Gujarati News

Gujarati News

News of Monday, 21st January 2019

રાજકોટ તાલુકાના જીવાપર- બામણબોરની ૪૦૦ એકર જમીન ખાનગી પાર્ટીને સોંપવા સામે પ્રાંતનો મનાઇ હુકમ

કરોડોની જમીન અંગે ચોટીલા મામલતદારે બે વર્ષ પહેલા ખાનગી પાર્ટીને ૩૭૮ એકર જમીન આપી દિધી હતીઃ તાજેતરમાં રાજકોટ તાલુકામાં આ બંને ગામો ભેળવાતા મામલો ઉખળ્યોઃ તાલુકા મામલતદારે પ્રાંત સમક્ષ અપીલ દાખલ કરી

રાજકોટ તા. ર૧ :.. રાજકોટ સીટી પ્રાંત-ર શ્રી જશવંત કે. જે. ગોડાએ તાજેતરમાં ચોટીલા તાલુકાના પ ગામો કે જે તાજેતરમાં રાજકોટ તાલુકામાં સમાવેશ કરાયા છે. તે ગામોની કુલ ૪૦૦ એકર જમીન કે જેની કિંમત કરોડોમાં થાય છે તે જમીન ખાનગી પાર્ટીને આપવા સામે વચગાળાનો મનાઇ હુકમ આપી તમામ પક્ષકારોને જાણ કરી દિધી છે.

આ કેસમાં રામભાઇ ખાચર, રાજેશભાઇ ખાચર, સરોજબેન ખાચર, સ્વ. નાનભાઇ ખાચરના વારસદાર શ્રી ઇન્દ્રાબેન તથા સામે રાજકોટ તાલુકા મામલતદાર છે.

(૧)રાજકોટ તાલુકાના જીવાપર ગામની સર્વે નં.૪૭ પૈકી એકર ૧૭૧-૧૧ ગુંઠા જીવાપર ગામના સ.નં.૮૪ પૈકી જમીન એ.પપ-૧૪ ગુંઠા, બામણબૌર ગામમાં સ.નં.૫૯ પૈકી એ. ૧૯૦-૧૩ ગુંઠા તથા સ.નં.૯૮ પૈકી એ.૩૩-૩૪ ગુંઠા મળી કુલ જમીન એ.૪૫૦-૩૨ની બાબતમાં મામલતદારશ્રી, ચોટીલા દ્વારા ગુજરાત ખેત જમીન ટોચ મર્યાદા ધારા તળે કેસ નં.૧-૨/૨૦૧૫ તા.૧૫/૭/૨૦૧૭ થી શ્રી રામભાઇ નાનભાઇ ખાચર વિગેરેને સાત યુનીટની જમીન એ.૩૭૮-૦૦ ગુંઠા આપવાપાત્ર ઠરાબી બાકી વધતી જમીન એ.૭૨-૦૨ ગુંઠા જમીન ફાજલ જાહેર કરી સરકારશ્રી દાખલ કરવા હુકમ કરવામાં આવ્યો હતો.

(૨) સરકારશ્રીમા તા.૨/૫/૨૦૧૮ના જાહેરનામાથી સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા તાલુકાના કુલ પ ગામોનો સમાવેશ રાજકોટ જિલ્લાના રાજકોટ તાલુકામાં કરવામાં આવેલ છે. આ પાંચ ગામોમાં બામણબોર તથા જીવાપર (બા)નો સમાવેશ થાય છે. ગુજરાત ખેત જમીન ટોચ મર્યાદા ધારાની કલમ ૪૨-એ હેઠળ  સરકાર પક્ષે રજુઆત કરવાની સત્તા ધરાવતા અધિકારીની રૂએ બચાવ અંગેની કાર્યવાહી કરવા નિવાસી અધિક કલેકટરશ્રી, રાજકોટના તા.૧૧/૧૨/૨૦૧૮ના પત્રથી નાયબ મામલતદાર (મહેસુલ), મામલતદાર કચેરી, રાજકોટ તાલુકાને અધિકૃત કરતા તેઓ દ્વારા ચોટીલાના મામલતદારના હુકમ સામે સીટીપ્રાંત-૨ સમક્ષ અપીલ દાખલ કરી હતી.

મામલતદાર અને કૃષિપંચ, ચોટીલાના તા.૩૦/૧૧/૮૮ના જે હુકમથીએ ૩૮૦-૨૦ ગું.જમીન ફાડલ કરવામાં આવેલ તે હુકમ નામ.સુપ્રીમ કોર્ટ દ્વારા પણ માન્ય ગણી, પીટીશનરની પીટીશન ડીસમીસ કરેલ હોય તેવા સંજોગોમાં મામલતદાર,  ચોટીલાએ આશરે ૨૯વર્ષ બાદ ફરીથી કેસ ચલાવી કરેલ હુકમની કાર્યવાહી કરી, નામ.સુપ્રીમ કોર્ટના આદેશનું અવમાનન (કન્ટેમ્પ્ટ ઓફ કોર્ટ) કરેલ છે.

ગુજરાત ખેત જમીન ટોચ મર્યાદા ધારાની કલમઃ૬(૩)(બી) તથા ૬(૩)(સી)ની જોગવાઇ મુજબ બહેનો-દીકરીઓને યુનિટ મળવાપાત્ર નહી હોવા છતા તેઓને યુનિટ આપી કાયદાકીય અધિકાર બહારનું આચરણ કરેલ છે.

મામલતદાર, ચોટીલાના કેસના કાગળો મુજબ જે જવાબ, પંચ રોજકામ વિગેરે કરવામાં આવેલ છે તે કઇ તારીખે, કયાં સમયે, કોના સમક્ષ (રૂબરૂ) નોંધવામાં આવેલ છે તથા રેકર્ડ ઓફ રાઇટસની જોગવાઇ મુજબ સ્થળ સ્થિતિના રોજકામ સક્ષમ અધિકારીશ્રી દ્વારા તપાસાયાનું જણાતું નથી.

આ પછી, ર૦મીએ પક્ષકારોને નોટીસ ઇસ્યુ કરી વધુમાં મલ્ટીપ્લીસીટી પ્રોસીડીગ્સ ન થાય તે માટે આ કેસમાં આગામી સુનાવણી સુધી આ જમીનો બાબતમાં કોઇપણ જાતના વેચાણી, ગીરો, બક્ષીસ કે કોઇપણ પ્રકારની તબદીલી ન થાય તે માટે યથાવત સ્થિતી જાળવી રાખવા નાયબ કલેકટર શ્રી જે. ગોડાએ મનાઇ હુકમ આપી દીધાનું સુત્રોએ ઉમેર્યુ હતું. (પ-૧૯)

(11:42 am IST)