Gujarati News

Gujarati News

News of Saturday, 20th March 2021

ઘરના રૂમમાં મોબાઇલમાં નેટ નથી આવતું કહી બહાર નીકળેલી ૧૩ વર્ષની બાળા ગાયબઃ અપહરણનો ગુનો

લાલપાર્ક મેઇન રોડ પરની શ્રધ્ધાપુરી સોસાયટીનો બનાવઃ ધોરણ-૮માં અભ્યાસ કરતી બાળાના પિતાની ફરિયાદ પરથી ભકિતનગર પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો

રાજકોટ તા. ૨૦: લાલપાર્ક રોડ શ્રધ્ધાપુરીમાં રહેતી ૧૩ વર્ષની બાળા ગઇકાલે બપોર બાદ સાડા ત્રણેક વાગ્યે રૂમમાં મોબાઇલમાં નેટ નથી આવતું તેમ કહી બહાર નીકળ્યા બાદ ગાયબ થઇ જતાં અને શોધખોળ કરવા છતાં પત્તો ન મળતાં પોલીસને જાણ કરવામાં આવતાં અપહરણનો ગુનો નોંધી તપાસ શરૂ કરવામાં આવી છે.

આ બનાવમાં ભકિતગનર પોલીસે કોઠારીયા રોડ લાલપાર્ક મેઇન રોડ શ્રધ્ધાપુરી-૨માં રહેતાં મનોજભાઇ કરમશીભાઇ ગજેરાની ફરિયાદ પરથી અજાણ્યા શખ્સ સામે આઇપીસી ૩૬૩ મુજબ ગુનો નોંધ્યો છે. મનોજભાઇ કોઠારીયા સોલવન્ટમાં ઘરઘંટીના સ્પેરપાર્ટસનું કારખાનુ ધરાવે છે. સંતનમાં એક દિકરી અને એક દિકરો છે. જેમાં દિકરીની ઉમર ૧૩ વર્ષની છે. જે ધોરણ-૮માં અભ્યાસ કરે છે. ગત સાંજે મનોજભાઇ કારખાને હતાં ત્યારે તેમને પત્નિએ ફોન કરી દિકરી ઘરમાંથી કયાંક જતી રહી છે, તેના ફ્રેન્ડ સર્કલમાં ફોન કરવા છતાં મળી નથી તમે જલ્દી આવો તેમ કહેતાં મનોજભાઇ તુરત ઘરે પહોંચ્યા હતાં અને દિકરીની શોધખોળ શરૂ કરી હતી.

તેણી બપોરે સાડા ત્રણેક વાગ્યે રૂમમાં મોબાઇલમાં નેટ આવતું નથી તેમ કહી બહાર નીકળી હતી. અડધો કલાક થવા છતાં પાછી રૂમમાં ન આવતાં તેણીના મમ્મી તપાસ કરવા નીકળતાં કયાંય જોવા મળી નહોતી. અડોશી-પડોશી અને સગા સંબંધીને ત્યાં પણ તપાસક રી હતી. પરંતુ પત્તો મળ્યો નહોતો. અંતે પોલીસને જાણ કરવામાં આવી હતી. બાળાને કોઇ લલચાવી ફોસલાવી અપહરણ કરી ગયાનું જણાવાતાં પોલીસે તુરત પીઆઇ જે. ડી. ઝાલા, નિલેષભાઇ મકવાણા, ઘનશ્યામભાઇ મેણીયાએ તુરત ગુનો નોંધ્યો હતો. ડી. સ્ટાફની ટીમે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

(12:51 pm IST)