Gujarati News

Gujarati News

News of Monday, 21st January 2019

મ્યુ. કોર્પોરેશન ત્રણ હજાર ફલેટ બનાવાશેઃ ટેન્ડર પ્રસિધ્ધ

સત્યસાંઈ રોડ અને રૈયાધાર , મવડી , યુનિર્વસિટી રોડ, અંબિકા ટાઉનશીપ વિસ્તારમાં ૧, ૨, ૩ બી.એચ.કે.ના ૪૧૫ કરોડના ખર્ચે ફલેટ પ્રધાનમંત્રી ગૃહ યોજના હેઠળ બનાવાશેઃ રૂ. ૩ લાખ, ૧૨ લાખ અને ૨૪ લાખના લોનેબલ અને સરકારની સબસીડીવાળા ફલેટની યોજના

રાજકોટ તા.૨૧: મ્યુ. કોર્પોરેશનની વધુ પાંચ હજાર ફલેટની યોજનાને રાજ્ય સરકારે લીલી ઝંડી આપી દીધા બાદ આ ફલેટ બનાવવા તંત્ર દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. શહેરના વિવિધ વિસ્તારમાં  ૧, ૨ અને ૩ બીએચકેના ફલેટની આ યોજનાના ડી.પી.આરને સરકારે મંજુર કરી દેતા હવે આ આવાસ યોજનાના  ટેન્ડરો બહાર પાડી કામગીરી શરૂ કરવા તંત્રએ તૈયારી કરી દીધાનું બહાર આવ્યુ છે.

આ અંગે સત્તાવાર પ્રાપ્ત માહિતી મુજબ કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારના આર્થિક સહયોગથી પ્રધાનમંત્રી ગૃહ યોજના હેઠળ અગાઉ મ્યુ. કોર્પોરેશને એક અને બે બીએચકેના ફલેટની અનેક યોજનાઓ સાકાર કરી છે. હવે આ જ પ્રકારે વધુ ૩ હજાર જેટલા જુદી જુદી કેટેગરીના ફલેટની યોજનાઓને રાજ્ય સરકારે મંજુર આપ્યા બાદ તંત્ર દ્વારા આ ફલેટ બનાવવા માટે ટેન્ડર પ્રસિધ્ધ કરવામાં આવ્યા છે. આ ફલેટ અઢી વર્ષમાં બનાવવામાં આવશે.

સૂત્રોના જણાવ્યા મુજબ શહેરના સત્યસાંઈ રોડ ઉપર આવાસ યોજનાઓ માટેના અનામત પ્લોટમાં ઉપરાંત રૈયાધાર, મચ્છુનગર પાસેના અનામત પ્લોટમાં આ ૩ હજાર પ્લોટોની યોજના સાકાર થશે.

યોજના મુજબ ઈડબલ્યુએસ એટલે કે ૧બીએચકેના ફલેટ રૂ. ૩ લાખની કિંમતના તેમજ એમઆઈજી એટલે કે મધ્યમ વર્ગ માટેના ૨બીએચકેના ફલેટ રૂ. ૧૨ લાખની કિંમતના અને એલઆઈજી કેટેગરીના એટલે કે ઉચ્ચ મધ્યમ વર્ગ માટેના ૩બીએચકેના ફલેટ રૂ. ૨૪ લાખની કિંમતના બનાવવામાં આવશે અને આ માટે ફોર્મ પ્રસિદ્ધ કરી ડ્રો સીસ્ટમથી ફલેટ અપાશે અને સરકારની સબસીડીવાળી લોન લાભાર્થીઓને પ્રાપ્ત થાય તે માટેની વ્યવસ્થા પણ આ યોજનામાં છે.

(3:21 pm IST)