Gujarati News

Gujarati News

News of Wednesday, 16th May 2018

બોર યોજનામાં રેલનગર - પોપટપરા અન્ડરબ્રીજને પણ અગ્રતા આપો

રાજકોટવાસીઓની પશ્ચિમનો જ વધુ વિકાસ - સુવિધાનું મેણુ ભાંગવા સામેલ કરવા જોઇએઃ જરૂર પડયે વરસાદી પાણી રોડ પર ભરાવાની માહિતી પ્રજા પાસેથી પણ માંગ જો બાકી પાણી ભરાવાની ફરીયાદો રેકર્ડ ઉપર હશે જઃ જો બોર યોજનામાં સામાજીક સંસ્થાઓ-ઉદ્યોગપતિઓ પણ સહકાર આપશેઃ ૩૦ વર્ષથી પોપટપરાના હજારો કુટુંબો પોપટપરાના અન્ડરબ્રીજમાં વરસાદી પાણીની સમસ્યાથી પીડાય છેઃ રેલનગર અન્ડરબ્રીજ માટે પણ બોર યોજના આવશ્યક છે : રેલનગરના અન્ડરબ્રીજમાં ગત વર્ષે જ પાણી ભરાતા લોકો પરેશાન થયેલ : કોર્પોરેશન દ્વારા પંપ મુકીને પાણી કઢતા અને સોસાયટીઓમાં પાણી ઘુસી ગયેલઃ સાવ તાજીજ સમસ્યાનું પુનરાવર્તન થવા દેવું ન જોઇએ

રાજકોટ તા.૧૬ : ચાલુ વર્ષે રાજકોટ સહિત રાજયમાં સર્જાયેલ ભયંકર પાણી સમસ્યાને પહોચી વળવા અને ભવિષ્યમાં આ પાણી સમસ્યામાંથી છુટકારો મેળવવા રાજય સરકારે ગુજરાતના સ્થાપના દિવસથી સમગ્ર રાજયમાં ગ્રામ્ય કક્ષાએ સુજલામ-સુફલામ અભિયાન હાથ ધરી આ અભિયાન અંતર્ગત ગ્રામ્ય કક્ષાએ નદી-નાળા ચેકડેમોમાંથી કાપ કાઢીને ઉંડા ઉતારવાનું ભગીરથ કાર્ય હાથ ધયું છે.

અને પક્ષના આ ભગીરથ કાર્યમાં સરકારના ઉચ્ચ અધિકારીઓ પદાધિકારીઓ જોડાયેલા છે. આખો માસ ચાલનાર આ અભિયાન અંતર્ગત વરસાદી પાણીનો વધુમાં વધુ સંગ્રહ કરવા તેમજ જમીન માં ઉતારવા માટે જળ સિંચનના કાર્યો જેવા કે ચેકડેમ-તળાવ નદીને ઉંડા ઉતારી તેના પાણીની સંગ્રહક્ષમતા વધારવા પ્રયાસો હાથ ધર્યા છે. જેથી ભવિષ્યમાં ગુજરાતની જનતાને પાણીની સમસ્યા નડે નહિં.

ગુજરાત સરકારના અભિયાનમાં રાજકોટ મ્યુ. કોર્પો.ના અધિકારીઓ-પદાધિકારીઓથી લઇ પક્ષના નાનામાં નાના કાર્યકરોએ જોડાઇને શ્રમદાન કરવાનો સંકલ્પ કર્યો છે જે આવકાર દાયક છે.

કોર્પોરેશનના ભાજપના પદાધિકારીઓએ પણ રાજયસરકારના આ અભિયાનમાં સહયોગ આપ્યો સાથે રાજકોટ શહેરના લોકોની પાણીની સમસ્યાનો ઉકેલ લાવવાનુ પણ બીડુ ઝડપીને રાજકોટમાં ૪ અન્ડરબ્રીજમાં વરસાદી પાણી જમીનમાં ઉતારવાનો પ્રોજેકટ અમલમાં મુકવાની જાહેરાત કરી છે.

ગયા વર્ષે રાજકોટમાં ખુબજ સારો વરસાદ થયો કન્ટીન્યુ બે ત્રણ કલાક સુધી અથવાતો આખી રાત મેઘરાજાએ અમી વર્ષા વરસાવી રાજકોટમાં ધરતી પાણીથી તૃપ્તકરી દીધી હતી. અને આ વરસાદ દરમિયાન રાજકોટના અનેક વોર્ડના વિસ્તારોમાં રસ્તા પર શેરીઓમાં વરસાદના પાણી ભરાઇ જતા અનેક લોકો અને વાહનચાલકો ને કલાકો સુધી મુશ્કેલીનો સામનો કરવો પડેલ. રાજકોટમાં વરસાદી પાણીના નિકાલ ની કોઇ વ્યવસ્થા ન હોવાથી આવી સ્થિતિ સર્જાય છે.

અત્રે એ ઉલ્લેખનીય છે કે, ગતવર્ષે જયારે રાજકોટમાં મુશળધાર વરસાદ પડેલ અને ઠેરઠેર પાણી ભરાયા હતા લોકો એ મુશ્કેલી સહન કરવી પડેલ ત્યારે લોકોની યાતના  જોઇને રાજકોટના મેયર જૈમનભાઇ ઉપાધ્યાયે ગતવર્ષે જ ભવિષ્યમાં મુશ્કેલી ન પડે તે માટે વરસાદી પાણીના નિકાલ માટે જયાં જયાં પાણી ભરાય છે ત્યાં બોર બનાવી પાણી જમીનમાં ઉતારવા માટે બોર યોજનાની જાહેરાત કરી  અને તેનો અમલ પણ કરવાની જાહેરાત કરી તે આવકાર દાયક છે.

હવે મુળ વાત જોઇએ તો રાજકોટ વાસીઓની વર્ષોની ફરીયાદ છે. મ્યુ. કોર્પોરેશન રાજકોટનો પશ્ચિમ તરફ જ વધુ વિકાસ કરી વધુ સુવિધા આપે છે. ત્યારે કોર્પોરેશનના અધિકારીઓએ હાલ જે જગ્યાએ અન્ડર બ્રીજમાં બોર યોજના થકી પાણી જમીનમાં ઉતારવાની યોજના જાહેર કરી છે તે ચારેય સ્થળ લક્ષ્મીનગરનું નાલું, એસ્ટ્રોનનું નાલું, ઇન્દ્રપ્રસ્થનગરનું નાલુ તથા કાલાવડ રોડ અન્ડરબ્રીજ પશ્ચિમમાં જ કહેવાય એટલે ફરી રાજકોટ વાસીઓને ફરીયાદ કરવાનો મોકો મળશે આમતો વરસાદી પાણી મુખ્ય રોડ કે ચોકમાં ભરાવાની સમસ્યા આખા રાજકોટમાં છે.

કોર્પોરેશને ભલે ચાર સ્થળે બોર યોજના હાલ જાહેર કરી પરંતુ અગ્રતાના ધોરણે પોપટપરા અન્ડરબ્રીજ અને રેલનગર બ્રીજમાં પણ પાણી ભરાવાની સમસ્યા હોય  આ બંને સ્થળોને બોરયોજનામાં અરજન્ટ ગણીને સમાવવા જોઇએ.

પોપટપરામાં રહેતા હજારો પરિવારો ૩૦ વર્ષથી વરસાદી પાણીની સમસ્યાથી પીડાય છે હવે તેમનો કોઇ વાંક નથી ત્યારે પોપટપરાના હજારો પરિવારોને પણ પાણીની સમસ્યામાંથી ઉગારી ન્યાય આપવો જોઇએ.

જયારે રેલનગર અન્ડર બ્રીજની વાત કરીએ તો રેલનગર અન્ડરબ્રીજનું ગયા વર્ષે જ લોકાર્પણ કરવામાં આવેલ ગતવર્ષે પ્રથમ ચોમાસામાં જ અન્ડરબ્રીજમાં પુષ્કળ પાણી ભરાઇ જતા હજારો લોકો એ મુશ્કેલી ભોગવી હતી.

વરસાદના સમયે મ્યુ. કોર્પોરેશને બ્રીજમાંથી પાણી કાઢવા મશીનો મુકેલ અને મશીનો દ્વારા બહાર કાઢવામાં આવેલું પાણી રેલનગરની અનેક સોસાયટીમાં ફરી વળતા ભારે દેકારો બોલી જવા પામેલ હવે આ જ સ્થિતિનું ચાલુ વર્ષે પુનરાવર્તન ન થાય તે માટે મ્યુ. કોર્પોરેશન કમિશ્નર બંછાનિધિ પાની, મેયર જૈમનભાઇ ઉપાધ્યાયે રેલનગર બ્રીજને અરજન્ટ કેસ તરીકે લઇને ત્યાં પણ વરસાદી પાણી જમીનમાં ઉતારવાની જાહેરાત કરી દેવી જોઇએ.

બાકી અહિ માત્ર ચાર જગ્યાએ જ વરસાદી પાણીના નિકાલની જાહેરાત થતા અન્ય વિસ્તારમાં જયા સમસ્યા હશે ત્યાંથી પણ બોરયોજનાની માંગણી આવશે અથવા હાલની માત્ર ચાર યોજનાની જાહેરાત સામે વિરોધ પણ ઉઠેતે પહેલા પોપટપરા અને રેલનગર અન્ડરબ્રીજનો બોર યોજનામાં સમાવેશ કરવો અતિ આવશ્યક છે.

વરસાદ સમયે પાણી ભરાયાની આવેલ ફરીયાદો પરથી કોર્પોરેશનમાં વરસાદી પાણી જે જે સ્થળે ભરાય છે. તેની માહિતી ઉપલબ્ધ કરો અને જરૂર પડયે વરસાદમાં કયા રોડ રસ્તા પર સોૈથી વધુ પાણી ભરાય છે તેની માહિતી લોકો પાસથી પણ મેળવવી જોઇએ.

અત્યારે રાજકોટમાં આમ જોઇએ તો રૈયા ચોકડી, માધાપર ચોકડી, બીઆરટીએસ બસ સ્ટોપ પાસે, રૈયા રોડ પર આઝાદ ચોક, પોપટપરાનું નાલુ, લક્ષ્મીનગરનું નાલુ, હેમુગઢવી હોલ પાસેનું નાલું, ટાગોર રોડ પર હેમુગઢવી રોડ પર મુખ્ય દરવાજા પાસે સિવિલ હોસ્પિટલ ચોક થી જામનગર રોડ તરફ, તેમજ સિવિલ કોર્ટના દરવાજા પાસે અને નવા રેલનગર અન્ડરબ્રિજમાં પુષ્કળ પાણી ભરાય છે.

મ્યું કોર્પોરેશન પાણી ભરાતા વિસ્તારોના પોઇન્ટ નકકી કરી તાકીદે જળ સિંચનના ભાગરૂપે તાકીદે રોડ સાઇડ નીચાણવાળા વિસ્તારોમાં ૨૦૦ થી ૩૦૦ ફુટનો બોર કરવા જોઇએ જેથી વરસાદી પાણી જમીનમાં ઉતારી શકાય. આ વર્ષે વરસાદી પાણી ભરાવાની સમસ્યામાંથી રાજકોટની જનતાને મુકિત આપવી જોઇએ તેેવી લોક લાગણી પ્રવર્તી રહી છે.

હજુ દોઢ મહિના (૩૦જુન) સુધી નો સમય છે જો કોર્પોરેશન ના અધિકારીઓ-પદાધિકારીઓ અત્યારથી જ આયોજનબધ્ધ તૈયારી શરૂ કરશે તો રાજકોટમાં આસાનીથી ૨૫-૩૦ જગ્યાએ બોર બનાવી શકાશે. અને લોકોની યાતનાનો અંત આવશે.

રેલનગર અન્ડરબ્રીજમાં  બોર બનાવવાની  કામગીરીને  અગ્રતા આપવી જોઇએ...

નહિતો ગતવર્ષની જેમ પાણી કાઢવા મશીન મુકવા પડશે

રાજકોટઃ રાજકોટમાં રેલનગરવાસીઓને પોપટપરામાંથી ફરીને આવવામાંથી મુકિત અપાવવા રેલનગર અન્ડરબ્રિજ નિર્માણ કરેલ પરંતુ રેલનગર અન્ડરબ્રિજ નિર્માણ બાદ પ્રથમ વર્ર્ષેજ તેમાં પુષ્કળ પાણી ભરાઇ જતા રેલનગર વાસીઓએ ભારે મુશ્કેલી ભોગવવી પડેલ. પાણી એટલી હદે ભરાયું હતું કે કોર્પોરેશનના અધિકારીઓએ પાણીના નિકાલ માટે મશીન મુકવા પડેલ આ મશીન દ્વારા પાણીનો નિકાલ કરવામાં આવતા આ બધુ પાણી રેલનગર વિસ્તારમાં જ અનેક શેરીઓમાં જમાં થતા ફરી અનેક લોકોને મુશ્કેલી ઉભી થયેલ હતી. આવી પરિસ્થિતિનું ફરી નિર્માણ ન થાય તે માટે અત્યારથી જ બોર યોજનાની કામગીરી આરંભી દેવી જોઇએ અને રેલનગર અન્ડર બ્રિજમાં એક અથવા બે બોર સાઇડમાં બનાવી કામગીરીનો પ્રારંભ કરવા લોકમાંગણી ઉઠી છે.

(2:16 pm IST)