Gujarati News

Gujarati News

News of Monday, 20th August 2018

મનોહરસિંહજીને જમીન ફાળવવાનો કેસ તહેવારોમાં જ ઉખળશે ૩૦મીએ સૂનાવણીઃ બહેન મોહીનીકુંવરીબાએ વાંધો લીધો...

તત્કાલીન કલેકટર વિક્રાંત પાંડેએ આ કેસ રીવીઝનમાં લઈ ડે. કલેકટરને ચલાવવા સૂચના આપી હતીઃ મામલતદારે ચૂકાદો આપેલ... : તત્કાલીન મામલતદાર જાડેજાએ દાદાને ૬૬૯ એકરમાંથી ૪ યુનિટ ફાળવી દીધા હતાઃ સીટી પ્રાંત-૧ પાસે કેસ ચાલશેઃ ભારે ઉત્તેજના

રાજકોટ, તા. ૨૦ :. રાજકોટના યુવરાજ શ્રી મનોહરસિંહજી જાડેજાને એએલસી એકટ હેઠળ ૪ યુનિટ ફાળવવાનો જે તે વખતે મામલતદાર શ્રી જાડેજાએ હુકમ કર્યો હતો.

આ પછી આ ચૂકાદા સામે તત્કાલીન કલેકટર ડો. વિક્રાંત પાંડેએ સૂઓમોટો વાપરી, કેસ રીવીઝનમાં લઈ ડે. કલેકટર સીટી પ્રાંત-૧ ને કેસ ચલાવવા હુકમ કર્યો હતો. હવે આ કેસ પાછો સાતમ-આઠમના તહેવાર ઉપર જ ફરી ઉખળી રહ્યો હોય ભારે ઉત્તેજના જાગી છે.

મનોહરસિંહજી જાડેજાના બહેન મોહિનીકુંવરીબા પ્રદ્યુમનસિંહજી જાડેજાએ સામેવાળા મહેસુલ કૃષિપંચ, મનોહરસિંહજી જાડેજા, રઘુરાજસિંહજી, કદમકુંવરબા જીતેન્દ્રસિંહ, અંબિકાપ્રતાપજી, ગીતાદેવીજી, રમીલાકુંવરીબા જાડેજા તથા પ્રહલાદસિંહના વારસદાર ઈન્દુકુમારીબા, હર્ષદેનસિંહ, મેઘાવીનીબા વિગેરે સામે વાંધો લેતા સન્નાટો પ્રસરી ગયો છે.

અંદાજે ૨ વર્ષ પહેલા ૧૦-૬-૨૦૧૬ના રોજ એએલસી એકટ હેઠળ તત્કાલીન મામલતદારે મનોહરસિંહજી જાડેજાને કણકોટ, માધાપર, લાલપરી સામે વિગેરે થઈને જે યુનિટ જમીન ફાળવતો હુકમ કરેલ તેની સામે અપીલ દાખલ થઈ છે અને હવે આ કેસની વધુ સુનાવણી સીટી પ્રાંત-૧ શ્રી પટેલે તા. ૩૦-૮-૨૦૧૮ના રોજ રાખી છે.

અપીલમાં મનોહરસિંહજી જાડેજાના બહેન મોહિનીકુંવરીબાએ પ્રાંત સમક્ષ એવુ કહ્યુ છે કે, કેસમાં પ્રથમ કક્ષાના વારસદાર અમે છીએ. દરેક પક્ષકારને નોટીસ આપવી જોઈએ તેવો નિયમ છે પરંતુ નોટીસ આપી નથી આથી ઠરાવ કરવો જોઈએ, એ ઉપરાંતમાં દસ્તાવેજી પુરાવા ધ્યાનમાં લીધા નથી. તમામ પક્ષકારોને નોટીસ આપી સાંભળ્યા નથી તેમજ આંબો યોગ્ય છે કે નહીં તેની ચકાસણી કરી નથી.

મોહીનીકુંવરીબાએ અપીલમાં એવું પણ ઉમેર્યુ છે કે ત્રણ વર્ષથી મનોહરસિંહજી બિમાર છે, મનોહરસિંહજીના સેક્રેટરી ચંદ્રસિંહ પ્રભાતસિંહ ઝાલાએ ફોર્મ ભર્યુ છે તેમને આવી કોઈ સત્તા નથી.

૧૯૬૦માં એએલસીનો કાયદો અસ્તિત્વમાં આવેલ છે ત્યારે આવુ ફોર્મ ભરાયુ નથી. મનોહરસિંહજીના પિતાશ્રીજીએ ફોર્મ ભરવાની જરૂર હતી.

અત્રે એ નોંધનીય છે કે, તત્કાલીન મામલતદાર શ્રી જાડેજાએ બે વર્ષ પહેલા ચુકાદો આપ્યો ત્યારે મનોહરસિંહજીને ૪ યુનિટ ફાળવ્યા હતા. ભોમેશ્વર મહાદેવ ટ્રસ્ટની જમીન ૧૨ એકર મુકતીપાત્ર ગણી બાકી રહેતી કુલ ૬૬૯ એકર જમીનમાંથી ૪ યુનિટ ફાળવી દીધા હતા જે ચુકાદા સામે અપીલ થઈ છે અને તેની સુનાવણી હવે તા. ૩૦ ઓગષ્ટના રોજ થશે, ભારે ઉત્તેજના વ્યાપી છે.

જે યુનિટ ફાળવાયા તેમા પ્રદ્યુમનસિંહજીના નામે ૧ યુનિટ એટલે કે ૧૨૦ એકર, રાજમાતા કૃષ્ણકુંવરબા લાખાજીને ૧ યુનિટ, મનોહરસિંહજીને ૧ યુનિટ, પ્રહલાદસિંહ પ્રદ્યુમનસિંહજીને ૧ યુનિટ અને તે સંદર્ભે કણકોટ, લાલપરી, માધાપર સહિત અન્ય સ્થળે જમીનની જગ્યા પસંદ કરવા અંગે ત્યારે ૧૫ દિ'ની મુદત પણ અપાઈ હતી.

મોહીનીકુંવરીબાની અપીલમાં શું છે...? રસપ્રદ દલીલો

. અમે પ્રથમ કક્ષાના વારસદાર છીએ

. દરેક પક્ષકારને નોટીસ આપવી જોઈએ

. દસ્તાવેજી પૂરાવા ધ્યાને લીધા નથી

. તમામ પક્ષકારને નોટીસ આપી સાંભળ્યા નથી

. આંબો યોગ્ય છે કે નહીં તેની ચકાસણી કરી નથી

. મનોહરસિંહજીના સેક્રેટરીએ ફોર્મ ભર્યુ પરંતુ તેમને એવી કોઈ  સત્તા નથી

(3:26 pm IST)