Gujarati News

Gujarati News

News of Friday, 20th September 2019

આર્થિક વિકાસ અને ઉત્પાદકતા એક સીકકાની બે બાજુઓ : હસુભાઇ દવે

કેએસપીસીની વાર્ષિક સાધારણ સભામાં વિષદ છણાવટ : સંસ્થાની પ્રવૃત્તિઓનો ચિતાર રજ

રાજકોટ : કચ્છ સૌરાષ્ટ્ર પ્રોડકટીવીટી કાઉન્સીલની ૬૦ મી વાર્ષિક સાધારણ સભા કાઉન્સીલના પ્રમુખ હસુભાઇ દવેના અધ્યક્ષસ્થાને તાજેતરમાં મળી હતી. કાઉન્સીલના માનદમંત્રી મનહરભાઇ મજીઠીયાએ સને ૨૦૧૮-૧૯ ના વર્ષ દરમિયાન કાઉન્સીલ દ્વારા હાથ ધરવામાં આવેલ વિવિધ પ્રવૃત્તિઓનો વિસ્તૃત અહેવાલ રજુ કરેલ. વિદ્યાર્થીઓ માટે વિવિધ સ્પર્ધાઓ રાખવામાં આવી હતી. વર્ષ દરમિયાન કરવામાં આવેલ ૨૦ જેટલા કાર્યક્રમોમાં અંદાજે ૨૫૦૦ જેટલી વ્યકિતઓએ ભાગ લીધેલ તેની માહીતી રજુ કરાઇ હતી. કાઉન્સીલના ઉપપ્રમુખ ડી. જી. પંચમીયાએ વર્ષ દરમિયાનના ઓડીટ હિસાબો રજુ કરેલ. કાઉન્સીલના પ્રમુખ હસુભાઇ દવેએ તેમના અધ્યક્ષિય પ્રવચનમાં જણાવેલ કે ભારતીય અર્થતંત્ર એક તરફ વિશાળ પાંખો ફેલાવી રહ્યુ છે અને બીજી તરફ મંદીની હવા છે. પરંતુ ભારત આ નિરાશાના વાતાવરણમાંથી ઉભરી આવવાની પૂરી ક્ષમતા ધરાવે છે. આ માટે ભારતે ઉદ્યોગો, ખેતી અને સેવા ક્ષેત્રોની ઉત્પાદકતા ઉંચી લાવવા પ્રયાસ કરવો પડશે. કેમ કે આર્થિક વિકાસ અને ઉત્પાદકતા એક જ સિકકાની બે બાજુઓ છે. કોઇપણ રાષ્ટ્ર ઉંચી ઉત્પાદકતા સીવાય કોમ્પીટીટીવ દરે ઉત્પાદન કરી શકતી નથી. દેશનાં સર્વક્ષેત્રમાં એટલે કે ઉદ્યોગ, ખેતી અને સેવા જેવા બધા જ ક્ષેત્રોમાં ઉત્પાદન વધારવા ધ્યાન કેન્દ્ર કરવુ જોઇએ. આ મીટીંગમાં કાઉન્સીલની ૨૦૧૯- ૨૦ વર્ષની નવી ગવર્નીંગ બોડીની રચના સર્વાનુમતે કરવામાં આવેલ. મીટીંગમાં ગવર્નીંગ બોડીના સભ્યો હિરાભાઇ માણેક, વી. બી. વાઘમસી, ડો. જયોતિન્દ્ર જાની, ભરતભાઇ દુદકીયા, ડો. પી. પી. કોટક, તન્વી ગાદોયા તેમજ અન્ય સભ્યોમાં મનસુખલાલ જાગાણી, હિરેન ખખ્ખર, સોનલબેન ગોહેલ, કિરીટભાઇ વોરા, એન. એમ. ધારાણી, ઘનશ્યામભાઇ ઢોલરીયા વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

(3:38 pm IST)