Gujarati News

Gujarati News

News of Saturday, 20th April 2024

ભારત જૈન મહામંડળના ઉપક્રમે મુંબઇ ખાતે ભગવાન મહાવીર જન્‍મ કલ્‍યાણક મહોત્‍સવ : પૂ. નમ્રમુનિ મ.સા.નું સાનીધ્‍ય

રાજકોટ તા. ૨૦ : જૈનોના ૨૪માં તીર્થંકર ભગવાન મહાવીરના ૨૬૨૩માં જન્‍મ કલ્‍યાણક અવસરે મુંબઈના યોગી સભાગૃહ ખાતે ભારત જૈન મહામંડળના ઉપક્રમે જૈનોના ચારે ફિરકાના સંત- સતીજીઓના સાંનિધ્‍યે જન્‍મ કલ્‍યાણક મહોત્‍સવનું આયોજન સવારના ૧૦ કલાકે રાખવામાં આવ્‍યું છે.

પૂજય આચાર્યશ્રી નયપદ્મસાગરજી મહારાજ સાહેબ, રાષ્ટ્રસંત પરમ ગુરુદેવ શ્રી નમ્રમુનિ મહારાજ સાહેબ, પૂજય મુનિશ્રી કમલકુમારજી મહારાજ સાહેબ તેમજ પૂજય સાધ્‍વીશ્રી અક્ષયજયોતિજી મહાસતીજીના સાંનિધ્‍યે તેમજ ન્‍યાયમૂર્તિ શ્રી સંદિપજી મહેતા (સુપ્રીમ કોર્ટ ઓફ ઇન્‍ડિયા), ન્‍યાયમૂર્તિ શ્રી ડો. સુધિરકુમારજી જૈન એવમ જિતેન્‍દ્રજી જૈન (દિલ્‍હી હાઇ કોર્ટ) અને શ્રી મંગલ પ્રભાતજી લોઢા - (કેબિનેટ મંત્રી- મહારાષ્ટ્ર રાજય)ની વિશેષ ઉપસ્‍થિતિમાં આ મહોત્‍સવ સ્‍વામી નારાયણ મંદિર, યોગી સભાગૃહ, દાદર (ઇ) મુંબઈ ખાતે યોજાશે.

ઉપરાંતમાં રાષ્ટ્રસંત પરમ ગુરુદેવના સાંનિધ્‍યે ઘાટકોપર સ્‍થિત ગુરુકુલ સ્‍કૂલ ખાતે સાંજના ૭.૩૦ કલાકે ભગવાન મહાવીર પ્રત્‍યે અંતરની ભક્‍તિ ભાવનાનું દર્શન કરાવતો બાળકો માટેનો વિશેષ કાર્યક્રમ ‘બાલ ગુણ મેલા' લુક એન લર્ન જૈન જ્ઞાનધામના ઉપક્રમે આયોજિત કરવામાં આવ્‍યો છે.

આ કાર્યક્રમ અંતર્ગત સમગ્ર મુંબઈની ૧૦૦થી વધુ જૈનશાળાના તેમજ લુક એન લર્ન જૈન જ્ઞાનધામના ૧૦થી ૧૫ વર્ષના બાળકો ગીત, સંગીત, નૃત્‍ય, ડ્રામા, સ્‍પીચ, એક્‍ટિંગ આદિ કલાના માધ્‍યમે ભગવાન મહાવીર પ્રત્‍યેની ભક્‍તિ ભાવનાનું દર્શન કરાવશે. વિશેષમાં, આ અવસરે મુમુક્ષુ શ્રી યશ્વીદીદી મહેન્‍દ્રભાઈ નંદુના સંયમ ભાવની અનુમોદના કરતાં સમગ્ર ઘાટકોપરના શ્રી સંઘો દ્વારા સન્‍માન સમારોહ યોજાશે. ત્‍યારબાદ પ્રભુ મહાવીરના જન્‍મોત્‍સવલક્ષી મધુર ગીત-સંગીત સાથેનો ભક્‍તિ સંધ્‍યાનો કાર્યક્રમ યોજાશે. સમગ્ર કાર્યક્રમ ગુરૂકુળ સ્‍કૂલ ગ્રાઉન્‍ડ, તિલક રોડ, દેરાસર લેન, ઘાટકોપર ઈસ્‍ટ ખાતે યોજાશે

(3:10 pm IST)