Gujarati News

Gujarati News

News of Thursday, 14th March 2019

મિત્રના હત્યારા ફિરોઝનો વધુ એક ગુનામાં જેલમાંથી કબ્જો મેળવાશે

હત્યામાં વાપરેલા યામાહા બાઇકમાં ખોટા નંબર લગાડ્યા હતાં: યુનિવર્સિટી પોલીસે ગુનો નોંધ્યો

રાજકોટ તા. ૧૪: પોતાના જ મિત્ર હરેશભાઇ ઉર્ફ બાપ્પી માધવજીભાઇ મકવાણાને આડેધડ છરીના ઘા ઝીંકી ક્રુર હત્યા નિપજાવવાના ગુનામાં જેલહવાલે રહેલા આરોપી ફિરોઝ જીકરભાઇ મોટલીયા (મેમણ) (ઉ.૨૯-રહે. પારેખવાડી, ખત્રીવાડ)એ હત્યામાં ઉપયોગમાં લીધેલા યામાહા બાઇકમાં ખોટા નંબર રાખ્યાનું ખુલતાં આ મામલે યુનિવર્સિટી પોલીસે તેની સામે આઇપીસી ૪૬૫, ૪૬૮, ૪૭૧ મુજબ ગુનો નોંધી આ ગુનામાં જેલમાંથી કબ્જો મેળવવા તજવીજ આદરી છે.

પીએસઆઇ એમ. વી. રબારીએ ફરિયાદી બની ફિરોઝ સામે એફઆઇઆર દાખલ કરી છે. તેમાં જણાવાયું છે કે હત્યાના ગુનામાં ફિરોઝ પાસેથી જીજે૩એચ-૪૭ નંબરનું યામાહા બાઇક કબ્જેલેવાયું હતું. આ વાહનના એન્જીન, ચેસીસ નંબરો તથા રજીસ્ટ્રેશન નંબર અને વાહન માલિકની ખરાઇ કરવા ૨૬/૨ના રોજ પોલીસે આરટીઓમાં રિપોર્ટ કર્યો હતો. ત્યાંથી એવી માહિતી અપાઇ હતી કે જીજે૩એચ-૪૭ નંબરનું બૂલેટ રજીસ્ટ્રેશન થયેલુ છે અને તે વાહનના માલિક સોયેબ મામટી નહેરૂનગર રૈયા રોડ પર રહે છે. આથી વિશેષ તપાસ થતાં ફિરોઝે ઉપયોગમાં લીધેલા બાઇકના સાચા નંબર જીજે૩એચ-૭૪૭૦ હોવાનું અને આ વાહન  ભોમેશ્વરના અજય રાજુભાઇ સભાડના નામે હોવાનું ખુલ્યું હતું. અજયને પુછતાં તેણે આ વાહન ફિરોઝને વેંચ્યાનું કબુલ્યું હતું. ફિરોઝે પોલીસને અને પબ્લીકને ગેરમાર્ગે દોરવા ખોટા નંબરો લગાડ્યાનું ખુલતાં ગુનો નોંધાયો છે.

પી.આઇ. બી. બી. ગોયલની રાહબરીમાં પીએસઆઇ રબારી, બલભદ્રસિંહ, ગિરીરાજસિંહ સહિતે વધુ તપાસ હાથ ધરી છે.

(3:31 pm IST)