Gujarati News

Gujarati News

News of Friday, 20th April 2018

ઈનોવેટિવ ઈન્ટરનેશનલ સ્કુલનું રવિવારે ઉદ્ઘાટનઃ ફિનલેન્ડની શિક્ષણ પધ્ધતિ

બાળકોના સર્વાંગી વિકાસ માટે કટીબધ્ધ ટ્રસ્ટ્રીગણઃ પત્રકાર પરિષદ યોજાઈઃ ૨૩ એકરનું સ્કુલ કેમ્પસઃ ૩ એકરમાં સ્પોર્ટ્સ કોમ્પલેક્ષઃ ઈન્ડોર સ્ટેડીયમ, લેન્ડ સ્કેપ, મીની એમ્ફીથીએટર, રેકોર્ડીંગ સ્ટુડીઓ સહીતના વિભાગો

રાજકોટ, તા.૨૦: રવિવારે આગામી તા.૨૨નાં રોજ રાજકોટની ખ્યાતનામ શૈક્ષણિક સંસ્થા ઈનોવેટિવ સ્કૂલની યશ કલગીમાં વધુ એક પિંછુ ઉમેરાવા જઈ રહયું છે. ઈશ્વરિયા- કાલાવડ રોડ ખાતે ઈનોવેટિવ ઈન્ટરનેશનલ સ્કૂલનાં ભવ્યાતિભવ્ય ઉદ્ઘાટન સમારોહ પૂ.શ્રી અપૂર્વમૂની સ્વામીશ્રી (સ્વામિનારાયણ મંદિર) ના વરદ હસ્તે સવારે ૯ કલાકે રાખવામાં આવેલ છે.

૨૩ એકરનાં આ વિશાળ સ્કુલ કેમ્પસમાં ઘણી બધી વિવિધતાઓ જોવા મળશે ઈનોવેટિવ નામ મુજબનું જ આ અદ્ભુત સંકુલ બનાવવામાં આવેલ છે. આ સંકુલમાં પ્રોજેકટ, ઓડિયો- વિઝયુઅલ લર્નીંગ ધરાવતા એ.સી.વર્ગ ખંડો છે. આ ઉપરાંત ભવ્ય લાયબ્રેરી, સાયન્સલેબ, મેથ્સલેબ જેવી પાયાની લેબોરેટરીઝ દ્વારા લર્નીંગ બાય ડુઈંગ પદ્ધતિ આત્મસાત થશે. ઈનોવેટિવ નામ હોય તો નવીન કંઈક હોય જ તે મૂજબ જ પ્રથમ વખત જ ''મેકર્સ લેબ''ના કોન્સેપ્ટ આ સ્કુલ લઈને આવી રહી છે જેમાં વિદ્યાર્થીઓ લેગો- રોબોટીકસની સાથે સાથે મેકર્સલેબનો પણ ઉપયોગ કરીને અવનવી અને જરૂરીયાતની વસ્તુઓ જાતે બનાવતા શીખવી ખરા અર્થમાં સ્કિલ ડેવલપમેન્ટનું કાર્ય કરવામાં આવશે.

ભણતરની સાથે સાથે વિદ્યાર્થીઓનો સર્વાંગી વિકાસ થાય તે મુજબનું ટાઈમટેબલ બનાવવામાં આવેલ છે અને રોજની બે કે તેથી વધુ ભણવા સિવાયની ક્રિએટીવ એકટીવિટિ પણ વિદ્યાર્થી આ કેમ્પસમાં અચૂક કરશે જેમાં આર્ટ- ક્રાફટરૂમ, મ્યુઝિક રૂમ, ડાન્સ એન્ડ પરફોર્મીંગ રૂમ, જેવાં જુદા જુદા વિભાગોમાં વિદ્યાર્થીઓ માર્ગદર્શન મેળવશે.

એક નવોજ અભિગમ અને નેમ સાથે આ સ્કૂલનાં યુવા સંચાલકોએ આ સંકુલ બનાવેલ છે અને તેથી જ ફિનલેન્ડની શિક્ષણ પદ્ધતિ કે જે વિશ્વભરમાં પ્રથમ હરોળની ગણાય છે તે પદ્ધતિ રાજકોટ ખાતે આ સ્કુલમાં આગામી જૂન થી શરૂ થઈ જશે તે માટે ફિનલેન્ડથી ખાસ મી.પેટ્રી તા.૧૮ થી ૨૩ સુધી સાથે રહી વિવિધ તાલીમો અને શિક્ષણ પદ્ધતિનાં વર્ગો લઈ રહયા છે અને ઉદ્ઘાટનના દિવસો તેઓ ખાસ ઉપસ્થિત રહેવાના છે અને વાલીશ્રીઓની તેમની સાથેની નવી શિક્ષણ પદ્ધતિની ચર્ચાઓ પણ રાખેલ છે.

બાળકના શારિરીક વિકાસને ધ્યાને રાખીને સંસ્થાએ ખૂબ જ સરસ ''ઈન્ડોર સ્પોટ્ર્સ કોમ્પલેક્ષ'' બનાવેલ છે જેમાં બેડમિન્ટન, ટેબલ ટેનિસ, વિશાળ સ્વીમીંગ પુલની વ્યવસ્થા, બાસ્કેટ બોલ, કેરમ, ચેસ, જીમનાશ્યમ, કરાટે, યોગા સેન્ટરની જેની વિવિધ સ્પોટ્ર્સની એકટીવીટી વિદ્યાર્થી વર્ષ આખુ કરતા રહેશે તો સાથે સાથે રાઈરૂલ શૂટીંગ રૂમ પણ અહીં આપને જોવા મળશે. ઈન્ડોર સ્ટેડિયમની સાથોસાથ આઉટડોરમાં પણ ક્રિકેટ ગ્રાઉન્ડ, ફૂટબોલ, વોલીબોલ, બાસ્કેટબોલ, ટેનીસ, સ્કેટીંગરીંગ, કબડ્ડી, ખો-ખો અને કુસ્તીના પણ અલગ અલગ કોર્ટ બનાવવામાં આવેલ છે. જેથી આ સંસ્થા દ્વારા ભવિષ્યમાં રાજય અને રાષ્ટ્રીય કક્ષાએ અનેક પ્રતિભાઓ તૈયાર થશે તેમાં સંચાલકોને લેશમાત્ર પણ શંકા નથી.આ ઉપરાંત નાના બાળકો માટે સુંદર મજાનું લેન્ડસ્કેપીંગ કરાયેલ છે જેમાં હિંચકા લપસીયા અને બધી જ રાઈડ્સ છે. સૌરાષ્ટ્રનું ઉત્તમ કહી શકાય તેવુ ઓપન મીની એમ્ફીથિએટર પણ ત્યાં જોવા મળશે. એક અર્થમાં કહીએ તો બાળકોને મજા પડી જાય અને ખરા અર્થમાં તનાવમુકત અભ્યાસ અને સર્વાંગી વિકાસ થાય તેવુ આ શૈક્ષણિક સંકુલ રાજકોટના વિદ્યાર્થીઓ તથા વાલીઓને આવકારવા માટે થનગની રહ્યુ છે.

શૈક્ષણિક સંકુલના ઉદ્દઘાટન સમારોહમાં પણ વિવિધતા જોવા મળશે. અલગ સાયન્સ ઝોનની વ્યવસ્થા કરવામાં આવેલ છે. જેમાં વિદ્યાર્થીઓ જુદી જુદી સાયન્સની એકટીવીટી કરી રહ્યા હશે. સ્ટેજ પર વિદ્યાર્થીઓ દ્વારા લાઈવ સ્ટેજ પરર્ફોર્મન્સ ચાલતા હશે. રંગબેરંગી વાતાવરણ બનાવવામાં આવેલ છે સાથોસાથ ફિનલેન્ડમાં મી. પેટ્રી સાથે વાર્તાલાપ પણ કરી શકાશે. ઉદ્દઘાટન સવારે ૯ થી ૧ તથા સાંજે ૪ થી ૭ સુધી રાખવામાં આવેલ છે.

સમગ્ર આયોજન અંગેની પત્રકાર પરિષદમાં સંસ્થાના ટ્રસ્ટી સર્વશ્રી લાભુભાઈ ખીમાણીયા, દર્શિતભાઈ જાની, દિલીપભાઈ સિંહારના માર્ગદર્શન હેઠળ સંસ્થાના યુવા ટ્રસ્ટીઓ નિરેનભાઈ જાની, વિવેકભાઈ સિંહાર તથા મયુરભાઈ ખીમાણીયા અને તેમની ટીમ પ્રિન્સીપાલ મોનાબેન રાવલ, ડો. અતુલ વ્યાસ, મોનીકા ચૌધરી (પ્રિન્સીપાલ આઈએએસ) વગેરેએ માહિતી આપેલ. (તસ્વીરઃ અશોક બગથરીયા) (તસ્વીર અશોક બગથરીયા)(૩૦.૬)

(4:48 pm IST)