Gujarati News

Gujarati News

News of Wednesday, 11th July 2018

ઓરી - રૂબેલા રસીકરણ : સોમવારથી રાજ્યવ્યાપી અભિયાન : જયંતી રવિ

૯ માસથી ૧૫ વર્ષ સુધીના ૧.૬ કરોડ બાળકોને આવરી લેવાશે

રાજકોટ તા. ૧૧ : આરોગ્ય કમિશનર શ્રીમતી જયંતી રવિએ જણાવ્યું છે કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદી દ્વારા વર્ષ-૨૦૨૦ સુધીમાં ઓરીને નાબૂદ કરવાનો નિર્ધાર કરાયો છે. જે સંદર્ભે દેશભરમાં ઓરી-રૂબેલા રસીકરણ અભિયાન ચાલી રહ્યું છે. જેનો ગુજરાતમાં આગામી ૧૬મી જુલાઇ-૨૦૧૮થી શુભારંભ થશે. આ અભિયાન હેઠળ નવ માસથી લઇને ૧૫ વર્ષ સુધીના અંદાજીત ૧.૬ કરોડ બાળકોને આવરી લેવાશે.

શ્રીમતી જયંતી રવિએ ઉમેર્યું કે, મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ ૧લી-મે-૨૦૧૮ના રોજ ભરૂચ ખાતેથી ઓરી-રૂબેલા અભિયાનને લોન્ચ કર્યું હતું અને નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઇ પટેલ દ્વારા પણ આ અભિયાન હેઠળ રાજયનું એક પણ બાળક રસી વિનાનું રહી ન જાય અને ૧૦૦ ટકા લક્ષ્યાંક સિદ્ઘ કરીને ગુજરાત આ ક્ષેત્રે પણ અગ્રેસર રહે તે રીતે આરોગ્ય વિભાગ દ્વારા સઘન પ્રયાસો હાથ ધરવા જણાવાયું છે. જેમાં વિવિધ સ્વૈચ્છિક સંસ્થાઓ, સરકારી વિભાગોનો વ્યાપક જન સહયોગ લઇને લક્ષ્યાંક સિદ્ઘ કરાશે.

શ્રીમતી રવિએ ઉમેર્યું કે, ઓરી-રૂબેલા અભિયાન દેશના ૨૦ રાજયોમાં ૯૫ ટકાથી વધુ કવરેજ સાથે સંપન્ન થયું છે અને આગામી તા.૧૬મી જુલાઇથી ગુજરાત, ઝારખંડ અને છતીસગઢમાં આ અભિયાન શરૂ થશે. ત્યારે ઓરી-રૂબેલાના નિવારણ-નિયંત્રણ માટે આ ઐતિહાસિક ઇન્જેકટેબલ રસીકરણ અભિયાનમાં સૌ સહયોગ આપે તે જરૂરી છે. અગાઉ જે બાળકોને ઓરીની રસી અપાવી હોય તો પણ ફરીથી આ અભિયાન હેઠળ રસી અપાવવી જરૂરી છે. આની કોઇ સાઇડ ઇફેકટ નથી. આ રસી ઇન્જેકટેબલ હોઇ શાળા, આંગણવાડી કેન્દ્રો, પી.એચ.સી., મેડીકલ કોલેજોના વ્યાપક સહયોગથી કામગીરી કરાશે. આ માટે સ્ટાફને તાલીમબદ્ઘ પણ કરી દેવાયા છે. આ રસી જમણા હાથના બાવળામાં ચામડીની નીચે આપવામાં આવશે. બાળકોમાં ઇન્જેકશનનો ડર ન રહે તે માટે પણ ખાસ કાળજી આ અભિયાન હેઠળ લેવાશે. આ અભિયાનનો સમયગાળો પાંચ અઠવાડિયાનો રહેશે. પ્રથમ બે અઠવાડિયામાં શાળાઓમાં રસીકરણ, ત્યારબાદ બે અઠવાડિયામાં આંગણવાડી અને આઉટરીયન સેશન દ્વારા રસીકરણ તથા પછીના એક અઠવાડિયામાં બાકી રહી ગયેલા બાળકોનું રસીકારણ કરાશે. ઘરે-ઘરે જઇને રસીકરણ કરાશે નહીં. તેમણે ઉમેર્યું કે, ઓરી નિવારણ અને રૂબેલા નિયંત્રણ માટે યોજાઇ રહેલ આ અભિયાન માટે સામૂહિક જાગૃતિનું વાતાવરણ ઉભું થાય અને પ્રત્યેક વાલીઓ જાગૃત બનીને પોતાના બાળકોને રસી અપાવે તે અત્યંત અનિવાર્ય છે. રાજય સરકાર દ્વારા યોજાઇ રહેલ આ અભિયાનમાં સૌ પોતાની સામાજિક જવાબદારી સમજીને સહયોગ આપે તેવી નમ્ર અપીલ રાજય સરકાર દ્વારા કરાઇ છે.

(12:00 pm IST)