Gujarati News

Gujarati News

News of Friday, 20th March 2020

આજે અવંતિબાઈ લોધી બલિદાન દિવસઃ ઈતિહાસમાં દ્રષ્ટિપાત

'બંદી' બનવાને બદલે જીવનુ બલિદાન આપેલ

રાજકોટઃ. ભારત ભૂમિએ એવી વિરાંગનાઓને જન્મ આપ્યો છે કે જે તેમના કાર્યથી વિશ્વમાં અમર થઈ ગયા છે. એવા જ વિરાંગનામાં રામગઢ (મંડલા) મ.પ્ર.ની રાની અવંતિબાઈ લોધીનું નામ અગ્રીમ છે. આ વિરાંગનાનું નામ આવતા જ હૃદય ગર્વથી પુલકિત થઈ જાય છે અને શરીરની નસોમાં વિરતાનું લોહી દોડવા લાગે છે.

રાની અવંતિબાઈનો જન્મ મનખેડી જી. શિવનીમા ૧૬ ઓગષ્ટ ૧૮૩૧મા થયેલ. તેમના લગ્ન રામગઢના રાજા ગજસિંહના પૌત્ર વિક્રમાદિત્ય સાથે થયેલ. તેમને સંતાનમાં અમરસિંહ અને શેરસિંહ નામના બે પુત્રો હતા. વિક્રમાદિત્યના મૃત્યુ સમયે બાળકો નાના હોવાથી રાણી અવંતીબાઈએ રામગઢ રાજ્યની સત્તા સંભાળેલ. પરંતુ બાળકો નાના હોવાને કારણે અંગ્રેજ કંપનીએ મંડલાને કોર્ટ ઓફ લોર્ડમાં લઈ લીધુ અને પોતાના પદાધિકારી ત્યાં નિમી દીધા.

આ ઘટનાથી રાણી શુબ્ધ થયેલ અને ક્રાંતિની જવાળા તેમના દિલમાં ઉઠી હતી. તેમણે ૧૮૫૭માં અંગ્રેજો સામે લડવા એલાન આપ્યુ અને તેમના નેતૃત્વમાં ક્રાંતિકારીઓએ કંપની રાજના અનેક સ્થળો પર આક્રમણ કર્યુ. રાણીએ મંડલાથી એક કીલોમીટર પૂર્વ બાજુએ ખેરી નામના ગામથી અંગ્રેજો વિરૂદ્ધ મોરચો ખોલી યુદ્ધ કર્યુ. રાણી સાથે મુઠીભર દેશભકત સૈનિકો હતા. રાણી અત્યંત સાહસથી યુદ્ધ રચના કરેલ અને અંગ્રેજ સૈનિકો સાથે ભયંકર યુદ્ધ કરેલ.

રાણી અવંતિબાઈ દેશભકત સૈનિકો સાથે અંગ્રેજ સેનાથી ઘેરાઈ ગયેલ ત્યારે તેમણે જોયુ કે તેઓ પકડાઈ જશે ત્યારે તેમણે વિરાંગનાઓની ગૌરવશાળી પરંપરા અનુસાર બંદી બનાવાને બદલે પોતાના હાથે મૃત્યુને શ્રેષ્ઠ માની ગરદન પર તલવાર મારી બલીદાન આપેલ.

૨૦ માર્ચ ૧૯૫૮ના દિવસે વિરાંગના અને દેશભકત નારી રાણી અવંતિબાઈએ બલિદાન આપેલ. ૨૦ માર્ચ ૧૯૮૮ના રોજ પોસ્ટ ખાતા દ્વારા તેમની ટીકીટ બહાર પાડેલ, રાણી અવંતિબાઈ લોધીએ આપેલ બલિદાનને કાયમી યાદ રૂપે મ.પ્ર. સરકાર દ્વારા એમની પ્રતિમા ભોપાલ રાયપુરમાં સ્થાપીત કરેલ છે. તેમજ જબલપુરના બરગી ડેમને રાણી અવંતિબાઈ લોધી નામ આપેલ છે. મ.પ્ર. સરકાર દ્વારા સને ૧૯૯૬થી ધો. ૫માં તેમનો પાઠ સમાવવામાં આવેલ છે. ધન્ય છે એવી વિરાંગના જેમણે દેશની રક્ષા માટે અંગ્રેજ સેના સાથે ભયંકર યુદ્ધ કરી અને દેશ માટે બલિદાન આપેલ છે.(૨-૨)

સંકલનઃ વિનોદ ફુલસિંહ જરોલી

શ્રી લોધા ક્ષત્રિય સમસ્ત જ્ઞાતિ

રાજકોટ (મો. ૯૮૯૮૪ ૭૭૫૯૧)

(11:50 am IST)