Gujarati News

Gujarati News

News of Wednesday, 15th May 2019

સરકારે મકાન તો બનાવ્યા, પણ છત કે તળીયા વગરના !: મદારી પરીવારો એક વર્ષથી વલ્ખા મારે છે

સમાજ કલ્યાણ ખાતાની મદદથી એક વર્ષ પૂર્વે ભીતડા ઉભા કરી દેવાયા પછી ધબડકો : ઉપર સ્લેબ નથી કે તળીયે લાદી નથી : પ્લાસ્ટર પણ બાકી : ૨૫ જેટલા મદારી પરીવારો નોધારા : મુખ્યમંત્રીને મળી આવ્યા પણ પરીણામ શુન્ય : ફરી યાદી અપાવવા હવે કલેકટરને રજુઆત

તસ્વીરમાં 'અકિલા' ખાતે વિગતો વર્ણવતા કુંવરનાથ મીઠુનાથ સોલંકી (મો.૯૬૩૮૭ ૪૬૮૯૮), જાલમનાથ મીઠુનાથ ભાટી, ગુલાબનાથ નથુનાથ બામણીયા, રમતુનાથ પારસનાથ રાઠોડ નજરે પડે છે. (તસ્વીર : વિક્રમ ડાભી)

રાજકોટ તા. ૧૫ : ખેલ કરીને જીવન ગુજરો કરતા મદારી પરીવારોને પાકો આશરો મળે તેવા હેતુથી સમાજ કલ્યાણ ખાતા દ્વારા મકાન તો બનાવી દેવાયા પણ મકાનની વ્યાખ્યામાં ન આવે તેવા મકાન હોવાનો આક્રોશ લાભાર્થી મદારી પરીવારોએ વ્યકત કર્યો છે.

'અકિલા' ખાતે વિગતો વર્ણવતા લાભાર્થી મદારી પરીવારોએ જણાવેલ કે અમોને સરકાર દ્વારા મોરબી તાલુકાન મકનસર ખાતે મકાન બનાવી અપાયા છે. પરંતુ મકાનનું બાંધકામ શરૂ થયા પછી છત કે તળીયાની કે પ્લાસ્ટરની કામગીરી કર્યા વગર જ છેલ્લા એક વર્ષથી મકાનોનું કામ અધુરૂ છોડી દેવાયુ છે.

તેમ છતા હાલ ૨૫ જેટલા મદારી પરીવારો આવા ખાલી ભીતડા ઉભા કરી દેવાયેલ મકાનોમાં આશરો લઇ રહ્યા છે. કોઇએ માથે તાલપત્રી ઢાંકી તો કોઇએ કંતાન કોથળા ઢાંકીને રહેવા જેવુ કરી દીધુ છે. ઝુપડાને બદલે પાકા મકાનો આપશુ તેવા વચન આપનાર સરકારી તંત્રએ દળી દળીને ઢાંકણીમાં જેવુ હાલ કર્યુ છે. જે મકાનો બન્યા તે ઝુપડા જેવી જ હાલતમાં છે.

રોજે રોજ ખેલ કરીને રોજનું કમાઇ રોજ ખાનાર આ ગરીબ મદારી પરીવારો એક વર્ષથી આવી હાલતમાં આશરો લઇ રહ્યા હોવા છતા કોઇ દરકાર લેવાતી નથી. એક તરફ સાપના ખેલ બંધ કરી દેવાતા રોજી રોટી ઉપર પણ પાટુ પડયુ છે ત્યારે સારો આશરો આપવામાં પણ સરકારે રમત કરતા મદારી પરીવારોમાં ભારે રોષ ફેલાયો છે.

એકાદ મહીના પહેલા મુખ્યમંત્રી સમક્ષ રૂબરૂ રજુઆત કરવામાં આવી હતી. પરંતુ પરીણામ શુન્ય છે. માથે ચોમાસુ ઝળુંબી રહ્યુ છે. મદારી પરીવારના બાલ બચ્ચા રઝળી પડે તે પહેલા મકાનનું કામ પૂર્ણ કરવા માંગણી ઉઠાવાઇ છે. સરકારને ફરી યાદ દેવા કલેકટરને આવેદનપત્ર સુપ્રત કરાશે.

આ રજુઆતમાં બાડનાથ બામણીયા, અરવિંદનાથ સોલંકી, જાલમનાથ ભાટી, રમતુનાથ રાઠોડ, સારૂખનાથ રાઠોડ, રમતુનાથ પઢીયાર, જોગનાથ પરમાર, જાનનાથ ભાટી, કુંવરનાથ ભાટી, સારૂખનાથ પઢીયાર, રતનનાથ સોલંકી, મેનનાથ પઢીયાર, ભીખનાથ સોલંકી, દીલીપનાથ બામણીયા, કરમશીનાથ બામણીયા, ખોડાનાથ બામણીયા, જવેરનાથ રાઠોડ, રડીબેન બામણીયા, ધારૂનાથ બામણીયા, મુન્નાનાથ પરમાર, મેરૂનાથ બામણીયા, નાગનાથ રાઠોડ, જાલમનાથ ચૌહાણ, જાલમનાથ ભાટી વગેરે સાથે જોડાયા હતા.

(3:55 pm IST)
  • ઘંટેશ્વરમાં જીલ્લા કોર્ટ સંકુલ અંગે હાઈકોર્ટની ટીમ રાજકોટમાં: સર્વે શરૂ : ઘંટેશ્વર સર્વે નં. ૧૪૦માં નવુ અદ્યતન જીલ્લા કોર્ટ સંકુલ બનાવવા અંગે આજે હાઈકોર્ટના જજો અને તેમની ટીમ રાજકોટ આવી છે, કલેકટર તંત્રના સર્કલ ઓફિસર દ્વારા જમીન અંગે માહિતી અપાઈઃ કુલ ૧૫ એકર જગ્યા અગાઉ પ્લાન મુકાયા છેઃ આજે સર્વે-સમીક્ષા બાદ નવા બિલ્ડીંગ અંગે નિર્ણય લેવાશે access_time 3:29 pm IST

  • સાંજે કલેકટર કચેરીમાં સૂચિત સોસાયટી અંગે મહત્વની બેઠકઃ વધારાની ૯૦૦ અરજીઓ અંગે લેવાશે નિર્ણય : રાજ્ય સરકારે સૂચિત સોસાયટીમાં ૨૦૦૫ની કટ ઓફ ડેઈટ નક્કી કરતા રાજકોટની ૮૦ સોસાયટીમાં નાયબ મામલતદારો દ્વારા સર્વે કરાયોઃ કુલ ૯૦૦થી વધુ અરજીઓ ઉમેરાશેઃ સાંજે કલેકટર કચેરી ખાતે આ અંગે મહત્વની બેઠકઃ સૂચિતની કામગીરી કરતા નાયબ મામલતદારો - મામલતદારોને તેડુ access_time 3:29 pm IST

  • ગોંડલના ચરખડી પાસે આકાશ જીનીંગ મીલમાં ભભૂકી : આગની ઘટનાની જાણ થતા ગોંડલ-જેતપુરના ફાયરબ્રિગેડ ઘટના સ્થળે પહોંચ્યા :જીનીંગ મીલમાં પડેલા કપાસના જથ્થામાં આગ ભભૂકી ઉઠવાનું કારણ અકબંધ: access_time 8:59 pm IST