Gujarati News

Gujarati News

News of Friday, 20th July 2018

ઓરી - રૂબેલાને સંપૂર્ણ નાબુદ કરવા આઇએમએની તબીબી ટીમ દ્વારા ચાર સપ્તાહ કેમ્પીંગ અભિયાન

રાજકોટ તા. ૨૦ : ઓરી રૂબેલા રોગ નાબુદી માટે દેશભરમાં ચાલી રહેલ રસીકરણ અભિયાન અંતર્ગત રાજકોટ મ્યુ.કોર્પોરેશન દ્વારા પણ તા. ૧૬ થી સળંગ ચાર અઠવાડીયા સુધી કેમ્પ કરવામાં આવ્યો છે. રાજકોટ ઇન્ડિયન મેડીકલ એસોસીએશન કે જે ૧૬૦૦ થી પણ વધુ એલોપેથીની ડીગ્રી ધરાવતા ડોકટરોનું સંગઠન છે તેના પ્રેસીડેન્ડ ડો. હીરેન કોઠારી અને યુવા સેક્રેટરી ડો. પિયુષ ઉનડકટની સંયુકત યાદીમાં જણાવ્યા મુજબ આ રસી રૂટીન ઇમ્યુનાઇઝેશનમાં સામેલ નથી. છતા પ્રાઇવેટમાં ઘણાખરા બાળકોને આપવામાં આવેલ હોય છે. પણ જયા સમગ્ર જનસમુદાયને આ પ્રકારે રસી અપાતી હોય ત્યારે જેમને અગાઉ આ રસી મુકાવેલ હોય તેમણે પણ મુકાવવી અત્યંત આવશ્યક છે. આ પ્રમાણે સામુહીક અભિયાન ચલાવવાથી શીતળા પોલીયોની માફક ઓરી રૂબેલાને પણ નાબુદ કરી શકાશે. રાજકોટના ૧૬૦૦ થી પણ વધુ ડોકટરોએ કરેલી અપીલ મુજબ તમામ ડોકટરોએ સહયોગ આપેલ છે.

ભારત સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના એમ.આર. કેમ્પેઇન દરમિયાન રસીકરણ રસી માટે ઘરે ઘરે જવામાં નહી આવે પરંતુ આરોગ્ય કેન્દ્રો, શૈક્ષણિક સંસ્થા, આંગણવાડી જેવા વધારાના સ્થળોએ આ સુવિધા ઉપલબ્ધ હશે. તમામ ડોકટરો તેમને ત્યાં આવતા દર્દીઓને તથા તેમના પરિવારના સભ્યોમાં રહેલા બાળકોને આ રસી લેવા અંગેની અગત્યતા સમજાવશે. તેમ ડો. હીરેન કોઠારી  (મો.૯૮૨૪૨ ૩૨૫૬૭) અને ડો. પિયુષ ઉનડકટ (મો.૯૮૨૪૨ ૪૧૦૧૪) ની યાદીમાં જણાવાયુ છે. (૧૬.૨)

(3:58 pm IST)