Gujarati News

Gujarati News

News of Saturday, 13th January 2018

મોહસીનની હત્યા કરી ભાગી છૂટેલી ટોળકીને દબોચવા ક્રાઇમ બ્રાંચની ટૂકડીઓ અમદાવાદ-મોરબી તરફ રવાના

રાજકોટ તા. ૧૩: ભીસ્તીવાડ મસ્જીદ પાસે રહેતાં મોહસીન હનીફભાઇ જૂણેજા (ઉ.૩૦)ની ધર્મેન્દ્ર રોડ પર તેના બે માસીયાઇ ભાઇની નજર સામે જ નામચીન રિયાઝ, તેના ભાઇ રિઝવાન અને પિતા ઇસ્માઇલ ઉર્ફ બટુક સહિતની ટોળકીએ છરીના ૨૭ જેટલા ઘા ઝીંકી ક્રુરતાથી રહેંસી નાંખ્યાની ઘટનામાં પોલીસ કમિશ્નર અનુપમસિંહ ગહલોૈત, જેસીપી ડી.એસ. ભટ્ટની રાહબરી હેઠળ ક્રાઇમ બ્રાંચની ટૂકડીઓ અમદાવાદ, મોરબી સહિતના શહેરો તરફ તપાસમાં રવાના થયાનું જાણવા મળ્યું છે.

અગીયાર મહિના પહેલા ભીસ્તીવાડના નામચીન શખ્સ નિઝામ દલની હત્યા થઇ હતી. એ ગુનામાં મોહસીન જૂણેજાના મામા અને કાકાની સંડોવણી સબબ ધરપકડ થઇ હતી. આ લોકો થોડા સમય પહેલા જ જામીન પર મુકત થયા હોઇ નિઝામના પિત્રાઇ ભાઇઓ રિયાઝ, રિઝવાન અને તેના પિતા ઇસ્માઇલ ઉર્ફ બટુક ઇશા દલ રોષે ભરાયા હતાં. નિઝામની હત્યાનો બદલો વાળવા આ ત્રણેયે બીજા ચાર શખ્સોની મદદ લઇ પરમ દિવસે મોડી રાત્રે બાબુ જાનમહમદભાઇ દલના દોહિત્ર મોહસીન ઉર્ફ અસગરની હત્યા કરી હતી.

ખૂન કા બદલા ખૂનની આ ઘટનામાં  પોલીસ મૃતકના માસીયાઇ ભાઇ આબીદ હુશેનભાઇ જુણાચ (સંધી) (ઉ.૨૫)ની ફરિયાદ પરથી જામનગર રોડ હુડકો કવાર્ટરમાં રહેતાં નામચીન રિયાઝ ઇસ્માઇલ દલ, તેના ભાઇ રિઝવાન ઇસ્માઇલ દલ, આ બંનેના પિતા ઇસ્માઇલ ઉર્ફ બટુક ઇશાભાઇ દલ (રહે. જંગલેશ્વર) તથા શાહરૂખ ઉર્ફ રાજા બાબુભાઇ જૂણેજા અને ત્રણ અજાણ્યા સામે આઇપીસી ૧૪૩, ૧૪૭, ૧૪૮, ૧૪૯, ૩૦૨, ૪૦૩, ૫૦૬  (૨), જીપીએકટ ૩૭ (૧) ૧૩૫ મુજબ રાયોટીંગ-હત્યાનનો ગુનો નોંધ્યો હતો.

ડીસીપી કરણરાજ વાઘેલા, ડીસીપી બલરામ મીણા અને એસીપી જે. એચ. સરવૈયાની સુચના મુજબ ક્રાઇમ બ્રાંચની ટૂકડીઓ રિયાઝ સહિતની ટોળકી જ્યાં જ્યાં આશરો લઇ શકે તેવી શંકા હોઇ તે સ્થળોએ દરોડા પાડ્યા છે. અમદાવાદ અને મોરબી તરફ પણ ટૂકડીઓ રવાના થયાનું જાણવા મળે છે. (૧૪.૭)

 

(12:03 pm IST)