Gujarati News

Gujarati News

News of Monday, 21st January 2019

૧૧ માસના ભાડા કરાર અંગે સિવિલ કોર્ટે આપેલ મહત્વનો ચુકાદો

રાજકોટ તા.૨૧: રાજકોટના અમીતભાઇ નટવરલાલ તન્નાએ વિપુલભાઇ હરજીવનદાસ વોરા સામે સીવીલ કોર્ટમાં દાવો દાખલ કરવામાં આવેલ હતો જેમાં કોર્ટે મહત્વનો ચુકાદો આપેલ હતો.

સદરહું દાવામાં અમીતભાઇએ પોતે ૧૧ માસના ભાડા કરારથી વિપુલભાઇ પાસેથી ફલેટ ૧૧ માસ માટે ભાડે રાખેલ અને જેની સમય મર્યાદા તા.૧૪/૧૨/૧૦ થી તા.૧૪/૧૧/૧૧ સુધી માસીક રૂ.૯૦૦૦ લેખે ભાડે રાખેલ. સમય મર્યાદા-પૂર્ણ થયા બાદ પ્રતિવાદી કાયદાની પ્રક્રિયા કર્યા સિવાય ફલેટ ખાલી કરાવે નહી વગેરે પ્રકારની દાદ માંગતો દાવો દાખલ કરેલ હતો.

દાવાના જવાબમાં પ્રતિવાદીએ સ્પષ્ટ તકરાર લીધેલ કે ભાડા કરાર મુજબ વાદીએ ૧૫/૧૧/૧૧ પહેલા ભાડાવાળા ફલેટનો કબ્જો પ્રંતિવાદીને સોંપી આપવો જોઇએ. સદરહું કરાર બાદ કોઇ નવો કરાર થયેલ નથી માટે કરારની સમય મર્યાદા બાદ વાદીનો કબ્જો ગેરકાયદેસર છે તેમજ વાદીએ કરારના સમય દરમ્યાન પણ માત્ર બે માસનું ભાડુ ચુકવેલ હોય બાકીની ભાડાની રકમ ચુકવવા વાદી જવાબદાર છે તથા કરારની સમય મર્યાદા પુર્ણ થયેથી વાદીનો કબ્જો ગેરકાયદેસર છે અને વાદી કબ્જો અમોને ન સોંપે ત્યાં સુધી ગેર કાયદેસર વપરાશ બદલના માસીક રૂ.૧૫,૦૦૦ અમોને ચુકવવા વાદી જવાબદાર થયેલ છે અને એ રીતે પ્રતિવાદીએ વાદીના દાવામાં કાઉન્ટર કલેઇમ કરીને કબજો તથા મીનપ્રોફીટની દાદ માંગેલ હતી.

અદાલત દ્વારા બંને પક્ષકારો પુરાવાઓ તથા દલીલને ધ્યાને લઇને વાદીના દાવામાં પ્રતિવાદીઓની દાદ મંજુર રાખીને છેવટના હુકમ કરીને આદેશ કર્યો છે. વાદીએ પ્રતિવાદીને હુકમની તારીખથી ૯૦ દિવસમાં વાદગ્રસ્ત ફલેટનો કબજો સોંપી આપવો તથા કરાર સમયના ૯ માસના રૂ.૯,૦૦૦/ લેખે રૂ.૮૧,૦૦૦ વાદીએ પ્રતિવાદીને ચુકવી આપવા તથા તા.૧૫/૧૧/૧૧ થી કબજો ન સોંપે ત્યા સુધી દરમ્યાન ઉપજના માસીક રૂ.૯૦૦૦ લેખે વાદીએ પ્રતિવાદીને ચુકવી આપવાના તે મુજબનો હુકમ ફરમાવેલ છે.

આ કામમાં પ્રતિવાદી તરફે રાજકોટના એડવોકેટ શ્રી અભય ભારધ્વાજ, જયદેવ શુકલ, જતીન ઠકકર, કપીલ શુકલ તથા સુમીત વોરા રોકાયેલ હતા.

(3:32 pm IST)