Gujarati News

Gujarati News

News of Monday, 21st January 2019

વોર્ડ નં.૧૩માં અપક્ષોને ભાજપ અને કોંગ્રેસ બન્નેનો ટેકો!!

પેટા ચૂંટણીમાં શાસકો અતિ આત્મવિશ્વાસમાં રહેશે તો નવો ઇતિહાસ સર્જાઇ શકે : કોંગ્રેસના સત્તાવાર ઉમેદવાર હવે ચૂંટણી જંગમાં નથી એટલે કોંગી કાર્યકરો અપક્ષ ભેગા પ્રચારમાં અને ભા.જ.પ.નાં અસંતુષ્ટો પણ અપક્ષ ભેગાઃ આમ અપક્ષ ઉમેદવારને બેવડો ટેકોઃ સંજયસિંહ વાઘેલા-મુકેશ ડાભી અને ભાજપનાં નીતિન રામાણી વચ્ચે ત્રિ-પાંખિયો જંગ

રાજકોટ તા.૨૧: શહેરનાં વોર્ડ નં. ૧૩માં પેટા ચૂંટણી જંગ આગામી તા. ૨૭નાં યોજાનાર છે. ત્યારે આ પેટા ચૂંટણીજંગમાં એક પછી એક ઐતિહાસિક ઘટનાઓ બનતી જાય છે. કેમ કે સૌ પ્રથમ તો આ પેટા ચૂંટણી જે કારણોસર યોજાઇ રહી છે તે કારણ પણ ઐતિહાસિક છે કેમ કે કોંગ્રેસમાંથી ચૂંટાયેલા કોર્પોરેટરો પોતાનું રાજીનામું આપી દીધું અને ભાજપમાં જોડાયા હતા આથી આ પેટા ચૂંટણી આવી એટલું જ નહી બાકી હોઇ તેમ કોંગ્રેસનાં સત્તાવાર ઉમેદવાર નરશીભાઇ પટોરિયાએ અને ડમી ઉમેદવાર યોગીન છનીયારાએ ઉમેદવારી ફોર્મ પાછા ખેંચી લીધા અને બંનેએ ભા.જ.પ.માં પ્રવેશ મેળવી લીધો. આમ આ પેટા ચૂંટણીમાં કોંગ્રેસનું નામ-નિશાન ભૂંસાઇ ગયું છે. આથી હવે શાસક પક્ષ ભાજપમાં ચૂંટણી જીતી ગયાનો માહોલ સર્જાયો છે પરંતુ જો આવો ઓવર કોન્ફીડન્સ રહેશે તો કદાચ વોર્ડ નં. ૧૩ની પેટા ચૂંટણીમાં અપક્ષનો વિજય થાય અને નવો ઇતિહાસ સર્જાય તેવા સંજોગો પણ છે. કેમકે હવે અપક્ષોને ભા.જ.પ.-કોંગ્રેસ બન્નેનો ટેકો મળી રહયો છે.

આ અંગે રાજકીય વર્તુળોમાં ચર્ચાતી વિગતો મુજબ વોર્ડ નં. ૧૩ની પેટા ચૂંટણીમા઼ હવે કોંગ્રેસનો એક પણ ઉમેદવાર મેદાનમાં નથી આથી હાલમાં આ ચૂંટણીમાં ભાજપ-બ.સ.પા બે રાષ્ટ્રીયપક્ષ સિવાય અન્ય ૪ અપક્ષો સહિત કુલ ૬ ઉમેદવારો વચ્ચે જંગ છે. પરંતુ તેમાં મુખ્ય જંગ ભાજપનાં સતાવાર ઉમેદવાર તથા ભાજપનાં બળવાખોર ઉમેદવાર અને કોંગ્રેસનાં ભૂતપૂર્વ અગ્રણી અપક્ષ ઉમેદવાર એમ ત્રણ લોકો વચ્ચેનો છે.

વોર્ડ નં. ૧૩માં સ્થાનિક કક્ષાએ હાલમાં ચૂંટણી પ્રચારનાં માહોલ જોઇએ તો ભા.જ.પ.નાં ઉમેદવાર નીતિનભાઇ રામાણી ભરપુર આત્મવિશ્વાસ સાથે ચૂંટણીમાં વિજય નિશ્ચિત હોવાના આત્મ વિશ્વાસ સાથે સાથે પ્રચાર કરી રહયા છે.

તો સામી બાજુએ ભા.જ.પ.નાં બળવાખોર સંજયસિંહ વાઘેલાને પણ ભા.જ.પ.નાં અસંતુષ્ટો છાનેખુણે ટેકો આપી રહયા છે. અને કોંગ્રેસનાં આગેવાનો પણ તેને ટેકો આપી રહયા છે. અને શાસક પક્ષ ભા.જ.પ. સામે'' પૈસાથી ઉમેદવારો ખરીદી લેવાની નીતિ-રીતિ'' અંગે બેફામ આક્ષેપો કરી અને ભા.જ.પ. વિરૂદ્ધ અપપ્રચાર પણ શરૂ કરી દેવાયો છે.

આ ઉપરાંત અન્ય અપક્ષ ઉમેદવાર મુકેશ ડાભીને પણ કોંગ્રેસનાં આગેવાનો રણજીત મુંધવા, ઇન્દુભા રાઓલ વગેરેએ ખુલ્લો ટેકો આપી તેઓની સાથે પ્રચારમાં જોડાયા છે.

આમ વોર્ડ નં. ૧૩ની પેટા ચૂંટણીને હવે ગણતરીનાં દિવસો જ બાકી છે ત્યારે આ ચૂંટણી જંગમાં ભાજપ અને બે અપક્ષો એમ કુલ ત્રણ વચ્ચે ત્રિ-પાંખિયો જંગ ખેલાઇ રહયો છે.

(3:22 pm IST)