Gujarati News

Gujarati News

News of Thursday, 14th March 2019

પ્રેમ હોય કે બિક પરંતુ હવે જે કાંઇ રંધાશે રમાશે કે સોગઠા ગોઠવાશે તે બધુ ઉપર થશે

શહેર ભાજપનો એકજ સુર પાર્ટી જેને ટીકીટ આપે તે કબુલઃ કમળને જીતાડશું : બધુ જ થયું નિતિ-ધારણા મુજબ કોઇએ કોઇનું નામ ન આપ્યું: ઉલ્ટાની ઉત્તેજના વધી

રાજકોટ તા. ૧૪ :.. રાજકોટ લોકસભા બેઠક ઉપર ભાજપના ઉમેદવાર કોણ ? શિસ્તબધ્ધ પાર્ટી ભાજપમાં આજે નિરીક્ષકો આગેવાન કાર્યકરોની સેન્સ લેવા આવેલ અને તેમાં નિતી-ધારણા મુજબ જ લાગણી વ્યકત થઇ. ભાજપ નિરીક્ષક જેબલીયા તથા નરહરીભાઇ અમીન સમક્ષ આજે શહેર ભાજપની સંગઠન પાંખે સેન્સ આપી હતી. તમામે એક જ સુર વ્યકત કર્યો હતો કે પાર્ટી જેને ટીકીટ આપે તે કબુલ મંજૂર અમે 'કમળ' ને જીતાડી  દેશુ. જો કે પ્રેમ હોય કે બીક પરંતુ હવે જે કાંઇ રમાશે, રંધાશે કે ગોઠવાશે તે બધુ ઉપર થશે.

શહેર ભાજપના છાના ખૂણે ચોકકસ અસંતોષ, રોષ તથા ઇચ્છાઓ છે જે છેલ્લા એક અઠવાડીયાથી સબંધિત અને યોગ્ય સ્થાને રજુ થઇ રહી છે પરંતુ અહીયા કોંગ્રેસથી સાવ વિપરીત છે. અહીયા જે કાંઇ મનમાં હોય તે વ્યકત થતુ નથી જયારે કોંગ્રેસમાં જે ન હોય તે પણ જાહેરમાં વ્યકત થતુ હોય છે.

શહેર ભાજપના ચોક્કસ જુથોએ છાનાખૂણે ખાંડા ખખડાવ્યા જ છે, પરંતુ મોવડીઓ સિવાય કયાંય વાત વ્યકત થતી નથી. આજે નિરીક્ષકો સમક્ષ તમામ એક જ સુરે પાર્ટી જે નિર્ણય લ્યે તે મંજુર હોવાનું કહી હવે આખો મામલો પ્રદેશમાં મોકલી દીધો છે.

હવે જો કાંઇ કાવાદાવા, સોગઠાબાજી, ભલામણો, લોલીંગ કે રમત થશે તે બધુ ઉપર થશે. હાલ તો મામલો પ્રદેશમાં મોકલાયો છે. હવે ઇચ્છાઓ એષ્ણાઓ વ્યૂહરચનાઓ વ્યુહાનિક રીતે મોવડીઓ સમક્ષ થશે.

શહેર ભાજપ આગેવાનો તથા કાર્યકરોએ સર્વસંમતિથી એક જ સૂર વ્યકત કરતા રાજકીય પંડીતો એવું માની રહ્યા છે કે શું રસ્તો કલીયર કરાયો છે કે મોવડી મંડળને લેવાનો થતો નિર્ણય આસાન કરવા માટેનું પ્રથમ ચરણ પૂર્ણ કરાયું છે ?

રાજકોટ બેઠક પરથી વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી માટે લાલજાજમ પાથરવામાં આવી છે કે મોહનભાઇ કુંડારીયાને રીપીટ કરવામાં આવે તો કોઇ વાંધો નથી તેવો સંદેશો આપવામાં આવ્યો છે.

રાજકીય મૌનમાં બહુ મોટી તાકાત હોય છે એને યુદ્ધ પહેલાની શાંતિ પણ માનવામાં આવે  દછે. વ્યૂહરચનાનો એક ભાગ પણ માનવમાં આવે છે. શહેરની આજની  સેન્સથી રાજકીય ઉત્તેજના ઉલ્ટાની વધી છે તેવું રાજકીય તજજ્ઞો માની રહ્યા છે.

(4:23 pm IST)