Gujarati News

Gujarati News

News of Saturday, 20th July 2019

ગઢકામાં જમીનના શેઢા મામલે ધમાલ-ફાયરીંગમાં બંને પક્ષના ૨૮ સામે ફરિયાદઃ ત્રણની ધરપકડ

થોરાળા રામનગરના કારખાનેદાર લાલજીભાઇ ઠુમ્મરની ફરિયાદ પરથી ૮ વિરૂધ્ધ અને કન્સ્ટ્રકશનના ધંધાર્થી શ્રીરાજ રેસિડેન્સીના હિરેન કોઠારીની ફરિયાદ પરથી ૨૦ વિરૂધ્ધ ગુનો

રાજકોટ તા. ૨૦: ગઢકા ગામની સીમમાં ગઇકાલે બે પટેલ જૂથ વચ્ચે શેઢા તકરારમાં એક બીજા પર સશસ્ત્ર હુમલો કરવામાં આવતાં અને એક જૂથ તરફથી હવામાં ફાયરીંગ કરવામાં આવતાં પોલીસે સામ-સામી ફરિયાદો નોંધી છે. જેમાં એકમાં આઠ આરોપી તથા બીજી ફરિયાદમાં વીસ જેટલા આરોપી હોવાનું નોંધાયું છે. પોલીસે ત્રણની ધરપકડ કરી છે.

બનાવ અંગે નવા થોરાળા રામનગર-૭માં રહેતાં અને મીરા ઇન્ડસ્ટ્રીઝ પાસે જયસિયારામ ઇન્ડસ્ટ્રીઝ એસ્ટેટ-૨માં યશ મેન્યુફેકચર્સ નામે સબમર્શીબલ પંપનું કારખાનુ ધરાવતાં લાલજીભાઇ નરસીભાઇ ઠુમ્મર (ઉ.૫૭) નામના પટેલ પ્રોૈઢની ફરિયાદ પરથી વિનોદભાઇ ઉર્ફ વિનુભાઇ કોઠારી, તેનો દિકરો હિરેન, હિરેનના સસરા કિશોરભાઇ વેલજીભાઇ ટીંબડીયા તથા પાંચ અજાણ્યા શખ્સો સામે આઇપીસી આઇપીસી ૩૨૩, ૧૪૩, ૧૪૬, ૧૪૭, ૧૪૮, ૧૪૯, ૫૦૪, ૫૦૬ (૨), આર્મ્સ એકટ ૨૫ (૧-બી) એ તથા જીપીએકટ ૧૩૫ મુજબ ગુનો નોંધ્યો છે.

લાલજીભાઇએ ફરિયાદમાં જણાવ્યું છે કે ગઢકામાં ત્રણ ભાગીદારો વચ્ચે સાડા આઠ એકર જમીન લીધી હતી. જેમાં મારા ભાગે અઢી એકર જમીન આવી હોઇ તેમાં મારે કારખાનુ બનાવવું હોઇ બાંધકામ ચાલુ કર્યુ છે. શુક્રવારે અમે આ સાઇટ પર હતાં ત્યારે બે ફોર્ચ્યુનર ગાઢીમાં અમારી જમીનના આગળના ભાગે જમીન ધરાવતાં વિનુભાઇ કોઠારી, તેનો દિકરો, દિકરાના સસરા તથા બીજા પાંચેક જણા આવ્યા હતાં અને અમારા મજૂરોને ગાળો દઇ કામ બંધ કરાવવા ધમકાવ્યા હતાં અને મારી સાથે પણ ઝઘડો કરતાં મેં ફોન કરી મારા દિકરા અનિલને બોલાવતાં તે તના મારો ભત્રીજો હરેશ સહિતના આવી ગયા હતાં. કિશોરભાઇના હાથમાં પાઇપ હોઇ તેણે મારા દિકરાને માર માર્યો હતો. તેમજ બીજા શખ્સોએ ઢીકા-પાટુ માર્યા હતાંઉ એ દરમિયાન વધુ ઝઘડો થતાં હિરેન ગાડીમાંથી રિવોલ્વર લાવ્યો હતો અને હવામાં ફાયરીંગ કર્યુ હતું.

હિરેન, વિનુભાઇ સહિતે કહ્યું હતું કે તમે બીનખેતી કરી તેમાં જે રસ્તો મુકયો છે તેમાં અમારી જમીન નીકળે છે, જો કામ બંધ નહિ કરો તો મારી નાંખશું તેમ કહી ડખ્ખો કર્યો હતો.

સામા પક્ષે નાના મવા ચોકડી શ્રીરાજ રેસિડેન્સી શેરી નં. ૨ શ્રીહરિ ખોડિયાર મકાનમાં રહેતાં અને કન્ટ્રકશનનનો ધંધો કરતાં હિરેન વિનોદભાઇ કોઠારી (ઉ.૨૬) નામના પટેલ યુવાનની ફરિયાદ પરથી લાલજીભાઇ નરસીભાઇ ઠુમ્મર, અનિલ  લાલજીભાઇ ઠુમ્મર, જયેશ રામાણી, વિજય આંબલીયા, વસંતભાઇ ઠુમ્મર, રમેશભાઇ રામાણી, નાથાભાઇ ઠુમ્મર, જસમતભાઇ તથા અનિલભાઇના ૧૨ થી ૧૩ મજૂરો સામે આઇપીસી ૩૨૩, ૩૨૪, ૩૨૫, ૫૦૪, ૧૪૩, ૧૪૭, ૧૪૮, ૧૪૯ તથા ૧૩૫ મુજબ ગુનો નોંધાયો છે.

હિરેન કોઠારીયએ ફરિયાદમાં જણાવ્યું છે કે હું કન્ટ્રકશનનું કામ કરુ છું. અમારા ધંધામાં પૈસાનું વધુ જોખમ હોવાથી મારા બાપુજીએ સ્વરક્ષણ માટે હથીયાર લાયસન્સ મેળવ્યું છે. મારી પાસે ફોર્ચ્યુનર કાર જીજે૩કેએચ-૯૩૦૬ તથા પિતાજી પાસે જીજે૩એચએ-૯૩૦૬ છે. અમે ગઢકા ગામની સીમમાં ૧૨ એકર ૭ ગુંઠા જમીન ૨૦૦૮માં લીધી છે અને બીનખેતી કરાવી છે. અમારા ખેતરના શેડે અનિલભાઇ ઠુમ્મર કારખાનાનું બાંધકામ કરી રહ્યા છે. અમારા ખેતર અને અનિલભાઇના ખેતર વચ્ચે ગટર હતી. તે બુરીને અનિલભાઇએ અમારી જમીનમાં દબાણ કર્યુ છે.

શુક્રવારે હું તથા મારા બાપુજી અમારી કાર લઇને બીજા લોકો સાથે અમારી ગઢકાની જમીને આવ્યા ત્યારે અનિલભાઇ પાકી દિવાલ બાંધવાનું કામ મજૂરો પાસે કરાવતાં હોઇ અમે માપણી વગર ચણતર કરવાની ના પાડતાં અનિલભાઇ, તેના બાપુજી અને મજૂરોએ હુમલો કરી મને તથા મારી સાથેના દિવ્યેશભાઇ, પ્રવિણભાઇને માર માર્યો હતો. ઢીકા-પાટુ અને ધારીયાથી હુમલો થતાં મને આંગળીમાં ફ્રેકચર થઇ ગયું હતું. મારી જાન ઉપર ખતરો હોઇ મેં ટોળાને વિખેરવા સ્વબચાવમાં લાયસન્સવાળી રિવોલ્વરમાંથી હવામાં ફાયરીંંગ કરતાં આ લોકો જતાં રહ્યા હતાં. એ પછી અમને ત્રણેયને સારવાર માટે ખસેડાયા હતાં.

આજીડેમના ઇન્ચાર્જ એમ. જે. રાઠોડની રાહબરીમાં પીએસઆઇ આર. વી. કડછા, કાળુભાઇ ગામેતી સહિતના સ્ટાફે બંને ફરિયાદમાં તપાસ શરૂ કરી લાલજીભાઇ નરસીભાઇ ઠુમ્મર (ઉ.૫૭-રહે. થોરાળા રામનગર-૭), જયેશ બાલુભાઇ રામાણી (ઉ.૪૭-રહે. માસ્તર સોસાયટી-૯) તથા વિજય ઉમેશભાઇ આંબલીયા (ઉ.૩૩-રહે. રામનગર-૧૦)ની ધરપકડ કરી છે.

(11:44 am IST)
  • પાકિસ્તાનની અવળચંડાઈ ચાલુ :ફરીવાર સીઝ ફાયરનું કર્યું ઉલ્લંઘન :જમ્મુ કાશ્મીરના રાજૌરીમાં પાકિસ્તાને સીઝ ફાયરનું ઉલ્લંઘન કર્યું :પાકિસ્તાને મોર્ટારમારો કર્યો :સરહદી ગામડાને નિશાન બનાવ્યા access_time 1:32 am IST

  • નાગ મિસાઈલનું ટેસ્ટિંગ સફળ ;રાજનાથસિંહે આપ્યા અભિનંદન :ડીઆરડીઓ દ્વારા નિર્મિત મિસાઈલનું પરીક્ષણ સફળ ;થર્ડ જેનરેશન ગાઇડેડ એન્ટી મિસાઈલ નાગનું ઉત્પાદન આ વર્ષના અંત સુધીમાં શરૂ થઈ જશે access_time 1:26 am IST

  • જિયોએ વધુ એક સીમાચિહ્ન સર કર્યું: પ્રથમ ત્રિમાસિક ગાળામાં 1,090 કરોડ જીબી ડેટાનો વપરાશ થયો: કાર્યકારી આવક 11,679 કરોડ : મહિનામાં સરેરાશ માથાદીઠ વપરાશ 11.4 જીબી અને મહિને યુઝરદીઠ સરેરાશ વોલ્ટવોઇસનો વપરાશ 821 મિનિટ: વ સબસ્ક્રાઇબરની સંખ્યામાં મોટો વધારો, મહિને સરેરાશ 11 મિલિયિન સબસ્ક્રાઇબર ઉમેરાયાં access_time 9:07 am IST