : શ્યામ રાજાણીની હોસ્પિટલમાં તપાસ અને પાનેલીમાં ભ્રષ્ટાચારનો મુદ્દો ઉછળ્યો

રાજકોટ જિલ્લા પંચાયતની ખાસ સામાન્ય સભા આજે પ્રમુખ અલ્પાબેન ખાટરિયાની અધ્યક્ષતામાં મળેલ. મંચ પર ઉપપ્રમુખ સુભાષ માંકડિયા, જિલ્લા કોંગ્રેસ પ્રમુખ હિતેષ વોરા, કારોબારી અધ્યક્ષ રેખાબેન પટોળિયા, ડે.ડી.ડી.ઓ. ધીરેન મકવાણા અને ખરાડી વગેરે ઉપસ્થિત રહ્યા હતા (તસ્વીરઃ સંદીપ બગથરીયા)

રાજકોટ, તા. ૨૧ :. જિલ્લા પંચાયતની ખાસ સામાન્ય સભા આજે સવારે પ્રમુખ શ્રીમતી અલ્પાબેન અર્જુનભાઈ ખાટરિયાની અધ્યક્ષતામાં મળેલ. જેમાં ગયા વર્ષના સુધારેલ બજેટ ૨૨.૯૬ કરોડ તથા આવનારા નવા નાણાકીય વર્ષના રૂ. ૩૩.૮૩ કરોડના બજેટને સર્વાનુમતે મંજુરી આપવામાં આવેલ. કોંગ્રેસે પૂર્વ સાવચેતી રૂપે સામાન્ય સભામાં કોંગ્રેસના નિશાન પર ચૂંટાયેલા બાગીઓ સહિતના તમામ સભ્યોને વ્હીપ આપેલ. ભાજપના નેતા ગેરહાજર રહેલ. તેમની ગેરહાજરીમાં બાગીઓ સહિતના સભ્યોએ બજેટને સર્વાનુમતે બહાલી આપતા હાલતૂર્ત જિલ્લા પંચાયતના શાસક પક્ષ પરનું રાજકીય સંકટ ટળ્યુ છે. મુખ્યમંત્રીના કાર્યક્રમના કારણે ડી.ડી.ઓ. અનિલકુમાર રાણાવાસિયા હાજર રહી શકેલ નહિ. સામાન્ય સભામાં પાનેલીમાં પેવર બ્લોક સહિતના કામોમાં ભ્રષ્ટાચાર ચાલતો હોવાનો આક્ષેપ પંચાયતના સભ્ય બાલુભાઈ વિંઝુડાએ કરેલ. તા. ૩૦ સુધીમાં પગલા ન લેવાય તો આકરી લડત આરંભવાની ચીમકી તેમણે ઉચ્ચારી હતી.

પોતે આ બાબતે ટીડીઓ સહિતના અધિકારીઓને લેખીત રજૂઆત કર્યાનુ તેમણે જણાવ્યુ હતું. રાજકોટની ડો. શ્યામ રાજાણીની લાઈફ કેર હોસ્પીટલમાં જિલ્લા પંચાયતના આરોગ્ય અધિકારીએ તપાસ કરી મશીન સીલ શા માટે કર્યા ? તે બાબતે ચંદુભાઈ શીંગાળાએ સવાલ ઉઠાવતા આરોગ્ય અધિકારીએ જણાવેલ કે ત્યાંથી સરકારી દવાનો શંકાસ્પદ જથ્થો પકડાયાની માહિતી મળેલ તેથી ડી.ડી.ઓ.ની પૂર્વ મંજુરી લઈ તપાસ કરવામાં આવી હતી. હોસ્પીટલ કોર્પોરેશનના કાર્યક્ષેત્રમાં છે પરંતુ તપાસ કરવાની જિલ્લા આરોગ્ય અધિકારીને સત્તા છે.

બજેટ બુકના આંકડાનો આધાર લઈ ચંદુભાઈ શીંગાળાએ જણાવેલ કે, ગયા વર્ષના બજેટમાં ૧૯૬૨ લાખની જોગવાઈ કરવામાં આવેલ. જેમાંથી ડીસેમ્બર ૧૮ સુધીમાં માત્ર ૬૦૦ લાખ વપરાયા છે. ફકત ૨૭ ટકા જેવી રકમનો ઉપયોગ થયો અને બાકીની પડતર કેમ રહી ? તેવા સવાલના જવાબમાં ડે.ડી.ડી.ઓ. ધીરેન મકવાણાએ જણાવેલ કે, તેના કારણો જે તે શાખા અધિકારીઓ દ્વારા આપને પાંચ દિવસમાં લેખીતમાં જણાવવામાં આવશે.

બજેટ બેઠકમાં મુખ્યત્વે ચંદુભાઈ શીંગાળાએ ચર્ચામા ભાગ લીધેલ. અન્ય એક બે સભ્યોએ પોતાના પ્રશ્નો રજૂ કર્યા હતા. સામાન્ય ચર્ચા બાદ બજેટને બહાલી આપવામાં આવી હતી.

પ્રમુખ અલ્પાબેનના જણાવ્યા મુજબ કારોબારીએ મોકલેલ બજેટ મહદઅંશે યથાવત રાખી મંજુર કરવામાં આવ્યુ છે. તેનુ કદ ૩૩.૮૩ કરોડનું છે. જેમાં શ્રેષ્ઠ ગ્રામ પંચાયત સ્પર્ધા, ઉત્તમ તાલુકા પંચાયતના પ્રોત્સાહન, ગ્રામ પંચાયત કચેરી પાસે પેવર બ્લોક, ઘન કચરાના નિકાલના સાધનો, પ્રાથમિક શાળાઓમાં મરામત અને પીવાના પાણીની વ્યવસ્થા તથા શૈક્ષણિક સાધનોની જોગવાઈ, વિદ્યાર્થીઓને દફતર વગેરે માટે જોગવાઈ કરવામાં આવી છે. પ્રાથમિક શાળાની વિદ્યાર્થીનીઓને સેનેટરી નેપકીન માટે ૨૫ લાખની જોગવાઈ કરવામાં આવી છે. ઉપરાંત અન્ય વિકાસ કામો માટે પણ જરૂરી નાણા ફાળવવામાં આવ્યા છે.

પ્રમુખ, સમિતિના અધ્યક્ષોના ભથ્થામાં વધારા માટે ઠરાવ

રાજકોટઃ. જિલ્લા પંચાયતની સામાન્ય સભામાં ચંદુભાઈ શીંગાળાના સૂચન મુજબ જિલ્લા પંચાયત પ્રમુખને હાલ મળતા રૂ. ૨૫૦૦ના આતિથ્ય ભથ્થામાં વધારો કરી રૂ. ૧૦ હજાર કરવા તથા સમિતિઓના અધ્યક્ષોને વર્ષે મળતા ૩૦ હજારના સ્થાને રૂ. ૧ લાખ કરવા તેમજ ટીએ-ડીએ વધારવા માટે ઠરાવ કરવામાં આવ્યો હતો. ડે.ડી.ડી.ઓ.ના જણાવ્યા મુજબ આ ઠરાવ મંજુરી માટે સરકારને મોકલાશે.

(3:34 pm IST)