Gujarati News

Gujarati News

News of Thursday, 14th March 2019

સોલીડ વેસ્‍ટ વિભાગ દ્વારા ભયંકર ગેરરીતીઓ ?

છેલ્લા ત્રણ વર્ષની કામગીરીના રીપોર્ટ માંગતા કોર્પોરેટર ગાયત્રીબા વાઘેલા : મ્‍યુ. કમિશ્‍નરને પત્ર

રાજકોટ તા. ૧૪ : મ્‍યુ. કોર્પોરેશનના સોલીડ વેસ્‍ટ મેનેજમેન્‍ટ શાખામાં ભયંકર ગેરરીતીઓ આચરાઇ રહ્યાની આશંકા સાથે વોર્ડ નં. ૩ ના કોર્પોરેટર અને સ્‍ટેન્‍ડીંગ સભ્‍ય શ્રીમતી ગાયત્રીબા વાઘેલાએ મ્‍યુ. કમિશ્‍નરને પત્ર લખી કેટલીક માહીતીઓ માંગી છે.

કોન્‍ટ્રાકટરો અને અધિકારીઓની મીલીભગત ચાલી રહ્યાની ઉઠેલ ફરીયાદોના આધારે તેઓએ સોલીડ વેસ્‍ટ વિભાગના તમામ વાહનોના છેલ્લા ત્રણ વર્ષના જીપીએસ રીપોર્ટ આપવા, છેલ્લા ત્રણ વર્ષમાં ટીપરવાનના કયા કોન્‍ટ્રાકટરે કયા વર્ષમાં કયા કારણોસર તેમજ કઇ ગાડી માટે કેટલી પેનલ્‍ટી કરાઇ વગેરે વિગતો આપવા માંગણી કરી છે.

રાત્રી સફાઇ કોન્‍ટ્રાકટરોની વિગતો, વર્ક ઓર્ડરની નકલ, કરારની વિગતો, અત્‍યાર સુધીના ચુકવાયેલ બીલ અને ઓર્ડર સાથેની નકલો તેમજ ટીપરવાનના કોન્‍ટ્રાકટરોને આપવામાં આવેલ નોટીસો તથા રજુ કરાયેલ જવાબોની નકલ તેમજ મોબાઇલ એપ્‍લીકેશનમાં તેમલ કોલ સેન્‍ટરમાં આવતી ફરીયાદોની છેલ્લા ત્રણ વર્ષની વિગતો વોર્ડ પ્રમાણે આપવા તેમણે માંગણી કરી છે.

જીપીએસ લોગીન આઇડી અને પાસવર્ડ બરાબર ચાલતા નથી. કઇક છુપાવવા માટેના એ પ્રયાસો તો નથી ને? તેવી આશંકા પણ ગાયત્રીબા વાઘેલાએ વ્‍યકત કરી છે.

(4:31 pm IST)