Gujarati News

Gujarati News

News of Monday, 29th June 2020

રાજકોટ શહેર - જિલ્લાના ૬૦૦થી વધુ રાશનીંગ દુકાનદારો સરકાર પાસે ઘઉં - ચોખાના ૫૦ લાખ માંગે છે : કયારે અપાશે?!

અવાર-નવાર રજૂઆતો છતાં કોઇ નક્કર નિર્ણય નહી : કોરોના જેવી સ્થિતિમાં દુકાનદારો લાચાર છે... : ફેબ્રુઆરી - માર્ચનો ખરીદેલો જથ્થો દુકાનદારોએ સરકારના કહેવાથી એમને એમ આપી દીધો : હવે પૈસા નહિ મળે તો આંદોલન : નરેન્દ્ર ડવ

રાજકોટ તા. ૨૯ : રાજકોટ શહેર - જિલ્લાના અંદાજે ૬૦૦થી વધુ રાશનીંગ દુકાનદારો ઉકળી ઉઠયા છે, અને સરકાર પાસે ફેબ્રુઆરી - માર્ચ મહિનાના ઘઉં - ચોખાના જે ૫૦ લાખથી વધુની રકમ માંગે છે તે પુરવઠા ખાતુ આગામી ૩ થી ૪ દિવસમાં નહી ચૂકવે તો આંદોલન કરાશે, તેમ શહેર ફેરપ્રાઇઝ એસો.ના પ્રમુખશ્રી નરેન્દ્ર ડવે 'અકિલા'ને જણાવ્યું હતું.

તેમણે જણાવેલ કે ફેબ્રુઆરી - માર્ચનો અમે ખરીદ કરેલો જથ્થો ઘઉં - ચોખાનો અમે એપ્રિલમાં પુરવઠાનો કહેવાથી મફતમાં વિતરણ કર્યો છે, અંદાજે ૪૦ ટકા જથ્થો અમે એમને એમ આપ્યો છે, રાજકોટના ૧૯૦ જેટલા સસ્તા અનાજના દુકાનદારો અને જિલ્લાના ૪૦૦થી વધુ દુકાનદારો મળી કુલ ૬૦૦થી વધુ દુકાનદારોના ૫૦ લાખથી વધુની રકમ બાકી છે, રાજકોટના ૧૯૦ દુકાનદારોમાં એક દુકાનદાર દીઠ ૨૦ હજાર લેખે લગભગ ૧૯ થી ૨૦ લાખની રકમ લેવાની થાય છે, આ અંગે અનેક વખત જિલ્લા કલેકટર અને જિલ્લા પુરવઠા અધિકારીને રજૂઆતો કરી છે, આ અધિકારીઓ ઉપર ગાંધીનગર પુરવઠા ખાતાને જાણ કરી દે છે, પરંતુ કોઇ નક્કર નિર્ણય લેવાતો નથી અને આવી કોરોનાની ભયંકર બિમારી વચ્ચે દુકાનદારો રાત - દિવસ એકધારી સેવા કરી રહ્યા છે, ત્યારે હવે જો ૩ થી ૪ દિવસમાં અમે આપેલા માલના નાણા અમને જમા નહિ અપાય તો આંદોલનના મંડાણ થશે, અને અમે સહકાર નહી આપીએ તેમ પ્રમુખ શ્રી નરેન્દ્ર ડવે 'અકિલા'ને ઉમેર્યું હતું.

(3:56 pm IST)