Gujarati News

Gujarati News

News of Monday, 20th November 2017

સેવાભાવી મેઘાણી-ચાહક મિસ્ત્રી વાલજીભાઇ પિત્રોડાનું અભિવાદન

 રાજકોટ : સેવાભાવી મેઘાણી-ચાહક મિસ્ત્રી વાલજીભાઈ લાલજીભાઈ પિત્રોડાનું અભિવાદન રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીના પૌત્ર અને 'ઝવેરચંદ મેઘાણી સ્મૃતિ સંસ્થાન'ના સ્થાપક પિનાકી નાનકભાઈ મેઘાણી તથા તેમના માતા કુસુમબેન મેઘાણી દ્વારા થયું હતું. મેઘાણી-સાહિત્યથી નવી પેઢી પરિચિત તેમ જ પ્રેરિત થાય એ આશયથી પિનાકી મેઘાણી અને 'ઝવેરચંદ મેઘાણી સ્મૃતિ સંસ્થાન'ની પ્રેરણાથી ગુજરાતભરમાં અમદાવાદ, રાજકોટ, ચોટીલા, બોટાદ, ધંધુકા, સુરેન્દ્રનગર, ભરૂચ, નડિયાદ જેવાં ૧૫ જેટલાં સ્થળોએ 'મેઘાણી-સાહિત્ય'કોર્નરની સ્થાપના થઈ છે. સુરક્ષા સેતુ સોસાયટી અને પોલીસ-વિભાગનો આમાં સવિશેષ સહયોગ રહ્યો છે. લોકોમાં ખાસ્સાં આકર્ષણનાં કેન્દ્ર બનેલાં પુસ્તકો માટેનાં કાચનાં કબાટનું નિર્માણ-કાર્ય મિસ્ત્રી વાલજીભાઈ પિત્રોડાએ લાગણીથી કર્યું છે. ઝવેરચંદ મેઘાણીનાં વિવિધ ઐતિહાસિક સ્મૃતિ-સ્થળોએ પિનાકી મેઘાણી દ્વારા સ્થાપિત સચિત્ર પ્રદર્શનોનાં ફિટિંગમાં પણ વાલજીભાઈએ લાગણીથી સહયોગ આપ્યો છે. 'સૌરાષ્ટ્રની રસધાર'ને પોતાનું પ્રિય પુસ્તક ગણાવતા વાલજીભાઈ ઝવેરચંદ મેઘાણીનાં દરેક કાર્યક્ર્મમાં સપરિવાર અચૂક હાજરી આપે છે. કચ્છ જિલ્લાનાં લખપત તાલુકાનાં ઘડૂલી ગામનાં મૂળ વતની અને છેલ્લા ૩૫ વર્ષથી રાજકોટ ખાતે મિસ્ત્રીકામ કરતા વાલજીભાઈ પિત્રોડા પોતાનાં ક્ષેત્રમાં સારી એવી નામના ધરાવે છે. સ્વબળે આગળ આવેલા વાલજીભાઈનો મોટો પુત્ર અશ્વિન કોમ્યુટર એન્જિનિઅર છે જયારે નાનો પુત્ર સંજય સી.એ.નો અભ્યાસ કરે છે. (સંકલન પિનાકી નાનકભાઇ મેઘાણી : મો.૯૮૨૫૦ ૨૧૨૭૯)

(4:18 pm IST)