Gujarati News

Gujarati News

News of Monday, 2nd December 2019

૬૦૦ રૂપિયા માટે ત્રણ શખ્સોએ જ્યાં સીન કર્યા ત્યાં જ કાયદાનું ભાન કરાવતી ગાંધીગ્રામ પોલીસ

રાજકોટ તા. ૨: કાલાવડ રોડ પર નેપ્ચ્યુન ટાવર પાસે લીંબુડી વાડી રોડ જલારામ ફાસ્ટ ફૂડ સામે શનિવારે ત્રણ શખ્સોએ એક શખ્સ પર ૬૦૦ રૂપિયાની ઉઘરાણી મામલે હુમલો કરી ગાળો દઇ હેલ્મેટથી તથા પથ્થરથી માર મારી જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. મારામારીનો વિડીયો વાયરલ થતાં પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ, જેસીપી ખુરશીદ અહેમદ, ડીસીપી મનોહરસિંહ જાડેજા અને એસીપી પી. કે. દિયોરાએ તાકીદે આ શખ્સોને શોધી કાઢવા સુચતા અને માર્ગદર્શન આપતાં પી.આઇ. કે. એ. વાળા, પીએસઆઇ એમ. બી. જેબલીયા, હેડકોન્સ. પ્રશાંતભાઇ રાઠોડ, કોન્સ. દિવ્યરાજસિંહ જાડેજાએ તપાસ કરી ત્રણ આરોપીઓ ચિરાગ રઘુભાઇ સોલંકી (ઉ.૨૮), અભિષેક ઉર્ફ અભી રઘુભાઇ સોલંકી (ઉ.૨૨) અને કરણ વિનોદભાઇ પરમાર (ઉ.૨૧) (રહે. ત્રણેય શ્યામનગર-૩, ગાંધીગ્રામ)ની ધરપકડ કરી કાયદાનું ભાન કરાવ્યું હતું. આ ત્રણેયે ઘંટેશ્વર એસઆરપી કેમ્પ સામે ક્રિસ્ટલ-૨ જી એપાર્ટમેન્ટમાં રહેતાં સોૈરભ રાજેશભાઇ તિવારી (ઉ.૨૬) પર હુમલો કર્યો હતો. ચિરાગને સોૈરભ પાસેથી રૂ. ૬૦૦ લેવાના હોઇ તેની ઉઘરાણી મામલે ડખ્ખો થયો હતો. આ ત્રણેય શખ્સોએ જે સ્થળે સીનસપાટા કરી કાયદાનું ઉલંઘન કર્યુ હતું એ સ્થળે જ પંચનામુ કરવા પોલીસ તેને લઇ ગઇ હતી. આ વખતે ત્રણેયએ હાથ જોડી માફી માંગતા સીન વિખાઇ ગયા હતાં. પી.આઇ. કે. એ. વાળાએ જણાવ્યું હતું કે હેલ્મેટ માથાની સુરક્ષા માટે છે, મારામારી માટે નહિ. હેલ્મેટનો દરેક ટુવ્હીલર ચાલકોએ પોતાની સુરક્ષા માટે ઉપયોગ કરવો જોઇએ.

(1:10 pm IST)