Gujarati News

Gujarati News

News of Monday, 20th June 2022

રાધાકૃષ્ણનગર નદીના કાંઠે દેશી દારૂની ભઠ્ઠી ચલાવતા રવિ અને વિપુલ પકડાયા

ભકિતનગર પોલિસનો દરોડોઃ ૧૧ હજારનો દેશી દારૂ, ૨ હજારનો આથો, બેરલ, કેરબા અને ભઠ્ઠીના સાધનો મળી રૂા. ૧૩ હજારનો મુદ્દામાલ કબ્જે

રાજકોટ,તા. ૨૦ : જંગલેશ્વર મેઇન રોડ પર રાધાકૃષ્ણનગર નદીના કાંઠા પાસે ભકિતનગર પોલીસે બાતમીના આધારે દરોડો પાડી દેશી દારૂની ભઠ્ઠી ચલાવતા બે શખ્સોને પકડી લઇ દેશી દારૂ તથા આથો અને ભઠ્ઠીના સાધનો કબ્જે કર્યા હતા. મળતી વિગત મુજબ જંગલેશ્વર મેઇન રોડ પર રાધાકૃષ્ણનગર નદીના કાંઠા પાસે દેશી દારૂની ભઠ્ઠી ચાલતી હોવાની ભકિતનગર પોલીસ મથકના હેડ કોન્સ. દીલીપભાઇ બોરીચા, સંજયભાઇ ચાવડા અને કોન્સ. પુષ્પરાજસિંહ ગોહિલને બાતમી મળતા રાધાકૃષ્ણનગર શેરી નં. ૨૦માં નદીના કાંઠા પાસે દરોડો પાડી દેશી દારૂની ભઠ્ઠી ચલાવતા રવિ લક્ષ્મણભાઇ દલસાણીયા (ઉવ.૨૦) (રહે. રાધાકૃષ્ણનગર શેરી નં. ૨૦) અને શેરી નં. ૧૪માં રહેતા વિપુલ વિઠ્ઠલભાઇ જાપડીયા (ઉવ.૨૩)ને પકડી લઇ રૂા. ૧૧,૦૦૦ ની કિંમતનો ૫૫૦ લીટર દેશી દારૂ, રૂા. ૨૦૦૦ની કિંમતનો ૧૦૦૦ લીટર આથો તથા રૂા. ૬૦૦ની કિંમતના બેરલ, કેરબાર અને ભઠ્ઠીના સાધનો મળી રૂા. ૧૩,૬૨૦નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. પકડાયેલો રવિ અગાઉ મારામારી તથા દારૂના અને વિપુલ દારૂના ગુનામાં પકડાઇ ચૂકયો છે. આ કામગીરી પીઆઇ એલ.એલ.ચાવડાના માર્ગદર્શન હેઠળ પી.એસ.આઇ એચ.એન.રાયજાદા સહિતના સ્ટાફ દ્વારા કરવામાં આવી હતી.

(3:43 pm IST)