Gujarati News

Gujarati News

News of Monday, 21st January 2019

હરિ ધવા રોડ પર ૧૦૦-૧૦૦ ઉઘરાવી આયુષ્યમાન કાર્ડ કાઢી ઠગાઇ કરતો સંદિપ ડોબરીયા ઝડપાયો

મોરબી રહેતાં મિત્રની આઇડીનો ઉપયોગ કરી 'રોકડી' કરતો'તો : ભકિતનગર પોલીસનો તપસ્વી કોમ્પ્યુટર કલાસમાં દરોડોઃ મોરબીના અનિલ ડાભીની શોધખોળ

રાજકોટ તા. ૨૧: શહેરના હરિ ધવા માર્ગ પર તપસ્વી કોમ્પ્યુટર કલાસીસનો સંચાલક ગેરકાયદેસ રીતે પોતાની પાસે જીલ્લા પંચાયતના સીએસસીની કોઇ આઇડી ન હોવા છતાં મોરબી રહેતાં મિત્રની આવી આઇડીનો ઉપયોગ કરી લોકો પાસેથી સરકારે નક્કી કરેલા રૂ. ૩૦માં આયુષ્યમાન કાર્ડ કાઢી આપવાને બદલે રૂ. ૧૦૦-૧૦૦ ઉઘરાવી આવા કાર્ડ કાઢી આપતો હોવાની ફરિયાદને પગલે ભકિતનગર પોલીસે દરોડો પાડી કોમ્પ્યુટર કલાસના સંચાલક સંદિપ ચંદુભાઇ ડોબરીયા (પટેલ) (રહે. ગોંડલ રોડ, દિવ્યા પેલેસ એપાર્ટમેન્ટ બ્લોક નં. ૪૦૪)ની ધરપકડ કરી છે.

આ મામલે કોઠારીયા ચોકડી પાસે મામાસાહેબ સોસાયટીમાં રહેતાં અને સીએસસી જીલ્લા કો-ઓર્ડિનેટર તરીકે કામ કરતાં જયસુખભાઇ રવજીભાઇ રાજપરા (ઉ.૨૭)ની ફરિયાદ પરથી સંદિપ ડોબરીયા અને મોરબી રહેતાં તેના મિત્ર અનિલ ધીરજલાલ કોળી સામે આઇપીસી ૪૦૬, ૪૨૦, ૧૨૦-બી મુજબ ગુનો નોંધી સંદિપની ધરપકડ કરી છે. ફરિયાદમાં જણાવાયું છે કે જીલ્લામાં સીએસસીનું કામ કરતાં માણસો પાસેથી માહિતી ભેગી કરી તેનું રિપોર્ટીંગ કરી ગાંધીનગર હેડ ઓફિસ ખાતે માહિતી પુરી પાડવાનું કામ ફરિયાદી જયસુખભાઇ કરે છે. તેને માહિતી મળી હતી કે તપસ્વી કલાસીસવાળા સંદિપ ડોબરીયા પાસે સીએસસીની માન્ય આઇડી નથી છતાં તે નક્કી કરેલા રૂ. ૩૦ના ભાવને બદલે લોકો પાસેથી ૧૦૦-૧૦૦ રૂપિયા ઉઘરાવી આયુષ્યમાન કાર્ડ કાઢી આપી છેતરપીંડી કરે છે.

આ માહિતી પરથી પોલીસે તપાસ કરતાં સંદિપે પોતે મોરબીના મિત્ર અનિલની આઇડી પરથી રાજકોટ બેઠા-બેઠા આવા કાર્ડ કાઢી આપતો હોવાનું કબુલ્યું હતું. પોલીસે એક રજીસ્ટર પણ કબ્જે લીધું છે. પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલ, જોઇન્ટ પોલીસ કમિશ્નર સિધ્ધાર્થ ખત્રી, ડીસીપી રવિકુમાર સૈની, એસીપી એસ.આર. ટંડેલની સુચના અને પી.આઇ. વી. કે. ગઢવીની રાહબરીમાં પીએસઆઇ પી.એમ. ધાખડા, ડી.એન. વાંજા, હેડકોન્સ. મહેન્દ્રસિંહ ડોડીયા, વિક્રમભાઇ ગમારા, કિશોરભાઇ પરમાર, કોન્સ. દિવ્યરાજસિંહ ઝાલા, રણછોડભાઇ, હિતેષભાઇ અગ્રાવત, રાજેશભાઇ ગઢવી સહિતે આ કામગીરી કરી હતી. (૧૪.૧૫)

(3:30 pm IST)