Gujarati News

Gujarati News

News of Monday, 29th June 2020

રેલ્વે દ્વારા આજથી તત્કાલ ટિકીટ બુકીંગ સેવા શરૃઃ એસી કલાસમાં સવારે ૧૦થી તો સ્લીપર કલાસમાં ૧૧ વાગ્યાથી

સ્પેશ્યલ ટ્રેનોમાં જે ટ્રેનનો નંબર ૦થી શરૂ થાય છે તેમા બુકીંગ કરી શકાશે

રાજકોટ, તા. ૨૯ :. ભારતીય રેલ્વેએ કોરોના સંકટમાં ટ્રેનના મુસાફરો માટે તત્કાલ ટિકીટ બુકિંગ સેવા શરૂ કરી છે. રેલ્વે દ્વારા સંચાલિત વિશેષ યાત્રી ટ્રેનો અને એસી સ્પેશ્યલ ટ્રેનમાં તત્કાલ ટિકીટ બુકીંગની સેવા આજથી શરૂ થઈ ગઈ છે. સેન્ટ્રલ રેલ્વેના પીઆરઓ શિવાજી સુતાર અનુસાર ૩૦ જૂન અને તેનાથી આગળના સમયમાં ચાલનારી ટ્રેનો માટે આ સુવિધા શરૂ થશે. સ્પેશ્યલ ટ્રેનોમાં જે ટ્રેનોનો નંબર ૦થી શરૂ થશે તેમા બુકીંગ કરી શકાશે.

તત્કાલ ટિકીટ બુકિંગ કયારે શરૂ થશે ?

રેલ્વે યાત્રી ૩૦ જૂનથી તેમની મુસાફરી માટે તત્કાલ ટીકીટની સુવિધા મેળવી શકશે. તત્કાલ ટીકીટ સવારે ૧૦ વાગ્યાથી એસી કલાસ અને સવારે ૧૧ વાગ્યાથી સ્લીપર કલાસ માટે બુક કરાશે. ૧૨ ઓગષ્ટ સુધી તમામ સામાન્ય ટ્રેન સેવાઓ બંધ કરવામાં આવી છે. ગુરૂવારે ભારતીય રેલ્વે દ્વારા આદેશ આપવામાં આવ્યો છે કે તમામ સામાન્ય પેસેન્જર સર્વિસ ટ્રેન જેમાં મે અને એકસપ્રેસ ટ્રેનો સામેલ છે તે ૧૨ ઓગષ્ટ સુધી બંધ કરવામાં આવી છે. નવા આદેશથી સ્પષ્ટ થઈ ગયુ છે કે ૧૨ ઓગષ્ટ સુધી હવે ફકત સ્પેશ્યલ ટ્રેનો જ ચાલશે.

હવે કયારે અને કઈ રીતે થશે તત્કાલ ટીકીટ બુકિંગ

તત્કાલ ટીકીટ સવારે ૧૦ વાગ્યાથી એસી કલાસ અને સવારે ૧૧ વાગ્યાથી સ્લીપર કલાસ માટે બુક કરાશે. ઘણીવાર સેકન્ડોમાં જ ટીકીટ ખતમ થઈ જાય છે. જેથી સમય પર લોગઈન કરીને અથવા તો કાઉન્ટર પર પહોંચીને ટીકીટ બુક કરાવી લેવી. તમને જણાવી દઈએ કે આ નિયમોમાં ફેરફારને લઈને હાલ રેલ્વે તરફથી કોઈ જાણકારી મળી નથી.

ઘણીવાર યાત્રીઓ મુંઝવણમાં મુકાય છે કે તત્કાલ ટીકીટ બુકિંગ કયારે થાય છે. માની લો કે તમે ૩૦ જૂનએ યાત્રા કરવા માંગો છો તો તમારે એક દિવસ પહેલા એટલે કે ૨૯ જૂનએ સવારે ૧૦ વાગ્યે અથવા ૧૧ વાગ્યે ટીકીટ બુક કરાવવી પડશે. યાત્રા દરમિયાન આઇડી પ્રૂફ સાથે રાખવું જરૂરી છે. તમે પાસપોર્ટ, આધારકાર્ડ, પાનકાર્ડ વોટર આઇડી, કેન્દ્ર અથવા રાજય સરકારના કર્મચારી હોવ તો તેનું ઓળખ પત્ર, બેંકની પાસબુક, સ્કુલ અથવા કોલેજની આઇડી માન્ય ગણાશે.

તમે કન્ફર્મ તત્કાલ ટિકિટ કેન્સલ કરો છો તો કોઇ રિફંડ નહીં મળે. રેલવે આખી રકમ કાપી લેશે. જો કે, ટ્રેન કેન્સલ થાય અથવા ડાયવર્ટ થવાની સ્થિતિમાં સ્ટેશન પરથી પસાર ન થાય, જયાંથી તમારે યાત્રા કરવાની છે તો ટિકિટ કેન્સલ કરાવવા પર તમને રિફંડના પુરા પૈસા મળી જશે.

(3:52 pm IST)