Gujarati News

Gujarati News

News of Saturday, 20th May 2023

પાળતુ કૂતરો દોડતાં ગાયએ ભાગીને વાહનને ઉલાળી દીધું: ચાલક યુવતિને ગંભીર ઇજા

પેઢામાં ફ્રેકચર થઇ ગયું: કેવડાવાડીમાં બનાવઃ ભક્‍તિનગર પોલીસે કૂતરાના માલિક ભરત કાનગડ વિરૂધ્‍ધ દેવપરાની ઝીલ મુંદ્રાની ફરિયાદ પરથી ગુનો નોંધ્‍યો

રાજકોટ તા. ૨૦: કેવડાવાડીમાં એક પાળતુ કૂતરાને કારણે ગાય ભડકીને ભાગતાં અને એક્‍ટીવાને ઉલાળી દેતાં એકટીવા ચાલક યુવતિ અને તેની બહેનપણી વાહન સહિત ફંગોળાઇને થાંભલામાં ભટકાતાં કપાળ, મોઢાના ભાગે ઇજાઓ થતાં અને પેઢામાં ફ્રેકચર થઇ જતાં આ મામલે પોલીસે કૂતરાના માલિક વિરૂધ્‍ધ ગુનો નોંધ્‍યો છે.

બનાવ અંગે ભક્‍તિનગર પોલીસે દેવપરા ગાંધી સોસાયટી-૧માં રહેતી અને મોડેલીંગનું કામ કરતી ઝીલ આબીદભાઇ મુન્‍દ્રા (ઉ.વ.૧૯) નામની યુવતિની ફરિયાદ પરથી કેવડાવાડી-૧૨માં રહેતા પાળતુ કૂતરાના માલિક ભરતભાઇ કાનગડ વિરૂધ્‍ધ આઇપીસી ૨૮૯ મુજબ ગુનો નોંધ્‍યો છે. ઝીલ મુંદ્રાએ ફરિયાદમાં જણાવ્‍યું છે કે હું મોડેલીંગનું કામ કરુ છું અને ૧૩મીએ મારી બહેનપણી સાઇના સાથે મારું એકટીવા લઇ ગુંદાવાડીમાં ચણીયાચોલી લેવા ગઇ હતી. આ વખતે કેવડાવાડી-૧૨માં પહોંચતા ભરતભાઇનો પાળેલો કૂતરો તેને રોડ પર છુટો મુક્‍યો હોઇ તે ભસવા માંડતા અને ગાય પાછળ દોડતાં ગાય ભડકીને ભાગતાં એક્‍ટીવાને ઉલાળતાં પોતે અને બહેનપણી ફેંકાઇ ગયા હતાં. જેમાં પોતાને મોઢા પર ગંભીર ઇજાઓ થઇ હતી.

પેઢાના ભાગે ફ્રેકચર થતાં સર્જરી કરાવવી પડી હોઇ હવે હોસ્‍પિટલમાંથી રજા મળતાં ફરિયાદ નોંધાવી હતી. હેડકોનસ. પ્રશાંતસિંહે  ગોહિલે ગુનો નોંધી વિશેષ તપાસ હાથ ધરી છે.

(4:09 pm IST)