Gujarati News

Gujarati News

News of Monday, 21st January 2019

ગંભીરતા છોડો, ખૂબ હસો, તંદુરસ્ત રહેશોઃ માં ધર્મજયોતિ

પ્રકૃતિ સાથે તાદાત્મ્ય કેળવો, જીવનમાં ધ્યાનને સ્થાન આપો :ઓશો સાથે રહેલા માં ધર્મ જયોતિજી 'અકિલા'ની મુલાકાતેઃ ધ્યાન વગર માનવજાતનું ભવિષ્ય અંધકારમય બનશેઃ ઓશોએ સાંપ્રત સમય અનુસાર ધ્યાન પદ્ધતિ આપી છે, તેને અનુસરો :કુંડલિની ધ્યાન પ્રયોગથી અઢી મહિનામાં એક સન્યાસીનો એઇડ્સ દૂર થયોઃઓશોએ ગુઢ રહસ્યો સરળ ભાષામાં આપ્યા છેઃ ઇન્ટરનેટમાં સરળતાથી ઉપલબ્ધ

'અકિલા'ના મોભી શ્રી કિરીટભાઇ ગણાત્રા સાથે માં ધર્મ જયોતિજી, સ્વામી સંજય સરસ્વતીજી, માં ધ્યાન રસીલી, માં પ્રેમ ક્રાંતિ અને પ્રેમ સ્વામીજી નજરે પડે છેઃ માં ધર્મ જયોતિજીએ 'અકિલા'ના વિવિધ વિભાગોની મુલાકાત લઇને પ્રસન્નતા વ્યકત કરી હતી.(તસ્વીરઃ સંદિપ બગથરીયા)(૭.૨૧)

રાજકોટ, તા., ૨૧: વધારે પડતી ગંભીરતા, સતત તનાવ આરોગ્યને નુકશાન  કરે છે. ગંભીરતા છોડીને ખુબ હસવુ જોઇએ. તંદુરસ્તી અને પ્રસન્નતા માટે  ખુબ ઉપયોગી બનશે.

આ શબ્દો માં ધર્મ જયોતિજીના છે. માં ધર્મ જયોતીજી ત્રણ દાયકા સુધી ઓશો સાથે રહયા હતા. માતાજી આજે 'અકિલા'ની મુલાકાતે પધાર્યા હતા અને સત્સંગ કર્યો હતો. માં ધર્મ જયોતીજીએ જણાવ્યું હતું કે, માનવજાત પ્રકૃતિથી દુર જવા લાગી છે. ઇમારતોના જંગલ ખડકાવા લાગ્યા છે. વાતાવરણ દુષીત અને તનાવગ્રસ્ત બન્યું છે.

વિકાસ ઝડપી બન્યો છે. માણસ રોબોટ જેવો બની ગયો છે. આ સ્થિતિમાં વિવિધ રોગો વધ્યા છે.

લોકો હોશ-જાગૃતી વગર કાર્ય કરે છે. આંધળી દોટના કારણે ટેન્શન-ડીપ્રેશન વધ્યા છે. જે મોટા ભાગની સમસ્યાનું કારણ છે.

આ સમસ્યાઓનો ઉકેલ ધ્યાનમાં છે. ધ્યાન વગર માનવજાત અંધકારમાં ધકેલાઇ જશેે.  માં ધર્મજયોતીજીએ કહયું હતું કે આધ્યાત્મીક વિભુતીઓએ સમયાનુસાર ધ્યાન પદ્ધતિઓ આપી છે. જૂની પદ્ધતિ આઉટ ઓફ ડેઇટ થઇ ગઇ છે. ઓશોએ વિવિધ પદ્ધતિઓનો ખૂબ અભ્યાસ કરીને વર્તમાન-ભવિષ્ય અંગે ચિંતન કરીને ધ્યાન પદ્ધતિઓ વિકસાવી છે, જે ખૂબ અસરકારક છે. આ ઉપરાંત ઓશોએ અધ્યાત્મના ગૂઢ રહસ્યો સરળ ભાષામાં આપ્યા છે, જે ઇન્ટરનેટમાં સરળતાથી ઉપલબ્ધ છે. માનવજાતે સ્વસ્થ અને જાગૃત રહેવા આ ધ્યાન પદ્ધતિ તરફ વળવું જોઇએ. દેશ-દુનિયામાં કરોડો લોકો ધ્યાનને અનુસરી રહ્યા છે, જે સકારાત્મક બાબત ગણાય.

એક પ્રસંગ વર્ણવતા માં ધર્મ જયોતિજીએ જણાવ્યું કે એક સન્યાસીને તાજેતરમાં એઇડ્સ થયો હતો. ડોકટરે અભિપ્રાય આપેલો કે, ત્રણેક વર્ષમાં જીવન સમાપ્ત થઇ જશે. એ સન્યાસીનીએ ઓશોએ આપેલી કુંડલિની ધ્યાનનો પ્રયોગ વિધિવત આદર્યો અને અઢી મહિનામાં નોર્મલ થઇ ગયા હતા.

માં ધર્મ જયોતિજી કહે છે કે, અચેતન મન અસ્વસ્થ હોય તો શરીર સ્વસ્થ રહેતું નથી. મનમાં ધરબાયેલી ભડાસ બહાર કાઢવી જરૂરી છે. ઓશોની ધ્યાન વિધિમાં આ પ્રક્રિયા થઇ જાય છે.

સતત અને વધારે પડતી ગંભીરતા ત્યાગવી જોઇએ. ખૂબ હસવું જોઇએ, ગાવું જોઇએ, નાચવું જોઇએ, ફાવે તેમ નાચો. નૃત્યથી ઉર્જા સંતુલિત થાય છે અને એનર્જી બ્લોકસ ખૂલી જાય છે. ઇચ્છા થાય તેમ નાચો માં ધર્મ જયોતિજી તો ત્યાં સુધી કહે છે કે, ધ્યાનને પણ ગંભીરતાથી ન લો. સહજ અને પ્રસન્ન બનીને ધ્યાન કરો. ધ્યાનનો કોઇ ગોલ ન રાખો, ધ્યાન કરવાનો આનંદ માણો.  (૪.૧૨)

(3:30 pm IST)