Gujarati News

Gujarati News

News of Friday, 20th September 2019

ધર્મનગર કો.ઓ.હા. સોસા. લી. સામે પ્લોટ ફાળવણી અંગેનો દાવો રદ્દ કરતી લવાદ કોર્ટ

રાજકોટ, તા. ૨૦ :. રાજકોટમાં ૧૫૦ ફૂટ રીંગ રોડ પર ગાંધીગ્રામ સામે આવેલ ધર્મનગર કો.ઓ.હા. સોસા. લી.ના સભ્ય પદ છે તેવુ જણાવીને પ્લોટ એલોટ કરવા માટે શ્રી લીલાવંતીબેન રાયચંદ બખાઈના કુલમુખત્યાર શ્રી રજનીકાંત રાયચંદ બખાઈએ રાજકોટની લવાદ કોર્ટમાં સોસાયટી પ્લોટ ફાળવી આપે તેવો દાવો દાખલ કરેલ હતો. આ દાવામાં લીલાવંતીબેન રાયચંદ વતી એવી રજૂઆત કરેલ કે પ્લોટ મેળવવા માટે તેઓએ તા. ૧-૧૦-૮૦ના રોજ રૂ. ૩૨૦૨ ભરીને સભ્યપદ મેળવેલ હતુ. આ સભ્યપદ મેળવતી વખતે શેર પ્રમાણપત્ર પણ સોસાયટી તરફથી આપવામાં આવેલ હતું. આમ છતાં તેઓને કોઈ પ્લોટનું એલોટમેન્ટ સોસાયટી તરફથી થયેલ નથી માટે તેઓને પ્લોટ એલોટ કરવો જોઈએ.

આ દાવામા વાદીએ દાવા અરજીમાં કોઈપણ જગ્યાએ કે નોટીસ વ્યવહારમાં કોઈપણ જગ્યાએ પ્લોટ નંબર કે સર્વે નંબર દર્શાવેલ ન હતા. વાદીએ ત્યારબાદ સોસાયટીના વહીવટદારની નિમણૂક થતા સોસાયટીના વહીવટદારે બોગસ એલોટમેન્ટ પ્લોટ નંબર તથા સર્વે નંબર લખી અને મેળવેલ હતુ પરંતુ આ કહેવાતા પ્લોટ નંબરવાળી જમીન સોસાયટીએ તેના સભ્યોને ૧૯૬૭ની સાલમાં એલોટ પણ કરી દીધેલ હતા. આ હકીકત વહીવટદારશ્રી જાણતા હોવા છતા તેમણે કોઈ અગમ્ય કારણોસર આ પ્લોટ વાદીને એટલે કે ગુજ. લીલાવંતીબેન રાયચંદના પુત્ર રજનીકાંત રાયચંદ બખાઈના નામે એલોટ કરેલ તેવુ ખોટુ પ્રમાણપત્ર વહીવટદારશ્રીએ આપેલ ત્યાર બાદ આ સોસાયટીનો વહીવટ ફરીથી સોસાયટીની કારોબારીને સોંપવાનો હુકમ થતા કારોબારીના ધ્યાનમાં આ ઠરાવ તથા કાર્યવાહી આવતા કારોબારીએ જીલ્લા રજીસ્ટ્રાર શ્રી સહકારી મંડળીને જાણ કરતા રજીસ્ટ્રારશ્રી સહકારી મંડળીએ વહીવટદારનો હુકમ રદ કરેલ જે સામે રજનીકાંત રાયચંદ બખાઈએ કોઈ કાર્યવાહી કરેલ ન હતી. આ ઉપરાંત તેઓએ દાવા વખતે પણ આવો પ્લોટ એલોટ થયેલ છે તે અંગેની કોઈ માહિતી દાવા અરજીમાં પણ જણાવેલ ન હતી. પ્લોટ નં. ૧૩ કે જે વર્ષોથી સોસાયટીએ ગીતાબેન કિશોરભાઈ દેસાઈને એલોટ કરેલ હતો અને તેમા હાલમાં આઠ આસામીઓના મકાનો આવેલ છે તેમ છતા વહીવટદારે ગેરકાયદેસર એલોટમેન્ટ કરેલા આ તમામ હકીકત વાદીએ દાવામાં જણાવેલ ન હતી અને વાદી વારંવાર પોતાના કેસની હકીકતો બદલતા હતા અને તે મુજબ તેઓએ કોઈ દાવા અરજીમાં પણ સુધારો કરેલ ન હતો.

આ કામમાં સોસાયટી તરફથી એવી રજૂઆત થયેલ કે રાજકોટના રે.સ.નં. ૧૯૦ તથા ૧૯૪ની જમીનો સોસાયટીને પ્રાપ્ત થયેલ નથી. આ જમીન શહેરી જમીન હોય મર્યાદા કાયદા હેઠળ સંપાદન થયેલ છે. તેથી પ્લોટ અંગે કોઈ એલોટમેન્ટ વાદીને કરી શકાય તેમ નથી કારણ કે સોસાયટી પાસે કોઈ જગ્યા નથી આથી વાદીનો દાવો મંજુર થવાને પાત્ર નથી. નામદાર લવાદ કોર્ટએ એવુ માનેલ કે આ દાવો સાબિત કરવાની જવાબદારી લીલાવંતી તારાચંદના કુલમુખત્યાર રજનીકાંત બખાઈની છે અને તેઓએ કોઈપણ વખતે તેને પ્લોટ નં. ૧૩ એલોટ થયેલ છે તેવી હકીકત દાવામાં કે નોટીસ વ્યવહાર કરતી વખતે પણ જણાવેલ નથી. તેઓ જુબાની આપવા નામ. કોર્ટ સમક્ષ ઉપસ્થિત થયા ત્યારે જ તેઓએ પ્રથમ વખત પ્લોટ નંબર એલોટ થયેલ તેમ જણાવેલ છે. નામ. અદાલતે વહીવટદારે ગેરકાયદેસર પ્લોટ એલોટ કરેલ છે ને હકીકતને પણ લક્ષમાં લઈ વાદીનો દાવો ખર્ચ સહિત રદ કરતો હુકમ કરેલ છે અને વાદી કોઈ પ્લોટ મેળવવા માટે થઈને હક્કદાર નથી તેવુ ઠરાવેલ છે.

આ કામમાં ધર્મનગર કો.ઓ. હા. સોસા. લી. વતી એડવોકેટ આશુતોષ એસ. જોષી તથા કિશોર બી. સાકરીયા રોકાયેલ હતા.

(3:40 pm IST)