Gujarati News

Gujarati News

News of Saturday, 20th March 2021

નોકરીની લાલચ આપી બળાત્કાર ગુજારવાના આરોપીની હાઇકોર્ટમાં જામીન અરજી પાછી ખેંચાઇ

રાજકોટ, તા., ૨૦: બળાત્કાર અને વિશ્વાસઘાતની ફરીયાદમાં આરોપીએ ગુજરાત હાઇકોર્ટમાં કરેલ જામીન અરજી વિથ ડ્રો કરતા આકરી શરતોનો હુકમ કર્યો હતો.

આ કેસની ટુંક હકીકત એવી છે કે આ કામમાં ભોગ બનનારને નોકરીની જરૂરીયાત હોય ત્રિકોણબાગ પાસે આવેલ એક હોટલમાં લઇ ગયેલ અને કહેલ કે હું તને પ્રેમ કરૂ છુ મારે તારી સાથે લગ્ન કરવા છે.

ત્યાર બાદ હોટલના રૂમમાં ધાકધમકી આપી ફરીયાદી/ભોગ બનનારની મરજી વિરૂધ્ધ દુષ્કર્મ આચરેલ અને કહેલ કે જો પોલીસ ફરીયાદ કરીશ તો જાનથી મારી નાખીશ. ત્યાર બાદ આરોપી દ્વારા ફરીયાદી/ભોગ બનનારના ફોટા પાડી દીધેલ અને રાજકોટની અલગ-અલગ હોટલમાં લઇ જઇ ફરીયાદી/ભોગ બનનારની મરજી વિરૂધ્ધ શરીર સબંધ બાંધેલા તેમજ એક યા બીજી રીતે ફરીયાદી પાસેથી રૂ. ૧૯,૧ર,૦૦૦ (ઓગણીસ લાખ બાર હજાર) તેમજ રૂ. ૮,૦૦,૦૦૦ (આઠ લાખના) કુલ બે ચેક પડાવી લીધેલ અને જો પોલીસ ફરીયાદ કરે તો ખોટા કેસમાં ફીટ કરાવી દેવાની ધમકી આપેલ.

રાજકોટ તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ થતા અરજદાર આરોપી દ્વારા રેગ્યુલર જામીન પર મુકત થવા માટે નામદાર રાજકોટ ડીસ્ટ્રીકટ કોર્ટમાં પ્રથમ જામીન અરજી કરેલ હતી. જે જામીન અરજી નામદાર ડીસ્ટ્રીકટ કોર્ટ દ્વારા નામંજુર કરવામાં આવેલ હતી. ત્યાર બાદ તેમાં તપાસનીસ અધિકારી દ્વારા તપાસપુર્ણ કરી પુરાવા મળી આવતા તપાસનીસ અધિકારીએ ચાર્જશીટ રજુ કરતા અરજદાર આરોપી દ્વારા ડીસ્ટ્રીકટ કોર્ટમાં બીજી વખત ચાર્જશીટ થઇ ગયા બાદ રેગ્યુલર જામીન અરજી પર મુકત થવા અરજી કરેલ હતી. જે અરજી પણ નામદાર ડીસ્ટ્રીકટ કોર્ટ રાજકોટ દ્વારા નામંજુરનો હુકમ કરેલ હતો.

આ કામે અરજદાર આરોપી ઇમરાન હનીફભાઇ ડેલાએ ગુજરાત હાઇકોર્ટમાં રેગ્યુલર જામીન પર મુકત થવા અરજી કરેલ હતી. જે અરજીમાં ભોગ બનનારના વકીલશ્રી દ્વારા વાંધા રજુ કરેલા તેમજ મૌખીક દલીલ રજુ કરેલી તથા જજમેન્ટસ પણ રજુ કરેલ હતા. જેમાં ભોગ બનારના વાંધા ગુજરાત હાઇકોર્ટે ધ્યાને લઇ, અરજદાર આરોપીપક્ષે જામીન અરજી પરત ખેંચવા વીથ-ડ્રો પુરશીસથી જાહેર કરતા ગુજરાત હાઇકોર્ટે ભોગ બનનારનો પુરાવો પુર્ણ થયા બાદ ફ્રેશ જામીન અરજી કરવાની શરતે જામીન અરજી પરત ખેંચવાની પરવાનગી આપતો આકરો હુકમ ફરમાવેલ છે.

હાલના કામે મુળ ફરીયાદી/ભોગ બનનાર વતી ભુમીકા એન.દેસાઇ, બલરામ એસ. પંડીત તથા ગુજરાત હાઇકોર્ટના એડવોકેટ ભાવીક આર.સામાણી ભોગ બનનાર વતી રોકાયેલ હતા.

(3:43 pm IST)