Gujarati News

Gujarati News

News of Saturday, 20th May 2023

અલ્‍કાપુરીમાં કેટરર્સના ધંધાર્થી અભિષેક મેરને મયંક ખજુરીયા અને ધર્મેશે ઘુસ્‍તાવી ધમકી દીધી

દિવાળીએ થયેલી માથાકુટનું સમાધાન કેમ નથી કરતો? કહી તૂટી પડયા : હાથમાં બોંબ સળગાવીને ફેંકતા અભિષકની પુત્રી દાઝી ગઇ હતી અને સગર્ભા પત્‍નિનો ડ્રેસ બળી ગયો હતોઃ ત્‍યારથી ચાલતું મનદુઃખ કારણભુત

રાજકોટ તા. ૨૧: રૈયા રોડ પર હનુમાન મઢી પાસે અલ્‍કાપુરી-૧માં અલ્‍કેશ્વર મહાદેવ સામે રૂદ્રાક્ષ ફલેટ નં. ૫૦૨માં રહેતાં અને કાલાવડ રોડ ઇસ્‍કોન મંદિર પાછળ અભિ કેટરર્સ નામે ધંધો કરતાં અભિષેક હસમુખભાઇ મેર (ઉ.૩૬) નામના યુવાનને તે રાતે ધંધાના સ્‍થળેથી આવી ઘર પાસે ટુવ્‍હીલર પાર્ક કરતો હતો ત્‍યારે શેરીમાં રહેતાં ત્રણ  શખ્‍સોએ દિવાળી પર થયેલી માથાકુટનું સમાધાન કેમ નથી કરતો? તેમ કહી ગાળો દઇ ઢીકાપાટુનો માર મારી પતાવી દેવાની ધમકી આપતાં ફરિયાદ થઇ છે.

પોલીસે અભિષેક મેરની ફરિયાદ પરથી તેના પડોશી મયંક ખજુરીયા, ધર્મેશ મહેતા અને અજાણ્‍યા વિરૂધ્‍ધ ગુનો નોંધ્‍યો છે. અભિષેકના કહેવા મુજબ હું રાતે પોણા બારેક વાગ્‍યે મારુ કેટરર્સનું કામ પુરુ કરી ઘરે આવ્‍યો અને ટુવ્‍હીલર પાર્ક કરતો હતો ત્‍યારે મયંક, ધર્મેશ આવ્‍યા હતાં અને  કહ્યુ઼ હતું કે દિવાળી પર માથાકુટ થઇ હતી તેમાં તું કેમ સમાધાન નથી કરતો? તેમ કહી ગાળો દેતાં તેને ગાળો બોલાવની ના પાડતાં તે વધુ ઉશ્‍કેરાયા હતાં. આ બંને સાથે એક અજાણ્‍યો પણ હોઇ ત્રણેયે મારકુટ ચાલુ કરી હતી. મારા પત્‍નિ ભાવિશા જોઇ જતાં તેણે ૧૦૦ નંબરમાં ફોન કર્યો હતો.

દિવાળીએ મયંક, ધર્મેશ સહિતે હાથમાં સુતળી બોંબ સળગાવીને ફેંકતા મારી દિકરી સોૈમ્‍યા હાથમાં દાઝી ગઇ હતી અને મારી સગર્ભા પત્‍નિનો ડ્રેસ બળી ગયો હતો, તેમજ તેણીને મારકુટ કરી હતી. ત્‍યારે મેં ફરિયાદ કરી હોઇ ત્‍યારથી ચાલતા મનદુઃખનો ખાર રાખી રાતે ફરીથી મયંક, ધર્મેશ સહિતે સમાધાન કરવાનું કહી ગાળો દઇ માર મારી ધમકી આપી હતી. તેમ વધુમાં અભિષેકે જણાવતાં પીએસઆઇ એન. બી. ડોડીયાએ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

(4:32 pm IST)