Gujarati News

Gujarati News

News of Friday, 20th March 2020

પૂરવઠાની ચારેય ઝોનલ કચેરી-જૂની કલેકટર કચેરીઓમાં રોજના ૪૦૦થી ૫૦૦ના ટોળાઃ કલેકટરનું તાકીદે ધ્યાન દોરાયું

ઝોનલ કચેરીઓ ૨૯-૩૦ માર્ચ સુધી બંધ રાખવા ચાલતી વિચારણાઃ સમાજ કલ્યાણ કચેરીમાં પણ આ જ સ્થિતિ : કલેકટર કચેરીમાં મુલાકાતીઓ માટે અંકુશ મુકાયોઃ સેનીટાઈઝર બાદ જ એન્ટ્રીઃ ધડાધડ આદેશો

રાજકોટ, તા. ૨૦ :. એક બાજુ કલેકટર તંત્ર લોકોનો સમૂહ જ્યાં વધુ પડતો હોય તેવા મોલ-મલ્ટીપ્લેકસ વિગેરે બંધ કરાવી રહ્યુ છે. ફનવર્લ્ડ-ચકરડી ઝોન બંધ કરાયો - બાગ બગીચામાં નો-એન્ટ્રી કરી દેવાય પણ ખાટલે મોટી ખોટ સમાન કલેકટર હેઠળની જ કચેરીઓમાં રોજના ૪૦૦થી ૫૦૦ના ટોળા હોય તાકિદે કલેકટર-એડી. કલેકટરનું ધ્યાન દોરાયુ હતું.કલેકટર તંત્ર હેઠળની પૂરવઠાની ચારેય ઝોનલ કચેરીઓ, જૂની કલેકટર કચેરીમાં આવેલ તાલુકા-પૂર્વ મામલતદાર કચેરી, ઉપરાંત કાલાવડ રોડ પરની પશ્ચિમ મામલતદાર કચેરી, દક્ષિણ મામલતદાર કચેરીમાં રોજેરોજ ૪૦૦થી ૫૦૦ અરજદારો કોઈને કોઈ કામ માટે ઉમટી પડે છે, પરિણામે કોરોનાગ્રસ્ત કોઈ આવી ગયુ તો ઝડપથી ફેલાય શકે છે. આથી ટોકન સિસ્ટમ કે અન્ય પધ્ધતિ અપનાવી હાલ જરૂરી બની ગયુ છે. તંત્ર દ્વારા હાલ ૨૯-૩૦ માર્ચ સુધી પુરવઠાની ઝોનલ કચેરીઓમાં રાશનકાર્ડની કામગીરી બંધ કરી દેવા અંગે ગંભીરપણે વિચારણા ચાલી રહી છે. બહુમાળી ખાતે પણ સમાજ કલ્યાણની ઓફિસે દાખલા માટે ૧૦૦થી ૨૦૦ લોકો એકઠા થાય છે તે બાબતે પણ તંત્રનું ધ્યાન દોરાયુ હતું.દરમિયાન કલેકટર કચેરીમાં દર સોમવાર-ગુરૂવાર મુલાકાતીઓને ફાળવાયો છે. કોરોના ઈફેકટ જોતા હાલ આજથી ઈમરજન્સી સિવાય મુલાકાતીઓ માટે અંકુશ મુકી દેવાયો છે. એન્ટ્રીમાં જ સેનીટાઈઝર ફરજીયાતપણે કરવા અમલવારી કરાઈ છે. એડી. કલેકટરે તાકીદે સેનીટાઈઝર મોકલવા જીલ્લા પંચાયતના આરોગ્ય અધિકારી ભંડેરીને આદેશો કર્યા હતા.

(4:21 pm IST)