Gujarati News

Gujarati News

News of Friday, 20th March 2020

કોરોના સામે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સચેતઃ સીન્ડીકેટ સહિતની બેઠકો રદ્દ

૫૮થી ૬૨ વર્ષના કર્મચારીઓને સવેતન રજા ઉપર મુકિત આપી

રાજકોટ, તા. ૨૦ :. કોરોના સામે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ અસરકારક પગલા લીધા છે. આજની એસ્ટેટ બેઠક ઉપર સીન્ડીકેટ, ફાયનાન્સ સહિત તમામ બેઠકો રદ કરી નાખવામાં આવી છે.

સૌરાષ્ટ્ર યુનિવર્સિટી કાર્યાલયના તમામ વિભાગના વડાઓ, અનુસ્નાતક ભવનોના અધ્યક્ષશ્રીઓ તથા યુનિવર્સિટી સ્થિત વિવિધ સેન્ટર, ચેર્સ, હોસ્ટેલ્સના વડાઓને જણાવવામાં આવે છે કે, હાલમાં વિશ્વભરમાં નોવેલ કોરોના વાયરસ વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન દ્વારા વૈશ્વિક મહામારી જાહેર કરેલ છે. રાજકોટ શહેરમાં પણ કોરોના વાઈરસના પોઝીટીવ કેસો નોંધાવેલ છે. આ સ્થિતિમાં કોરોના વાયરસના ઝડપી સંક્રમણને ધ્યાને લેતા તકેદારીના ભાગરૂપે કેટલીક સૂચના આપવામાં આવી છે.

યુનિવર્સિટી ખાતે ૫૮/૬૦/૬૨ વર્ષની વય નિવૃતિ બાદ સેવા આપતા તમામ સ્ટાફને તા. ૩૧-૩-૨૦૨૦ સુધી યુનિવર્સિટી કાર્યાલય / ભવન / સેન્ટર્સ ખાતે સેવા આપવામાં સવેતન મુકિત આપવામાં આવે છે. નિવૃત સ્ટાફે ઓફિસ સમય દરમ્યાન ફરજીયાતપણે તેઓના લેન્ડલાઈન / મોબાઈલ ફોન ચાલુ રાખવાના રહેશે તેમજ ઓફિસ / ભવન / સેન્ટર્સ તરફથી ટેલીફોનિક જે કંઈ કામગીરી સોંપવામાં આવે અથવા યુનિવર્સિટી ખાતે કામગીરી માટે આવવાનું જણાવવામાં આવે ત્યારે આવવાનું રહેશે.

યુનિવર્સિટી કાર્યાલયના તમામ વિભાગો / ભવનો / સેન્ટર્સમાં કોઈએ ચારથી વધુ વ્યકિતઓના સમૂહમાં બેસવુ નહિ પરંતુ પોતાના ટેબલ પર બેસીને કામગીરી કરવી.

પીએચ.ડી. - એમ. ફીલ કે અન્ય વાઈવા/ઈન્ટરવ્યુ મોકુફ રાખવા, માર્ગદર્શન, સંશોધન કે અન્ય હેતુ સબબ વિદ્યાર્થીઓને ભવન ખાતે બોલાવવા નહિ, આરોગ્ય કેન્દ્રમાં આઈસોલેશન વોર્ડ ઉભો કરવા અંગેની કાર્યવાહી હાથ ધરવી, આરોગ્ય કેન્દ્ર દ્વારા પુરતા પ્રમાણમાં સેનેટાઈઝર્સ ઉપલબ્ધ કરાવવા કાર્યવાહી હાથ ધરવી, એ.સી. મશીનનો ઉપયોગ ટાળવો. તમામ વિભોગો / ભવનો / સેન્ટર્સના સ્ટાફમાં જો કોઈને શરદી, ઉધરસ, તાવ જેવી બિમારી જણાય તો વિભાગ/ભવનના વડા દ્વારા કુલસચિવશ્રીને તાત્કાલીક જાણ કરવી.

(4:45 pm IST)