Gujarati News

Gujarati News

News of Monday, 20th May 2019

શું થશે યુ.પી.માં ?

માત્ર દોઢથી સાડા ત્રણ ટકાનો સ્વિંગ મચાવી દેશે જબરી ઉથલ પાથલ

કાં તો લાવી દેશે ભાજપને ૨૫થી ઓછીઙ્ગ બેઠક ઉપર અથવાતો મૂકી દેશે ૬૨ ને પાર.

બધો આધાર યુ.પી.ઉપર છે.અત્યારે એક એવી ધારણા છે કે એસ.પી.,બી.એસ.પી.,આર.એલ.ડી.ના ગઠબંધનને કારણે ભાજપ મોટી સંખ્યામાં બેઠકો ગુમાવશે.જો કે ભાજપતો આત્મવિશ્વાસથી કહે છે કે ગયા વખત કરતાં પણ વધારે બેઠકો મળશે.

હવે જોઈએ કે આંકડા શુ કહે છે

૨૦૧૪માં ભાજપને મળેલા મત સામે ગઠબંધનના પક્ષોને મળેલા મતના સરવાળાની તુલના કરીએ તો ૮૦ માંથી ૩૬ બેઠકો પર ભાજપને અને ૪૪ બેઠકો પર ગઠબંધનને સરસાઈ મળી હતી.એ જ પેટર્ન મુજબ આ વખતે પણ મતદાન થયું હોય તો આ વખતે ભાજપ+ તેના સાથી પક્ષ આપના દળ ને ગયા વખતની ૭૩ બેઠક સામે આ વખતે ૩૬ બેઠક મળે.એટલે કે ૩૭ બેઠકનું નુકસાન થાય.

પણ દર વખતે એક સરખું મતદાન થાય નહીં. કોઈના વોટ ઘટે,કોઈના વધે.એવી વધઘટ થાય તો બધી ગણતરીઓ ઊંઘી ચતી થઈ જાય.

હવે જોઈએ ભાજપની સરસાઈ વાળી ૩૬ બેઠકોના આંકડા

એ પૈકી ૭ બેઠકો પર ભાજપની સરસાઈ ૧થી ૩ ટકા સુધીની હતી.એટલે કે ભાજપ દોઢથી બે ટકા મત ગુમાવે અને એ મત ગઠબંધનને મળે તો ભાજપ ૭ બેઠક ગુમાવે.તો ભાજપનો આંકડો થઈ જાય ૨૯ બેઠકનો.

૧૨ બેઠકો પર ભાજપની સરસાઈ ૩ થી ૬ ટકાની હતી.આ બેઠકો પર ભાજપ ૨ થી ૩.૫ ટકા મત ગુમાવે અને એ મત ગઠબંધનને મળે તો ભાજપ વધુ ૧૨ બેઠક ગુમાવે.તો ભાજપનો સ્કોર ઘટીને ૧૭ ઉપર આવી જાય.

(૧૦ બેઠકો પર ભાજપની સરસાઈ ૬ થી ૯ ટકાની અને ૭ બેઠકો પર ૧૦ કરતાં વધારે ટકા ની હતી.આપણે અહીં એ બેઠકોની ગણતરી નથી કરતા.)

હવે ગઠબંધનની સ્થિતી ચકાસીએ

૧૩ બેઠકો પર ગઠબંધનને ૧ થી ૩ ટકાની સરસાઈ હતી.એટલ કે ગઠબંધનના દોઢથી બે ટકા મત ઘટે અને એ મત ભાજપને મળે તો ૪૪માંથી ૧૩ બેઠકો ગુમાવી ગઠબંધનનો સ્કોર થઈ જાય ૩૧નો.ભાજપ પહોંચી જાય ૪૯ ઉપર.

૧૩ બેઠકો પર ગઠબંધનની સરસાઈ ૩ થી ૬ ટકાની હતી.ત્યાં ભાજપની તરફેણમાં ૨ થી ૩.૫ ટકાનો સ્વિંગ થાય તો ગઠબંધન વધુ ૧૩ બેઠક ગુમાવે અને તો ૧૮ બેઠક પર ગઠબંધનનો રથ અટકી જાય.ભાજપનો સ્કોર થઈ જાય ૬૨નો.

(ગઠબંધન ને ૭ બેઠકો પર ૬ થી ૯ ટકા અને ૧૧ બેઠકો પર ૧૦ ટકા કરતાં વધારે સરસાઈ હતી.આપણે અહીં એ બેઠકોની ગણતરી નથી કરતા.)

ઉપરના આંકડા સ્પષ્ટ કરે છે કે જંગ કસોકસનો છે.દોઢથી સાડાત્રણ-ચાર ટકાનો કોઈની તરફેણનો કે કોઈની વિરુદ્ઘનો સ્વિંગ અકલ્પ્ય પરિણામો લાવશે.

ભાજપનો તર્ક :

ભાજપ આ વખતે પણ ગયા વખતના પરિણામના પુનરાવર્તનનો દાવો કરે છે.ભાજપ માને છે કે લોકોએ મોદીના નામે મત આપ્યા છે.એરસ્ટ્રાઈક,રાષ્ટ્રવાદ અને હિન્દૂ મતોના ધ્રુવીકરણ નો વ્યૂહ સફળ રહ્યો છે.નવા મતદારો ભાજપ સાથે રહ્યા છે.એટલે ભાજપનો વોટશેર વધવાનો છે.

વિપક્ષોનો તર્ક :

ગ્રામ્ય પ્રજા,ખેડૂતોમાં ભાજપ વિરોધી લાગણી છે,ત્યાં રાષ્ટ્રવાદની અસર નથી.યોગી સાશન સામે નારાજગી છે.ગઠબંધન પોતાની વોટબેંક અકબંધ રાખી શકયું છે.બેરોજગારી,ખેડૂતોની સમસ્યાને કારણે ભાજપની મતબેન્કમાં ગાબડું પડશે.

રાજકીય પંડિતોનો તર્ક :

ગયા વખતે મોદી લહેર વચ્ચે પણ એસ.પી.,બી.એસ.પી,આર. એલ.ડી.ને મત આપનાર મતદારો એ પક્ષોના કમિટેડ મતદારો છે.

બીજી તરફ ગયા વખતે મોદી મોહમાં તણાઈને મત આપનારા કેટલાક મતદારો જો મોહભંગ થયો હોય તો ભાજપથી મોઢું ફેરવી શકે છે.

યુ.પી.બધા પક્ષોનું અને દેશનું ભાવિ નક્કી કરશે. આપણે અહીં જ્ઞાતિ સમીકરણો, સ્થાનિક મુદાઓની કોઈ ગણતરી નથી કરી.પ્રિયંકા ગાંધીની એન્ટ્રી પછી કાંઈક અંશે મજબૂત બનેલી કોંગ્રેસ કોના મત તોડશે અને તેનાથી કોને ફાયદો કે નુકસાન થશે તે પણ અહીં ગણતરીમાં નથી લીધું. દરેક બેઠકનું અલગ અલગ ગણિત હશે.ભાજપને આશા છે કે દરેક ગણિતને ખોટું પડવાની શકિત મોદી મેજિકમાં છે. આ વખતે એ પરિબળ યથાવત છે કે નબળું પડી ગયું છે તે પરિણામ જાહેર થયે ખબર પડશે.અત્યારે સિમ્પલ એરિથમેટિક એવું કહે છે કે લડાઈ કસોકસની છે.મામલો બસ માત્ર દોઢ થી સાડા ત્રણ ટકા ના સ્વિંગનો છે.જેની તરફેણમાં થશે તેની નાવડી પાર ઉતરી જશે.જેની વિરુદ્ઘમાં થશે તેના બારે વહાણ ડૂબી જશે.

: આલેખન :

જગદીશ આચાર્ય

સૌરાષ્ટ્રના સિનીયરમોસ્ટ પત્રકાર, કોલમીસ્ટ, ટીવી એનાલીસ્ટ

(મો. ૯૮૨૫૨ ૭૪૩૭૪)

(4:21 pm IST)
  • રાજકોટમાં ૧૦ કિલો ગાંજા સાથે મહેમૂદા ઉર્ફ લાલુડી પકડાઇઃ દેવપરા પાસે વિવેકાનંદનગરમાં રહેતી સંધી મુસ્લિમ મહિલા રિક્ષામાં બેસી નિલકંઠ ટોકિઝ પાસેથી નીકળતાંભકિતનગરના કોન્સ. દેવાભાઇ ધરજીયા અને ભાવેશભાઇ મકવાણાની બાતમી પરથી દબોચી લેવાઇઃ રિમાન્ડ મેળવવા તજવીજ access_time 11:25 am IST

  • પંજાબના ગુરદાસપુરમાં મતદાન વેળાએ હિંસા :મતદાન બાદ કોંગ્રેસ અને અકાલી દળના કાર્યકર્તાઓ વચ્ચે મારામારી :ત્રણ જેટલા શખ્સો ઘાયલ :મારામારીની ઘટના બાદ પોલીસે સ્થિતિ પર કાબૂ મેળવવા પ્રયાસો હાથ ધર્યા access_time 1:37 am IST

  • રાજકોટમાં આવતીકાલથી યલો એલર્ટ જાહેર : હવામાન ખાતાના વેધર ડેટા એનાલીસ્ટની આગાહી મુજબ આવતીકાલે ૨૧મીના રોજ યલો એલર્ટ (૪૧ ડીગ્રી ઉપર) રહેશે. access_time 4:01 pm IST