Gujarati News

Gujarati News

News of Monday, 2nd December 2019

રાજકોટ શહેર પોલીસ માટે વધુ એક ગોૈરવની વાતઃ સુરક્ષા કવચ એપને દિલ્હીમાં મળ્યો 'સ્કોચ એવોર્ડ'

સમગ્ર દેશના ૧ હજાર પ્રોજેકટમાંથી ૧૫૦ સેમિફાઇનલ સુધી પહોંચ્યા'તાઃ મનોજ અગ્રવાલને એવોર્ડ એનાયત

રાજકોટઃ શહેર પોલીસનું નામ વધુ એક વખત પ્રશંસા પામ્યું છે. ટેકનોલોજી પર ખાસ ભાર મૂકનારા શહેર પોલીસ કમિશનર મનોજ અગ્રવાલના માર્ગદર્શન હેઠળ તૈયાર થયેલી રાજકોટ સુરક્ષા કવચ એપ્લિકેશનને તાજેતરમાં દિલ્હી ખાતે સ્કોચ એવોર્ડ માટે પસંદ કરવામાં આવતાં શહેર પોલીસ ગોૈરવ અનુભવે છે.  કમિશનર શ્રી અગ્રવાલે દિલ્હી ખાતે ઇન્ડિયા ઇકોનોમિક ફોરમ દ્વારા તા.૨૯ નવેમ્બરે દિલ્હી ખાતે યોજાયેલા સમારોહમાં હાજરી આપી હતી. આ એવોર્ડ તેમને એનાયત કરવામાં આવ્યો હતો. રાજકોટ શહેરના કુખ્યાત ગુનેગાર, હિસ્ટ્રીશીટર, ટપોરી, બૂટલેગર વગેરેની માહિતી પોલીસને એક જ ઝાટકે મળી જાય તે માટે શહેર પોલીસ દ્વારા રાજકોટ સુરક્ષા કવચ એપ્લિકેશન તૈયાર કરવામાં આવી હતી. શહેરના પોલીસ કર્મીઓને મોબાઇલમાં આ એપ્લિકેશન હેઠળ તમામ વિગતો અપ ટુ ડેટ રહે છે. જેનાથી ગુનેગારો પર પોલીસની ખાસ વોચ રહે છે. ઇન્ડિયા ઇકોનોમિક ફોરમ દ્વારા દેશભરમાંથી ૧ હજાર જેટલા આવા પ્રોજેકટ પસંદ કરવામાં આવ્યા હતા જેમાંથી અલગ અલગ કેટેગરીના ૧૫૦ પ્રોજેકટને સેમિફાઇનલ તરીકે પસંદ કરવામાં આવ્યા હતા. જેમાં ગુજરાત પોલીસની રાજકોટ સુરક્ષા કવચ, ભરૂચ પોલીસની ઇ બંદોબસ્ત, ગાંધીનગરની પોકેટ કોપ અને ગાંધીનગરની જ સિટિઝન પોર્ટલ એપ્લિકેશન સેમિફાઇનલમાં સિલેકટ થઇ હતી. જેમાં ઓર્ડર ઓફ મેરિટ એવોર્ડ માટે રાજકોટ શહેરની રાજકોટ સુરક્ષા કવચ એપ્લિકેશન ફાઇનલમાં પસંદગી પામી હતી.

સમારોહમાં સ્કોચ ગ્રૂપના ચેરમેન સમીર કોચર, મેમ્બર ઓફ નીતિ આયોજનના વિનોદ પાલ અને મિનિસ્ટ્રી ઓફ રૂરલ ડેવલપમેન્ટના સેક્રેટરી અમરજીતસિંહાની ઉપસ્થિતિમાં રાજકોટ પોલીસ કમિશનર મનોજ અગ્રવાલને સ્કોચ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો. અત્રે નોંધનીય છે કે અગાઉ રાજકોટ સુરક્ષા કવચ એપ્લિકેશનને આંતરરાષ્ટ્રીય પોલીસ એકસપોમાં પણ પોલીસ એકસેલન્સી એવોર્ડ એનાયત થયો હતો.

(1:11 pm IST)