Gujarati News

Gujarati News

News of Monday, 21st January 2019

પૂ. શાસ્ત્રીજી મહારાજની જન્મ ભૂમિ તરવડામાં દશાબ્દી મહોત્સવની ઉજવણી

રાજકોટ :.. શ્રી સ્વામીનારાયણ ગુરૂકુળના સંસ્થાપક પૂ. સદ્ગુરૂ શાસ્ત્રી ધર્મજીવદાસજી સ્વામીની જન્મભૂમિ અમરેલી જીલ્લાના તરવડા ગામે ગુરૂકુળ પરિવારમાં સૌના ગુરૂસ્થાને બિરાજતા મહંત સ્વામી દેવકૃષ્ણદાસજી સ્વામીના આશીર્વાદ અને સ્વામી હરિપ્રસાદજી સ્વામીની ઇચ્છા અનુસાર આજથી દસ વર્ષ પહેલા નવ્ય ભવ્ય મંદિરની સ્થાપના કરી. ઘનશ્યામ મહારાજની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવવામાં આવેલ જેને ચાલુ વર્ષે દસ વર્ષ પુરા થતા દશાબ્દી મહોત્સવ તથા વચનામૃત દ્વિશતાબ્દી વર્ષ, મકર સંક્રાંતિના પુનિત પર્વ તથા હરિપ્રસાદસ્વામી અક્ષરવાસી થયા તેને દસ વર્ષ થતા તેમજ ગુરૂવર્ય શાસ્ત્રીજી મહારાજના ગુરૂ સંપ્રદાયના વિદ્વાન સંત પુરાણી ગોપીનાથસ્વામી અક્ષરવાસી થયા તેને સો વર્ષ પુર્ણ થતા આ વિવિધ કાર્યક્રમોની નવ્ય ભવ્ય ઉજવણી તરવડા ખાતે કરાઇ હતી. મુખ્ય યજમાન તરીકે તરવડા નિવાસી હાલ અમેરિકા રહેતા ગુરૂકુળના ભુતપુર્વ વિદ્યાર્થી મનુભાઇ હરિભાઇ પટોળીયા, દેવરાજીયા નિવાસી હાલ અમેરિકા રહેતા ગુરૂકુળના ભુતપુર્વ વિદ્યાર્થી ધીરૂભાઇ જેરામભાઇ બાબરીયા, ત્રાકુડા નિવાસી હિંમતભાઇ વાઘજીભાઇ દૂધાતના સુપુત્રો રાકેશભાઇ, અશ્વિનભાઇ, હિરેનભાઇ તથા સમઢીયાળા નિવાસી અમેરિકા રહેતા નેવિલભાઇ નાનજીભાઇ ગજેરા ઉપસ્થિત રહ્યા હતાં. આ દશાબ્દી મહોત્સવના અનુસંધાને ધુન કુટીર બનાવવામાં આવી હતી. જેમાં છેલ્લા એક માસથી સતત રાત-દિવસ ધુનનું આયોજન કરવામાં આવેલ. આ પ્રસંગે રપ કુંડી મહાવિષ્ણુયાગ, વચનામૃત તેમજ ભકતચિંતામણિ અનુષ્ઠાન યજ્ઞનું આયોજન કરવાામં આવેલ. જેમાં મોટી સંખ્યામાં ભાઇ - બહેનોએ ભાગ લીધેલ. મકરસંક્રાંતિના પુણ્ય પર્વે ગૌ   પુજન, રકતદાન કેમ્પ તથા નિઃશુલ્ક નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવેલ જેમાં ગ્રામ્ય વિસ્તારના લોકોએ બહોળી સંખ્યામાં લાભ લીધેલ.  તરવડા મુકામે ગીરની ગાયોના નિવાસ માટે આધુનિક નૂતન ગોૈશાળા બનાવવા માટે તથા અમરેલી મુકામે ધર્મજીવન હોસ્પિટલ બનાવવાનો શુભ સંકલ્પ કરવામાં આવેલ અને તેનો શિલાન્યાસ વિધિ કરવામાં આવેલ. આ ધર્મજીવન હોસ્પિટલ અમરેલીમાં જેસિંગ પરા વિસ્તારમાં થશે. જેમાં ૩૩૦૦૦ ફૂટનું બાંધકામ થશે. બેડની પથારી હશે અને આધુનિક અદ્યતન ચાર ઓપરેશન થીયેટરની સુવિધા ઉભી કરવામાં આવશે. આ પ્રસંગે શ્રી સ્વામિનારાયણ ચારિત્રામૃત કથા પ.પૂ. પુરાણી કૃષ્ણપ્રિયદાસજી સ્વામીએ મધુર  શૈલીમાં વિવિધ દષ્ટાંતો દ્વારા કથામૃત રસ પાન કરાવેલ. પ. પૂ. ગુરૂવર્ય મહંત સ્વામી દેવકૃષ્ણદાસજી સ્વામીએ આશીર્વચનો વરસાવ્યા હતા. જુનાગઢના સદ્ગુરૂ પુરાણી  જ્ઞાનસ્વરૂપદાસજી સ્વામી, હૈદ્રાબાદના સદ્ગુરૂ પુરાણી, દેવપ્રસાદદાસજી સ્વામી, સુરતના પ.પૂ. સદ્ગુરૂ પુરાણી ધર્મવલ્લભદાસજી સ્વામી, પુરાણી કૃષ્ણસ્વરૂપદાસજી સ્વામી, શાસ્ત્રી હરિપ્રિયદાસજી સ્વામી, શાસ્ત્રી મંગલસ્વરૂપદાસજી સ્વામી, શાસ્ત્રી શ્રુતિપ્રકાશદાસજી સ્વામી, પ.પૂ. પ્રભુચરણદાસજી સ્વામી વગેરે વિવિધ વિષયો પર વ્યાખ્યાન આપી સોૈને ભકિત રસમાં તરબોળ કર્યા હતા. આ પ્રસંગે અમરેલીના સાંસદ નારાયણભાઇ કાછડીયા, પૂર્વ સાંસદ શ્રી  શ્રી દિલીપભાઇ સંઘાણી, અમેરિકાથી નુભાઇ પટોળીયા, ધીરૂભાઇ બાબરીયા, નેવિલભાઇ ગજેરા તેમજ વિદેશથી દિપુભાઇ ગજેરા, બાબુભાઇ સાવલીયા વગેરે ઉપસ્થિત રહ્યા હતાં. વડતાલ વાસી લક્ષ્મીનારાયણ દેવ પીઠાધિપતિ આચાર્ય મહારાજ પ.પૂ. ૧૦૦૮ શ્રી રાકેશપ્રસાદજી મહારાજે વિડીયો કોલ દ્વારા સભાને સંબોધી આશીર્વાદ પાઠવ્યા હતાં. (પ-ર૬)

(3:27 pm IST)