Gujarati News

Gujarati News

News of Wednesday, 20th November 2019

ખડપીઠ કપિલા હનુમાન પાસે ૭ લાખની લૂંટ

સામા કાંઠે દૂર્ગા આંગડિયા પેઢી ધરાવતાં પટનાના વિક્રમસિંગ સોની બજારમાંથી રોકડનું પાર્સલ લઇ સંત કબીર રોડ પર જતા'તા ત્યારે બાઇક પર આવેલા બે શખ્સો થેલો ખેંચી રામનાથપરા ગરૂડ ગરબી તરફથી ભાગી ગયાઃ પોલીસની નાકાબંધી : લૂંટારાના વાહનની નંબર પ્લેટ પર પટ્ટીઃ બંનેએ હેલ્મેટ નહોતા પહેર્યા

જ્યાં લૂંટની ઘટના બની એ સ્થળ

રાજકોટ તા. ૨૦: શહેરમાં ભરબપોરે લૂંટની ઘટનાથી સનસનાટી મચી ગઇ છે. કેસરીપુલથી રામનાથપરા સ્મશાન તરફ જતાં ખડપીઠ રોડ પર ગોૈશાળા પાસે સામા કાંઠાના આંગડિયા પેઢીના સંચાલક હસ્તકનો રૂ. ૭ લાખની રોકડ ભરેલો થેલો ખેંચી બે શખ્સ બાઇક પર ભાગી જતાં પોલીસે ઠેકઠેકાણે નાકાબંધી કરી છે.

જાણવા મળ્યા મુજબ સંત કબીર રોડ પર રહેતાં અને દૂર્ગા આંગડિયા નામે પેઢી ચલાવતાં બિહાર પટનાના વિક્રમસિંહ આજે બપોરે તેનું એક રોકડનું પાર્સલ બહારગામથી સોની બજારમાં ભારત પાર્સલ સર્વિસ નામની પેઢીમાં આવ્યું હોઇ તેઓ પોતાનું બાઇક લઇને સોની બજાર આવ્યા હતાં અને અહિથી     તેઓ રોકડ રકમ થેલામાં રાખી બાઇક પર બેસી પરત સામા કાંઠે જવા રવાના થયા હતાં.

એ દરમિયાન ખડપીઠ કપિલા હનુમાનજી નજીક શ્યામ ગોૈશાળા પાસે પહોંચ્યા ત્યારે બાઇક પર બે શખ્સ આવ્યા હતાં અને વિક્રમસિંગનો થેલો ખેંચી ભાગી ગયા હતાં. આ થેલામાં રૂ. ૭ લાખની રોકડ હતી.

લૂંટારા એકસેસ જેવું વાહન લઇને આવ્યા હતાં. જેમાં પાછળ બેઠેલા શખ્સે કાળો શર્ટ પહેર્યો હતો. નંબર પ્લેટમાં પટ્ટી મારી દીધી હતી. હેલ્મેટ પહેર્યા નહોતાં. એ-ડિવીઝન પી.આઇ. એન. કે. જાડેજા અને ક્રાઇમ બ્રાંચની ટીમોએ ઘટના સ્થળે તથા સામા કાંઠે જઇ તપાસ શરૂ કરી છે. લૂંટારાઓએ સોની બજારમાંથી વિક્રમસિંગે પાર્સલ સંભાળ્યું ત્યારથી જ પીછો કર્યો હોવાની શકયત છે. ડી. સ્ટાફના પીએસઆઇ સાખરા, એએસઆઇ ભરતસિંહ ગોહિલ, ઇન્દુભા, હારૂનભાઇ, નરેશભાઇ સહિતની ટીમોએ દોડધામ શરૂ કરી છે. કન્ટ્રોલ રૂમ દ્વારા નાકાબંધી કરાવવામાં આવી છે. લૂંટારા રામનાથપરા ગરૂડ ગરબી ચોક તરફ ભાગ્યા હતાં.

(4:08 pm IST)