Gujarati News

Gujarati News

News of Monday, 21st January 2019

વિડીયો : બ્રહ્મસમાજની ચૂંટણીમાં ભડકોઃ વકિલે વકિલના લમણે રિવોલ્વર તાંકી!

રાજકોટના ઇશ્વરીયા મહાદેવ મંદિરે સમસ્ત બ્રહ્મસમાજ સંગઠનના હોદ્દેદારોની ચૂંટણીમાં વકિલ બંધુ પી.સી. વ્યાસ અને કે.સી. વ્યાસને પોતે હારી જશે તેવો ભય લાગતાં ચૂંટણી કામગીરીમાં દખલઅંદાજી કરીઃ બંને સહિત છ જણા અને બીજા અજાણ્યા સામે આર્મ્સ એકટ તથા હત્યાની કોશિષનો ગુનો નોંધાતા ચકચારઃ પ્રમુખ પદના ઉમેદવાર પંકજભાઇ રાવલ જુથના વકિલ કૃણાલ દવે (ઉ.૨૮)ને પી.સી. વ્યાસે 'આજે તો તને પુરો જ કરી નાંખવો છે'...કહી લમણે રિવોલ્વર રાખી દીધી, ટ્રીગર દબાવે એ પહેલા બીજા લોકોએ બચાવી લીધાની કૃણાલ દવેની એફઆઇઆરઃ ગાંધીગ્રામ પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો : આરોપીમાં વ્યાસ બંધુ સાથે જસદણના ભારતભાઇ જાની, ગોંડલના કલ્પેશ વ્યાસ, રાજકોટના શની જાની અને નિશાંત રાવલના પણ નામ

સોૈરાષ્ટ્ર કચ્છના બ્રહ્મસમાજ સંગઠનની રાજકોટ જીલ્લાના હોદ્દેદારોની ગઇકાલે ઇશ્વરીયા મહાદેવ મંદિરે યોજાયેલી ચૂંટણીમાં ઉગ્ર બોલાચાલી-ચર્ચા થઇ હતી તેના દ્રશ્યો જોઇ શકાય છે. જેમાં રિવોલ્વર ખેંચાતા અને ગુનો દાખલ થતાં સમસ્ત બ્રહ્મસમાજમાં ચકચાર મચી ગઇ છે

રાજકોટ તા. ૨૧: રવિવારે સમસ્ત બ્રહ્મસમાજ સોૈરાષ્ટ્ર-કચ્છના સંગઠનના હોદ્દેદારોની નિમણુંક માટે ગઇકાલે માધાપરના ઇશ્વરીયા મંદિરે યોજાયેલી ચૂંટણીમાં પ્રમુખ તરીકે ઉમેદવારી નોંધાવનારા એડવોકેટ પી. સી. વ્યાસને પોતે હારી જશે તેવી બીક હોઇ પોતાના ભાઇ સહિતની સાથે મળી પ્રમુખપદના બીજા ઉમેદવારના મિત્ર એવા એડવોકેટ યુવાનના લમણે રિવોલ્વર રાખી 'આજ તો તને પુરો જ કરી નાંખવો છે' કહી ટ્રીગર દબાવવા જતાં બીજા લોકોએ તેને બચાવી લીધો હતો. આ બઘડાટીને પગલે મામલો પોલીસમાં પહોંચતા ગાંધીગ્રામ પોલીસે આર્મ્સ એકટ અને હત્યાની કોશિષની કલમો હેઠળ ગુનો દાખલ કરી તપાસ આદરી છે.

બનાવ મામલે પોલીસે જામનગર રોડ મધુભાઇ ચેવડાવાળાની બાજુમાં ગાયત્રીધામ-૨માં 'મૃણા' ખાતે રહેતાં અને વકિલાત કરતાં કૃણાલ નિરંજનભાઇ દવે (ઉ.૨૮)ની ફરિયાદ પરથી કે. સી. વ્યાસ, પી.સી. વ્યાસ, ભારતભાઇ જાની (જસદણ), કલ્પેશ વ્યાસ (ગોંડલ), શની જાની તથા નિશાંત રાવલ અને અજાણ્યા શખ્સો સામે આઇપીસી ૩૦૭, ૩૨૩, ૧૪૩, ૫૦૬ (૨) તથા આર્મ્સ એકટની કલમ ૨૫ (૧) બી-એ તથા જીપીએકટ ૧૩૫ (૧) મુજબ ગુનો નોંધ્યો છે.

કૃણાલ દવેએ ફરિયાદમાં જણાવ્યું છે કે હું એક વર્ષથી રાજકોટ કોર્ટમાં વકિલાતની પ્રેકટીસ કરુ છું. મારી ઓફિસ આમ્રપાલી સિનેમા પાસે શેૈલજા સંકુલ કોમ્પલેક્ષમાં ૩૦૬ નંબરમાં છે. મારા પિતા નિવૃત જીવન ગાળે છે. અમે બે ભાઇઓમાં હું મોટો છું. રવિવારે અમારા સોૈરાષ્ટ્ર કચ્છના બ્રહ્મસમાજના સંગઠનની રાજકોટ જીલ્લાના હોદ્દેદારોની નિમણુંક કવા માટે માધાપર ઇશ્વરીયા મહાદેવના મંદિર ખાતે ચૂંટણી યોજાઇ હતી. આ ચૂંટણીનું આયોજન બ્રહ્મસમાજ દ્વારા કરવામાં આવ્યું હતું. જેમાં બપોરે ત્રણેક વાગ્યે હું પણ ત્યાં ગયો હતો. અમારા સમાજના આગેવાનો અને લોકો હાજર હતાં. મારા ઓળખીતા પંકજભાઇ રાવલ તથા ભારતભાઇ જાની તથા કે.સી. વ્યાસે બ્રહ્મસમાજના પ્રમુખ તરીકે ઉમેદવારી નોંધાવી હતી.

અમારી ચૂંટણીના નિરીક્ષક તરીકે મોરબીના ભુપતભાઇ પંડ્યા, બોટાદના દિપકભાઇ વ્યાસ હાજર હતાં. મતદાન ચાલુ હતું ત્યારે આશરે સાડા પાંચ છ વાગ્યા આસપાસ પ્રમુખપદના ઉમેદવાર કે.સી. વ્યાસ અને તેના ભાઇ પી.સી. વ્યાસને તેઓ ચૂંટણી હારી જશે તેવું લાગતાં તેઓ ચૂંટણી કામગીરીમાં એકદમ ઉશ્કેરાઇ ગયા હતાં અને ચૂંટણી કામગીરીમાં દખલઅંદાજી કરવા માંડ્યા હતાં. જેથી અમારા સમજાના અન્ય આગેવાનોએ આ બંનેને ઝઘડો નહિ કરવા સમજાવ્યા હતાં. પરંતુ તે સમજ્યા નહોતાં. બાદમાં કે.સી. વ્યાસ અને પી.સી. વ્યાસ તથા તેની સાથેના ભારતભાઇ જાની (જસદણ), કલ્પેશ વ્યાસ (ગોંડલ), શની જાની તથા નિશાંત રાવલ અને બીજા અજાણ્યા માણસોએ એકસંપ કરી અચાનક મારી તથા પંકજભાઇ રાવલ, મયુરભાઇ રાવલ સાથે ઝપાઝપી શરૂ કરી દીધી હતી.

આ વખતે પી.સી. વ્યાસે 'આજે તો તને પુરો જ કરી નાંખવો છે' તેમ કહી પોતાની પાસેથી રિવોલ્વર કાઢી મારા લમણે રાખી ટ્રીગર દબાવવા પ્રયાસ કરતાં જ પંકજભાઇ રાવલ, મયુરભાઇ, સમીરભાઇ ખીરા, જયેશભાઇ ત્રિવેદી સહિતનાએ મને છોડાવ્યો હતો. એ પછી મયુરભાઇ રાવલે પોલીસ કન્ટ્રોલ રૂમમાં ફોન કરતાં પીસીઆર આવી હતી અને અમે ગાંધીગ્રામ પોલીસ મથકે જઇ ફરિયાદ નોંધાવી હતી.

ગાંધીગ્રામ પોલીસ મથકના પી.આઇ. વી. વી. ઓડેદરા, પીએસઆઇ આર.જે. જાડેજા, રાહુલભાઇ વ્યાસ, કિશોરભાઇ ઘૂઘલ,  રશ્મીનભાઇ પટેલ સહિતે ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી છે. જેની સામે ગુનો નોંધાયો તે પણ એડવોકેટ છે. હોદ્દેદારોની ચૂંટણીમાં રિવોલ્વર ખેંચાયાની આ ઘટનાએ સમસ્ત બ્રહ્મસમાજમાં ચકચાર જગાવી દીધી છે. (૧૪.૮)

ફરિયાદી કૃણાલ દવે કહે છે-સભ્યો નહોતા એવા લોકોને ચૂંટણીમાં ઉભા રખાયા'તાઃ જો કે છેલ્લે અમારા જૂથના પંકજભાઇ રાવલ વિજેતા થયા છે

. ફરિયાદી કૃણાલભાઇ દવેએ ટેલિફોનીક વાતચીતમાં કહ્યું હતું કે ચૂંટણીમાં જે લોકો સંગઠનના સભ્યો હોય તેને જ મત આપવાનો અધિકાર હતો. જેમની પાસે ચૂંટણીની પહોંચ હતી તેને જ મતદાન કરવાનું થતું હતું. પરંતુ સામેના જૂથ તરફથી સભ્યો ન હોય તેવા લોકોને ચૂંટણીમાં ઉભા રખાયા હતાં. પી.સી. વ્યાસ અને કે. સી. વ્યાસ તરફથી ભારતભાઇ જાનીને ઉભા રખાયા હતાં. પી.સી. અને કે. સી. વ્યાસને તેઓ હારી જશે તેવો ભય લાગવા માંડતા માથાકુટ શરૂ કરી હતી. જો કે અંતે અમારા જૂથના પંકજભાઇ રાવલ વિજેતા થયા છે. તેમના સભ્યો વધુ ચુંટાયા છે. (વિડીયો - સ્પીડ રિપોર્ટ)

(2:16 pm IST)