Gujarati News

Gujarati News

News of Wednesday, 20th November 2019

રાજકોટની આધેડ મહિલા પર ભરૂચ નજીક ત્રણ શખ્સોનો ચાર-ચાર વખત બળાત્કારઃ કુલ ૧૫ જણા વિરૂધ્ધ ગુનો

મહિલાની રિસામણે બેઠેલી પુત્રવધૂના કેસમાં બાબરાના રમેશ રાઠોડે સમાધાન કરાવી દેવાની વાત મુકી મહિલાને સાથે લઇ ગયા બાદ કાવત્રુ પાર પાડ્યું: ૯ દિવસ પહેલાની ઘટનાઃ ઝીરો નંબરથી છાણી પોલીસે ગુનો નોંધી કુવાડવા પોલીસને મોકલી : કારના ચાલક રહિમ અને તેની સાથેના જાવેદ, સલિમે રેપ કર્યો ને રમેશે વિડીયો ઉતાર્યોઃ બીજા આરોપીઓ અન્ય કારમાં પાછળ-પાછળ હતાં

રાજકોટ તા. ૨૦: મુળ અમરેલી પંથકની અને હાલ રાજકોટના કુવાડવા રોડ પોલીસ મથક હેઠળના વિસ્તારમાં રહેતી મહિલાને  નવ દિવસ પહેલા રાજકોટથી પાવાગઢ દર્શન કરવા લઇ જવાના બહાને કારમાં બેસાડી ભરૂચના આમોદ તરફ લઇ જઇ રસ્તામાં આવતી અવાવરૂ જગ્યાઓએ કાર ચાલક મુસ્લિમ શખ્સ તથા સાથેના બીજા બે મુસ્લિમ શખ્સોએ ચાર-ચાર વખત ગેંગરેપ કરતાં અને બાબરાના શખ્સે વિડીયો શુટીંગ કરી કોઇને જાણ કરી તો વાયરલ કરી દેવાની ધમકી આપતાં અને અન્ય  અગિયાર શખ્સોએ મદદગારી કરતાં તમામ સામે ગુનો નોંધાયો છે. આ ગુનાની શરૂઆત રાજકોટથી થઇ હોઇ ઝીરો નંબરની ૧૫ શખ્સો વિરૂધ્ધ એફઆઇઆર દાખલ કરી રાજકોટ કુવાડવા પોલીસને મોકલવામાં આવતાં તપાસ શરૂ થઇ છે. ભોગ બનનારની પુત્રવધૂ રિસામણે હોઇ અને કેસ થયો હોઇ તેમાં સમાધાન કરાવી આપવાના બહાને પરિચીતે મહિલાને છેતરી પાવાગઢ દર્શન કરવા જવાના બહાને ભરૂચ તરફ લઇ જઇ બાદમાં રસ્તામાં કાર ચાલક સહિત ત્રણ શખ્સોએ ચાર-ચાર વખત દૂષ્કર્મ આચર્યાનો આરોપ મુકાયો છે.

પોલીસે આધેડ વયની મહિલાની ફરિયાદ પરથી અમરેલીના બાબરામાં કરિયાણા રોડ પર રહેતાં રમેશ કેશુભાઇ રાઠોડ, રાજપુર ગોમતીપુરના જીતેન્દ્ર પ્રવ્ણિભાઇ, રાજપુર ગોમતીપુર છાપરા મુટા સુલેમાનની ચાલીમાં રહેતાં પ્રવિણ ગોવિંદભાઇ ચોૈહાણ, રાજપુરના ભાનુબેન પ્રવિણ ચોૈહાણ, લીલીયાના કાકશ ગામના હંસાબેન ખોડાનાથ પરમાર, પપ્પુ સવજીભાઇ પરમાર, અજીત ઇશાનાથ પરમાર, હરેશ પરષોત્તમભાઇ રાઠોડ, સાવરકુંડલાના તુલસી ઉર્ફ તુવો મંગળદાસ રાઠોડ, રોહિત નરસીભાઇ રાઠોડ, પુનિત વિનુભાઇ રાઠોડ, જગદીશ હરિદાસ રાઠોડ, જાવેદ (ઇટીઓસ કારમાં પાછળ બેઠો હતો તે), રહિમ (કારનો ડ્રાઇવર) અને સલિમ (કાર ડ્રાઇવરની બાજુમાં બેઠો હતો તે)ની સામે બળાત્કાર સહિતની કલમો હેઠળ ગુનો નોંધ્યો છે.

એફઆઇઆરમાં જણાવાયું છે કે ભોગ બનનાર મહિલાના દિકરાના થોડા સમય પહેલા લગ્ન થયા છે. પણ બંને વચ્ચે મનમેળ ન થતાં દિકરાની ઘરવાળી તેના પિયરે જતી રહી છે. તેડવા જવા છતાં તેણીને તેના માવતર પરત મોકલતા નહોતાં. આ બાબતે રાજકોટ કોર્ટમાં સિવિલ કેસ દાખલ કરવામાં આવ્યો હતો. દરમ્યિાન બાબરાના રમેશ રાઠોડે ગત ૧૧/૧૧ના રોજ ભોગ બનનાર મહિલા પાસે આવી પોતે સમાધાન કરાવી દેશે તેવી વાત કરી હતી અને એ પહેલા પાવાગઢ દર્શન કરવા જવું છે તેવું બહાનુ કરી રાજકોટ મહિલાના ઘરેથી તેણીને ખાનગી વાહનમાં વડોદરા બાયપાસ સુધી લઇ ગયેલ.

એ પછી ત્યાંથી એટીઓસ કારમાં તેણીને બેસાડાઇ હતી. જેમાં બીજા આરોપીઓ અન્ય એક કારમાં હતાં. અહિથી તેણીનું અપહરણ કરી હાઇવેથી ટોલનાકા બાદ સિંગલ પટ્ટી ડામર રોડ પર એટીઓસ કાર લઇ લેવાઇ હતી. પાછળ અર્ટગા કારમાં બીજા આરોપીઓ હતાં. રસ્તામાં અવાવરૂ જગ્યાઓ આવતાં કારના ડ્રાઇવર જાવેદ, રહિમ અને સલિમે ચાર-ચાર વખત છરી બતાવી ધમકાવી દૂષ્કર્મ ગુજાર્યુ હતું અને તેનું રમેશે પોતાના મોબાઇલ ફોનમાં શુટીંગ કરી લઇ કોઇને વાત કરી તો વિડીયો કલીપ સોશિયલ મિડીયામાં ફરતી કરી દેશે તેવી ધમકી આપી હતી. આ ઉપરાંત બળાત્કાર ગુજારનારા ત્રણેય શખ્સોએ ભોગ બનનાર મહિલાને જ્ઞાતિ પ્રત્યે અપમાનીત પણ કર્યાનું ફરિયાદમાં નોંધાયું છે. પોલીસે એટ્રોસીટી, અપહરણ, કાવત્રુ, ધમકી, બળાત્કાર સહિતની કલમો હેઠળ ગુનો નોંધ્યો છે. ભરૂચના આમોદ ગામ નજીક આ ઘટના બની હોઇ ત્યાંના છાણી પોલીસ મથકમાં ઝીરો નંબરથી ગુનો દાખલ કરી કુવાડવા પોલીસને મોકલવામાં આવતાં એસસીએસટી સેલના એસીપીશ્રીની રાહબરીમાં તપાસ શરૂ થઇ છે.

(1:38 pm IST)