Gujarati News

Gujarati News

News of Thursday, 20th September 2018

કાઠી વૃધ્ધાની હત્યાઃ બારોબાર અંતિમવિધીનો પ્રયાસ નિષ્ફળ

સંતાન વિહોણા ૭૫ વર્ષના વૃધ્ધા ૩૦ થી ૩૫ વીઘા જમીનના માલિક હોવાની ચર્ચાઃ અંતિમવિધીમાં હાજર ત્રણ ભાણેજની પણ પુછતાછ : સરધાર પાસેના હડમતીયા (ગોલીડા)ની ચોંકાવનારી ઘટનાઃ મૃતદેહ અંતિમવિધી માટે સ્મશાને લઇ જવાયો ત્યાં જ પોલીસની પીસીઆર વેન પહોંચતા ડાઘુઓમાં નાશભાગઃ એકલા જ રહેતાં વૃધ્ધાને તેમના બે સગા નાના ભાઇઓએ ગળાટૂંપો આપી પતાવી દીધાની દૃઢ શંકાઃ બંનેની શોધખોળઃ આજીડેમ પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો

જ્યાં અંતિમવિધી માટે મણીબા ખાચરનો મૃતદેહ લઇ જવાયો હતો તે સ્મશાન જોઇ શકાય છે. તસ્વીર ત્રંબાના જી. એન. જાદવે મોકલી હતી

રાજકોટ તા. ૨૦: કુવાડવા પોલીસ મથક તાબેના સરધાર નજીકના હડમતીયા (ગોલીડા) ગામમાં એકલા જ રહેતાં ૭૫ વર્ષના કાઠી દરબાર વૃધ્ધાને ગળાટૂંપો આપી પતાવી દેવાયાની ઘટનાથી ચકચાર મચી ગઇ છે. આ વૃધ્ધાની હત્યા બાદ બારોબાર અંતિમવિધી માટે મૃતદેહ સ્મશાને પણ લઇ જવાયો હતો. પરંતુ કોઇ જાગૃત ગ્રામજન દ્વારા પોલીસને જાણ થતાં આજીડેમ પોલીસની પીસીઆર પહોંચતા ડાઘુઓમાં નાશભાગ મચી ગઇ હતી. હત્યાનો ભોગ બનેલા વૃધ્ધા કિંમતી જમીનના માલિક હોવાની અને વારસદાર તરીકે ત્રણ ભાણેજ હોવાની તેમજ મિલ્કત મામલે આ હત્યા થયાની ચર્ચા થતી હોઇ પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કરી કેટલાકની પુછતાછ આરંભી છે.

દરમિયાન મળતી માહિતી મુજબ મણીબાને તેમના બે સગા નાના ભાઇ દિનેશ અને કાળુ કાથડભાઇએ ગળેટુંપો આપી પતાવી દીધાની શંકા દ્રઢ બની છે. આ બંને ભાઇઓ પોલીસ આવી પહોંચી ત્યારે નાસી છૂટ્યા હતા. ઉલ્લેખનીય છે કે થોડા સમય પહેલા આ બંને ભાઇઓએ પોતાના બહેનને માર મારી ઘરમાંથી પ૦-૬૦ હજારની મતાની લૂંટ પણ ચલાવી હતી. જમીનના વળતરપેટે આવેલા લાખો રૂપિયામાંથી વૃદ્ધા પોતાનું ગુજરાન ચલાવતા હતા. બંને ભાઇઓ દારૂના ધંધા સાથે સંકળાયેલા હોવાનું પણ કહેવાય છે.

પ્રાપ્ત માહિતી મુજબ હડમતીયા (ગોલીડા) ગામમાં રહેતાં મણીબા નાનભા ખાચર (ઉ.વ.૭૫) નામના કાઠી દરબાર વૃધ્ધાની હત્યા થઇ ગયાની અને તેમની લાશને બારોબાર અંતિમવિધી માટે સ્મશાને લઇ જવામાં આવ્યાની માહિતી પોલીસને મળતાં આજીડેમના પી.આઇ. પી.એન.

વાઘેલા, પીએસઆઇ આર. વી. કડછા,ભીકતરામભાઇ, નરેન્દ્રભાઇ ચાવડા,  મહિપાલસિંહ ઝાલા, કનકસિંહ સોલંકી, વિરેન્દ્રસિંહ, સરધારના પીએસઆઇ જી. એન. વાઘેલા, પીએસઆઇ કે. જી. સિસોદીયા  સહિતનો સ્ટાફ દોડી ગયો હતો.

એ પહેલા પીસીઆર વેન સીધી સ્મશાને પહોંચી હતી અને પોલીસને જોઇ ડાઘુઓમાં નાશભાગ મચી ગઇ હતી. પોલીસે લાશનું નિરીક્ષણ કરતાં ગળાટૂંપો અપાયો હોવાના સ્પષ્ટ નિશાન જેવા મળ્યા હતાં. એફએસએલ અધિકારીને બોલાવી તપાસ કરાવવામાં આવી હતી. ગામમાં થઇ રહેલી ચર્ચા મુજબ હત્યાનો ભોગ બનેલા કાઠી વૃધ્ધા મણીબા ખાચરના પતિ નાનભા ખાચરનું વર્ષો પહેલા અવસાન થયુ હોઇ તેમજ મણીબાને સંતાન ન હોઇ તેઓ એકલા જ રહેતાં હતાં. એવી પણ ચર્ચા છે કે આ વૃધ્ધા ૩૦ થી ૩૫ વીઘા જમીનના એકલા વારસદાર હતાં. તેમના મૃત્યુ પછી આ જમીનના સીધા વારસદાર ભાણેજ થઇ શકે તેમ હતાં. ત્રણ ભાણેજો પણ અંતિમવિધીમાં સામેલ હોઇ પોલીસે પુછતાછ કરી સાચી વિગતો મેળવવા તપાસ આરંભી છે.

હત્યા પાછળ મિલ્કત પચાવી પાડવાનો ઇરાદો હોવાનું હાલ ચર્ચાઇ રહ્યું છે. ડીસીપી રવિકુમાર સૈની, એસીપી બી. બી. રાઠોડની રાહબરીમાં પી.આઇ. પી.એન. વાઘેલા અને ટીમે વિશેષ તપાસ હાથ ધરી છે.

(3:28 pm IST)