Gujarati News

Gujarati News

News of Friday, 22nd May 2020

સબ રજીસ્ટાર કચેરીમાં ઓનલાઇન ટ્રાન્જેકશનની વકીલોને પડતી મુશ્કેલીઓ નિવારવા રેવન્યુ ઓથોરીટીને પત્ર

રાજકોટ, તા. રર :  બાર કાઉન્સીલ ઓફ ઇન્ડીયાના મેમ્બર શ્રી દિલીપભાઇ પટેલે ચીફ કંટ્રોલીંગ રેવન્યુ ઓથોરીટીને એક પત્ર પાઠવીને વકીલોને સબ રજીસ્ટ્રાર કચેરીની કાર્યવાહીમાં ઓનલાઇન ટ્રાન્જેકશન સહિતની કાર્યવાહીમાં થતી તકલીફો નિવારવાની માંગણી કરી છે.

કોરોના મહામારી બાદ ગુજરાત સરકાર દ્વારા લોકડાઉન આર્થિક રીતે ખોલવામાં આવેલ છે. ત્યારે આ સમય દરમ્યાન નાણા ભીડ દૂર કરવા સરકારશ્રી દ્વારા બેંકોને મોટા પ્રમાણમાં ધિરણ આપવા આહવાન કરેલ છે પરંતુ સબ-રજીસ્ટ્રાર કચેરી દ્વારા શોધ, ઇન્ડેકસ-ર તથા ખરી નકલોની ફીની ચુકવણી ઓનલાઇન સ્વરૂપે કરવાનું ઠરાવેલ છે. જે હાલના સંજોગોમાં તદૃન બિન ઉપયોગી, સમય બગાડનાર અને સામાન્ય પ્રજાને હાડમારી વધારે તેવું પ્રતીત થાય છે.

બેંકના ધિરાણ પહેલા સબ-રજીસ્ટ્રાર કચેરીના રેકર્ડની શોધ ફરજીયાત છે. આ અંગે જણાવવાનું કે સબ-રજીસ્ટ્રાર કચેરીના વિભાજન બાદ મોટા શહેરોમાં એકથી વધારે કચેરીઓનું અગાઉનું રેકર્ડ વેરીફાઇ કરવું આવશ્યક છે.

તદઉપરાંત તાલુકા લેવલની કચેરીઓમાં ઇન્ટરનેટ કનેકટીવીટી વિગેરેના પ્રશ્નો હોય શોધની પહોંચ, ઇન્ડેકસ-ર તથા ખરી નકલોની ફીની ચુકવણી કરવામાં ખુબ સમયની બદબાદી થયા છે. વારંવાર પ્રયત્નો કરવા છતાં ઓનલાઇન પેમેન્ટ થઇ શકયું નથી. એક ના એક ટ્રાન્જેકશન માટે એક કરતા વધારે કચેરીઓ ડીજીટલ પેમેન્ટ અગવડ ભર્યુ છે. હાલ ખેત ધિરાણની સીઝન હોય અને ખેડૂતો ખેતીના કામમાં વ્યસ્ત હોય તથા ડીજીટલ પેમેન્ટની સીસ્ટમથી વાકેફના હોય બેંક દ્વારા આપવામાં આવતા ખેત ધિરાણ અંગે જરૂરી શોધ, ઇન્ડેકસ-ર તથા ખરી નકલો મેળવવામાં ખુબ વિલંબ થાય છે. અને લાખો ખેડૂતો આપની નવી સીસ્ટમથી અત્યંત હેરાન થાય છે. સબ-રજીસ્ટ્રાર કચેરીના સ્ટાફ દ્વારા આ નવી સીસ્ટમની માહીતી આપવામાં ખુબ સમય બરબાદ થાય છે. અને નોંધણી ની મહત્વની કાર્યવાહી ખોરભાંય છે.

ઉપરોકત સંજોગોમાં હાલના અતિ કઠીન સમયમાં જનતાની હાલાકી ઓછી થાય અને સબ-રજીસ્ટાર કચેરીની કામગીરી ઝડપથી થઇ શકે તે માટે શોધ, ઇન્ડેક્ષ-ર, અને ખરી નકલના ડીજીટલ પેમેન્ટની વ્યવસ્થા તાત્કાલીક ધોરણે સ્થગિત કરી મુળ કાર્યવાહી ચાલુ રાખી ઉપરોકત ફી રોકડેથી સ્વીકારવા આપની તાબાની કચેરીઓને સત્વરે આદેશ આપશો. તેમ ગુજરાત બાર કાઉન્સીલના પૂર્વ ચેરમેન દિલીપભાઇ પટેલે જણાવ્યું છે.

(2:54 pm IST)