Gujarati News

Gujarati News

News of Monday, 20th August 2018

પાંચ આત્મકથાના અંશનું મંચન, સ્ટેજ પર વરસાદનું દ્રશ્ય આબેહુબ ભજવાયુ

સરગમ કલબ દ્વારા યોજાયો સરસ કાર્યક્રમ 'હું આત્મકથા છું' : હાઉસફુલ શો : અટલ બિહારી વાજપેયીને શ્રદ્ધાસુમન અર્પણઃ બાળકોથી માંડી વયવૃદ્ધ દર્શકોએ પ્રયોગને આવકાર્યો

રાજકોટ : બહુ ટૂંકા સમયમાં દર્શકો અને સાહિત્યના મર્મજ્ઞો બન્નેનો સરખો આવકાર પામી ચૂકેલા પ્રયોગ હું આત્મકથા છુંનો શો હેમુ ગઢવી હોલ ખાતે સરગમ કલબે યોજયો હતો. રાજકોટમાં થયેલો આ બીજો પ્રયોગ પણ અત્યંત સફળ રહ્યો હતો. પ્રથમ શો વખતે નાના ઓડિટોરીયમમાં હકડે ઠઠ મેદની હતી. એટલે સરગમ કલબના પ્રમુખ ગુણવંતભાઇ ડેલાવાળા એ ત્યારે જ મોટા ઓડિટોરીયમાં આ કાર્યક્રમ યોજવાની તૈયારી દર્શાવી હતી. અને એ હોલ પણ ભરાઇ ગયો હતો. નવ વાગ્યાનો સમય હતો અને પોણા નવ વાગ્યે તો લોકો આવીને જગ્યા રોકીને બેસી ગયા હતા.

કાર્યક્રમ પૂર્વે એ જ દિવસે અવસાન પામેલા પૂર્વ વડાપ્રધાન અટલબિહારી બાજપાઇજીને મંચ પરથી અને સભાગૃહમાં ભાવાંજલિ આપીને મૌન પાળવામાં આવ્યું હતું. રાજકોટના જાણીતા તબીબી ડો.હેમાંગ વસાવડા, સરગમ કલબના પ્રમુખ ગુણવંતભાઇ ડેલાવાળા, સરગમ મહિલા કલબના માલાબહેન કુંડલિયા કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. ડો.હેમાંગ વસાવડાએ જણાવ્યું કે આત્મકથા જેવા સ્વરુપને આ રીતે મંચ પર લાવવું એ અદ્યરું કામ છે. આખી ટીમ એના માટે અભિનંદનની અધિકારી છે. સરગમ કલબ જેણે આ આયોજન કર્યું હતું એના પ્રમુખ ગુણવંતભાઇ ડેલાવાળાએ પ્રવચન કરવાને બદલે એટલો વહેલો કાર્યક્રમ શરુ થાય એ સારું એમ કહીને જણાવ્યું હતું કે રાજકોટના કલાકારો અને કલાપ્રેમી જનતાને સારી કૃતિઓ જોવા મળે. લોકો આવા કાર્યક્રમ માણી શકે એ માટે સરગમ કલબ સદા તત્પર જ છે.

હું આત્મકથા છુંના પહેલા શોને સફળતા મળ્યા બાદ.બીજા શોમાં અનેક લોકો એવા હતા જે લોકો આ બીજીવાર માણ્યું હતું. પરંતુ કેયુર અંજારિયાએ એના સેટમાં ધરખમ ફેરફાર કરીને દર્શકોના દિલ જીતી લીધાં હતા. તો ગાંધીજીની આત્મકથામાં જયાં વરસાદ પડતો હોય એવો ઉલ્લેખ છે એ સીનમાં સ્ટેજ ઉપર પણ વરસાદનું દ્રષ્ય ખડું કરાયું હતું. નર્મદ, મણિલાલ દ્વીવેદી, ક.મા. મુનશી,ગાંધીજી અને ચંદ્રકાન્ત બક્ષીની આત્મકથાના અંશનું મંચન આ શોમાં કરાયું છે. બાળકોથી લઇને વૃધ્ધવયના દર્શકોએ એ પ્રયોગ આવકાર્યો અને વખાણ્યો હતો. શહેરના અગ્રણી તબીબ, ઉદ્યોગપતિ, કવિ-લેખકો,કટાર લેખકો અને ભાવકો આ શોમાં ઉપસ્થિત રહ્યા હતા. સરગમ કલબના પ્રમુખ ગુણવંતભાઇ ડેલાવાળાનો પણ આ સૌએ આભાર માન્યો હતો.

હું આત્મકથા છુંના દિગ્દર્શક રક્ષિત વસાવડા, લેખક જવલંત છાયા (મો.૯૯૦૯૯ ૨૮૩૮૭)ને પણ સૌએ અભિનંદન આપ્યા હતા. આ બન્ને પણ સરગમ કલબનો આભાર વ્યકત કર્યો હતો.(૩૭.૧૦)

(3:46 pm IST)