Gujarati News

Gujarati News

News of Wednesday, 20th May 2020

સિવિલ તથા કોવિડ હોસ્પિટલના દર્દીઓને હવેથી હોટેલ ફર્નનું ભોજન મળશેઃ આજથી થયો પ્રારંભ

દર્દીઓને સવારે ચા-નાસ્તો, બપોરે ભોજન, બપોર બાદ જ્યુસ, સાંજે ડિનર અને રાત્રે હળદરવાળુ દૂધ અપાશે : આ હોટેલ તરફથી સતત બે મહિના સુધી દર્દીઓને વિનામુલ્યે ભોજન અપાયું હતું: સિવિલનું રસોડુ હાલ પુરતું બંધઃ કલેકટર તંત્રની કમિટીએ હોટેલને કોન્ટ્રાકટ આપ્યોઃ કોવિડ-૧૯ હોસ્પિટલના રસોડામાં જ હોટેલનો સ્ટાફ રસોઇ બનાવશેઃ એક દર્દી દીઠ ૨૩૦નો ખર્ચ

તસ્વીરમાં સિવિલ હોસ્પિટલમાં નવા બિલ્ડીંગમાં જ્યાં કોવિડ-૧૯ હોસ્પિટલ ચાલુ થઇ છે એ બિલ્ડીંગના રસોડામાં ફર્ન હોટેલનો સ્ટાફ જોઇ શકાય છે.

રાજકોટ તા. ૨૦: સિવિલ હોસ્પિટલમાં  કોરોનાના દર્દીઓની સારવાર માટે શરૂ થયેલી કોવિડ-૧૯ હોસ્પિટલમાં દાખલ તમામ દર્દીઓ તથા સ્ટાફને છેલ્લા બે મહિનાથી રાજકોટની ધ ફર્ન હોટેલ તરફથી વિનામુલ્યે ભોજન ચા-નાસ્તો પુરો પાડવામાં આવ્યા હતાં. દરમિયાન હવે આ હોટેલને સિવિલ તેમજ કોવિડ હોસ્પિટલના તમામ દર્દીઓને ચા-નાસ્તો-ભોજન પુરા પાડવાનો ત્રણ માસનો કોન્ટ્રાકટ અપાયાનું જાણવા મળે છે. આ કારણે હવેથી દર્દીઓને આખો દિવસ પોૈષ્ટીક આહાર મળી રહેશે.

તબિબી અધિક્ષક ડો. મનિષ મહેતાએ જણાવ્યું હતું કે ફર્ન હોટેલ તરફથી કોવિડ-૧૯ હોસ્પિટલમાં બે માસથી દર્દીઓને અને સ્ટાફને વિનામુલ્યે ભોજન તેમજ ચા-નાસ્તો આપવામાં આવતાં હતાં. દર્દીઓ આ સુવિધાથી સંતુષ્ટ થયા હોઇ આગામી ત્રણ મહિના માટે  કોવિડ અને સિવિલ હોસ્પિટલના તમામ દર્દીઓને આ હોટેલ તરફથી જ ભોજન તેમજ ચા-નાસ્તો મળી રહે તે માટે થઇને કલેકટર તંત્રની કમિટીએ નક્કી કર્યા મુજબ ફર્ન હોટેલને કોન્ટ્રાકટ અપાયો છે. તે સાથે જ સિવિલમાં વર્ષોથી જે રસોડુ ચાલતું હતું તે હાલ પુરતુ બંધ કરવામાં આવ્યું છે. આજથી જ કોવિડ-૧૯ હોસ્પિટલમાં આવેલા રસોડામાં ફર્ન હોટેેલના સ્ટાફ કૂક સહિતે કામ શરૂ કરી દીધું છે.

ડો. મહેતાએ જણાવ્યું હતું કે દર્દીઓને સવારે ચા-નાસ્તો, બપોરે ભોજન, બપોર બાદ જરૂર પડ્યે લેમન જ્યુસ તથા અન્ય કોઇ જ્યુસ તથા સાંજે ડીનર અને રાતે હળદળવાળુ દૂધ અપાશે. આસી. કલેકટરશ્રી પટેલના જણાવ્યા મુજબ દર્દી દીઠ આખા દિવસનો ખર્ચ રૂ. ૨૩૦ થશે. હાલ ત્રણ માસનો કોન્ટ્રાકટ હોટેલ ફર્નને અપાયો છે.

ફર્નના પ્રોજેકટ મેનેજર હિમાંશુ કટારીયાએ જણાવ્યું હતું કે અમે સવારે દર્દીઓને પોૈષ્ટીક ચા-નાસ્તો આપીશું તેમજ બપોરે ભોજનમાં શાક, રોટી, દાળ-ભાત, મીઠાઇ, છાશ, કઠોળ, ગ્રીન સલાડ સહિતનું ભોજન આપશું. એ જ રીતે રાત્રે પણ કઢી-ખીચડી-શાક-રોટી, ફ્રાઇડ રાઇસ, થેપલા સહિતનું અલગ-અલગ સ્વાદિષ્ટ ભોજન પુરૂ પાડીશું. અમારો વીસ લોકોનો સ્ટાફ આ કામગીરી સંભાળી રહ્યો છે.

(2:55 pm IST)