Gujarati News

Gujarati News

News of Tuesday, 16th April 2019

રાજકોટ જિલ્લા પંચાયતમાં ભાજપને સાદી બહુમતી માટે માત્ર ૧ સભ્ય ખૂટે છેઃ કોંગી શાસન પર વધતુ જોખમ

વધુ બે સભ્યો બાલુભાઈ અને શિલ્પાબેને પક્ષપલ્ટો કરતા શાસક-વિપક્ષ બન્નેનું સંખ્યાબળ ૧૮ - ૧૮ થઈ ગયું: ચૂંટણી પછી ૨૪ સભ્યોનું સંખ્યાબળ કરીને અવિશ્વાસ દરખાસ્ત મુકવાની ગણતરી

રાજકોટ, તા. ૧૬ :. સૌરાષ્ટ્રની સૌથી મોટી ગણાતી રાજકોટ જિલ્લા પંચાયતના કોંગ્રેસના વધુ બે સભ્યો મોટી મારડના શિલ્પાબેન મારવાણીયા અને મોટી પાનેલીના બાલુભાઈ વિંઝુડા ગઈકાલે મુખ્યમંત્રીની હાજરીમાં વિધિવત રીતે ભાજપમાં જોડાતા કોંગ્રેસને વધુ એક ફટકો લાગ્યો છે. અત્યારની સ્થિતિએ પંચાયતમાં ભાજપ-કોંગ્રેસ બન્નેના ૧૮ -  ૧૮ સભ્યો થઈ ગયા છે. ભાજપને બહુમતી માટે એક સભ્ય ખુટે છે જ્યારે કોંગ્રેસ આંકડાકીય રીતે લઘુમતીમાં આવી ગઈ હોય તેવી સ્થિતિ સર્જાયેલ છે. ખૂટતા ૬ સભ્યોનું સંખ્યાબળ ભેગુ કરી લોકસભાની ચૂંટણી પછી પ્રમુખ-ઉપપ્રમુખ સામે અવિશ્વાસ દરખાસ્ત લાવવાની ભાજપની કલ્પના છે.

૨૦૧૫ની ચૂંટણી વખતે જિલ્લા પંચાયતમાં કોંગ્રેસને ૩૪ અને ભાજપને માત્ર ૨ બેઠકો મળેલ. ગયા જુલાઈમાં સમિતીઓની રચના વખતથી કોંગ્રેસમાં ભંગાણ શરૂ થયેલ. બે તબક્કે કોંગ્રેસના બાગીઓ ભાજપમાં જોડાયેલા. તે સંખ્યા ૧૪ સુધી પહોંચી હતી. ગઈકાલે વધુ બે સભ્યો ભાજપમા જોડાતા પક્ષપલ્ટો કરનારા સભ્યોની સંખ્યા ૧૬ થઈ છે. બે સભ્યો ભાજપના ચૂંટાયેલા છે. આ રીતે ભાજપ-કોંગ્રેસ બન્નેનું સંખ્યાબળ ૧૮ - ૧૮ સભ્યોનું થઈ ગયુ છે. સામાન્ય સભામાં સાદી બહુમતીથી કોઈ નિર્ણય લેવાનો હશે ત્યારે ખરાખરીનો ખેલ થશે.

ભાજપના વર્તુળો એવુ જણાવે છે કે, ૧૬ સભ્યોએ કેસરિયો ખેસ ધારણ કરી લીધો છે. વધુ ૪ - ૫ સભ્યો ભાજપમાં જોડાવા તરફ છે. અવિશ્વાસ દરખાસ્ત માટે ૨૪ સભ્યોની સહી થઈ ગઈ છે. હાલ આચારસંહિતા અમલમાં હોવાથી લોકસભાની ચૂંટણી પછી પંચાયતમાં સત્તા પલ્ટા માટે અવિશ્વાસ દરખાસ્ત મુકવામા આવશે. અવિશ્વાસ દરખાસ્ત પસાર કરાવવા માટે ઓછામાં ઓછા ૨૪ સભ્યોનું સમર્થન જરૂરી છે. તોતીંગ બહુમતી પછી કોંગ્રેસ તૂટીને સાદી બહુમતી પણ ગુમાવી ચૂકી છે. ભાજપે સત્તા સહિતના વિવિધ પરીબળોના આધારે ૧૮ સભ્યોનું સંખ્યા બળ કરી લીધુ છે. અવિશ્વાસ દરખાસ્તથી ભાજપનું શાસન સ્થાપી ન શકાય તો પંચાયત સુપરસીડ કરવા સુધીની સંભાવના હોવાની ચર્ચા છે.

(11:44 am IST)
  • રાજસ્થાનના અલવર જિલ્લામાં કોંગ્રેસની જૂથબંધીનું વરવું પ્રદર્શન :બે જૂથો વચ્ચે છૂટાહાથે મારામારી :જિલ્લાના બહરોડ કસબામાં ચૂંટણી સભામાં કોંગ્રેસના ઉમેદવાર જીતેન્દ્રસિંહ ભંવર અને શ્રમ મંત્રી ટીકારામ જુલીની હાજરીમાં બે જૂથો વચ્ચે છૂટાહાથની મારામારી access_time 11:04 pm IST

  • ભોપાલ ઈ-ટેન્ડર કૌભાંડમાં મધ્યપ્રદેશ સ્ટેટ ઇલેક્ટ્રોનિક ડેવલપમેન્ટ કોર્પોરેશનના ઓએસડી- ઓફિસર ઓન સ્પેશિયલ ડયૂટી નંદકુમારની ધરપકડ : મધ્યપ્રદેશના આર્થિક ગુન્હા અંગે નંદકુમારની ધરપકડ કરી :તેમની ઉપર ટેન્ડરના ડેટા સાથે ચેડા કરવાનો આરોપ access_time 11:41 pm IST

  • ભારતને તોડવા માંગતા હોત તો હિન્દુસ્તાનનું અસ્તિત્વ જ ન હોત: ફારુક અબ્દુલ્લા:પૂર્વ મુખ્યમંત્રીએ કહ્યું કે, વડાપ્રધાન મોદીએ યાદ રાખવું જોઇએ કે જ્યારે 1996માં રાજ્યમાં કોઇ ચૂંટણી નહોતું લડવા માંગતું તો તેમણે જ ઝંડો ઉઠાવ્યો હતો access_time 1:14 am IST