Gujarati News

Gujarati News

News of Thursday, 11th July 2019

હોન્ડા પર ટ્રીપલ સ્વારીમાં નિકળી એક જ દિવસમાં ૩ લુંટને અંજામ આપનાર લુંટારૂ ત્રિપુટીને ક્રાઇમ બ્રાન્ચે ઝડપી લીધી

૧૧ મી જુને અમદાવાદથી ડીલકસ ચોકમાં ઉતરી રિક્ષામાં બેસી જઇ રહેલા મયંક હરીયાણીને રીક્ષામાંથી : ખેંચી કાઢી હોન્ડા પર આવેલા ૩ અજાણ્યા શખ્સોએ મોબાઇલ અને રોકડની લૂંટ ચલાવી હતી : ક્રાઇમ બ્રાન્ચના વિજયસિંહ, પ્રતાપસિંહ, ફિરોજ શેખ અને યોગીરાજસિંહને મળેલી બાતમીના આધારે ફારૂક માજોઠી,સાબીર ફકીર અને એક સગીર બાળકને ઝડપી લેવાયો

રાજકોટ, તા., ૧૧: ક્રાઇમ બ્રાન્ચે આજે કરેલા એક ડીટેકશનમાં ૧૧ મી જુને એક જ દિવસમાં રાહદારીઓને આંતરી ચલાવાયેલી ૩ લુંટો સહિત ૪નો ભેદ ખોલી ફારૂક સલીમ  માજોઠી (ઉ.વ.ર૦, રહે.માજોઠી નગર, દુધસાગર રોડ) સાબીર ઇકબાલ અબ્સા(ફકીર) (ઉ.વ.૧૯, રહે. હાઉસીંગ બોર્ડ એચ.જે. સ્ટીલ સામે) અને એક સગીર  વયના બાળકની ધરપકડ કરી હતી.

ગઇ તા. ૯ મીના બી ડીવીઝન પોલીસ સ્ટેશનમાં મયંક આત્મારામ હરીયાણીએ ફરીયાદ નોંધાવી હતી.  મયંક તા. ૧૧ જુનના સવારે પાંચેક વાગ્યે અમદાવાદથી રાજકોટ આવી ડીલકસ ચોકમાંથી રીક્ષા બાંધી પોતાના ઘેર જઇ રહયો હતો ત્યારે નંબર પ્લેટ વગરના સ્પ્લેન્ડર પર ધસી આવેલા ૩ અજાણ્યા શખ્સોએ રીક્ષામાંથી બહાર ખેંચી કાઢી માર મારી ખિસ્સામાંથી ૯૦૦ રૂ. રોકડા અને રેડ મી નોટ કંપનીનો ૭ હજારનો મોબાઇલ લુંટી લીધો હતો. તેનું એટીએમ પણ આંચકી લીધું હતું જો કે તેમાંથી લુંટારા નાણા ઉપાડી શકયા ન હતા. આ ફરીયાદ સંદર્ભે ડીસીબીના પીઆઇ ગઢવીની સુચનાથી એએસઆઇ વિજયસિંહ ઝાલા, હેડ કોન્સ્ટેબલ પ્રતાપસિંહ ઝાલા, ફિરોજ શેખ અને યોગીરાજસિંહ બાતમી મેળવવાનું શરૂ કર્યુ હતું. કેટલાક ફુટેજ અને ટેકનીકલ બાબતો પણ ચકાસવામાં આવી હતી. અંતે તેમના હાથ લુંટારૂઓ સુધી પહોંચી ગયા હતા.

બાતમીના આધારે પીએસઆઇ ધાખડા બાતમી મેળવનાર ત્રણેય પોલીસમેનો ઉપરાંત હરદેવસિંહ જાડેજા, શોકતખાન ખોરમ સહિતનો કાફલો દુધસાગર રોડ પર પહોંચી ગયો હતો અને એક-એક પછી એક ત્રણેય લુંટારૂને ઉઠાવી લીધા હતા. આ શખ્સોએ એવી કબુલાત આપી હતી કે ૧૧ મી તારીખે જ મયંકને લુંટયો તે દિવસે સંત કબીર રોડ, ધરારનગર, માર્કેટ પાસે, એક હોન્ડા ચાલકને આંતરી રૂ. પ૦૦ની લુંટ, કરી હતી. તેજ દિવસે લીટલ સ્ટાર સ્કુલ પાસેથી એક રાહદારીને આંતરી મોબાઇલ ફોન અને ૯૦૦ રૂપીયા લુંટી લીધા હતા. આ ઉપરાંત ૧૧ મી જુનના પાંચ-છ દિવસ પહેલા કેસરી પુલ ના છેડે એકસેસ ચાલકને આંતરી ૭૦૦ ની લુંટ ચલાવ્યાની કબુલાત આપી હતી. પોલીસે રિમાન્ડની તજવીજ હાથ ધરી છે.

(3:48 pm IST)