Gujarati News

Gujarati News

News of Friday, 20th March 2020

જનતા કર્ફયુ લોકોને માનસિક રીતે તૈયાર કરવા માટે છે..

વડાપ્રધાન મોદીએ લોકોને ઠાલા આશ્વાસન આપવાને બદલે વાસ્તવિક ચિત્ર રજૂ કરી દીધુઃજગદીશ આચાર્ય : એક દિવસના કર્ફયુથી જમીની સ્તરે કંઈ ફાયદો થવાનો નથી પણ તેનું મનોવૈજ્ઞાનિક મહત્વ છેઃ બધુ સરકાર ઉપર ન છોડી શકીએ, મોટી જવાબદારી તો આપણા સૌની છે

રાજકોટઃ સૌરાષ્ટ્રના વરિષ્ઠ પત્રકાર, જાણીતા કોલમીસ્ટ, સોશ્યલ મીડીયા ઉપર એમની ધારદાર કલમના હજારો ચાહકો છે તેવા શ્રી જગદીશભાઈ આચાર્ય (મો.૯૮૨૫૨ ૭૪૩૭૪)ની આ ફેસબુક પોસ્ટ ભારે વાયરલ થઈ રહી છે. તેમના જ શબ્દોમાં..

 ''કોરોના વાયરસ''ને ગંભીરતાથી લેવા વડાપ્રધાનના પ્રજાજોગ સંદેશ અંગે સૌરાષ્ટ્રના જાણીતા વરિષ્ઠ પત્રકાર જગદીશ આચાર્યની વાંચવા જેવી ફેસબૂક પોસ્ટ...

વડાપ્રધાને આજે દેશના વડિલ બનીને ખૂબ લાગણીસભર અને ખૂબ સંતુલિત સંબોધન કર્યું.તેનો એક ફાયદો એ છે કે લોકોને આજે સાચી ગંભીરતાનો ખ્યાલ આવ્યો.નહીંતર ગઈકાલ સુધી ''ભારતમાં બધું કન્ટ્રોલ માં છે,કાંઈ ચિંતા કરવા જેવું નથી..'' જેવી વાતો દોહરાવાતી હતી.અને તેને કારણે આપણી અલ્લડ પ્રજા દાખવવી જોઈતી સાવચેતી અને તકેદારી રાખવાનું ચુકી ગઈ હતી.આજે વડાપ્રધાને સ્પષ્ટ કરી દીધું કે આ એક મહાસંકટ છે.લોકોને આજે ખરા અર્થમાં પહેલી વખત અહેસાસ થયો કે આપણે એક ઘાતક સંકટ સામે ઝઝૂમવા તૈયાર થવાનું છે.

રવિવારનો જનતા કર્ફયુ લોકોને માનસીક રીતે તૈયાર કરવા માટે છે. એ એક પ્રતીકાત્મક કાર્યક્રમ છે.સ્વૈછીક શિસ્તપાલન સંદર્ભે એનું મહત્વ છે.વળી આ સંકટ સામે દેશ આખો એક છે એ વાતાવરણ જમાવવાનો પ્રયાસ છે.એક દિવસના કર્ફયુથી જમીની સ્તરે કાંઈ ફાયદો નથી થવાનો પણ એનું મનોવૈજ્ઞાનિક મહત્વ છે.

વડાપ્રધાને સંઘરાખોરી ન કરવાની અપીલ કરી અને જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓની તંગી નહીં સર્જાય એ ખાત્રી આપી.

બીજી વાત તેમણે અર્થતંત્રની કરી.હજુ બે દિવસ પહેલાં અનુરાગ ઠાકુર કહેતા હતા કે કોરોનાની દેશના અર્થતંત્ર ઉપર કોઈ અસર નથી.આજે વડાપ્રધાને કહ્યું કે બહુ મોટી અસર છે અને હજુ વધારે અસર થશે.આ એક બહુ મહત્વની જાહેરાત હતી.લોકોને ઠાલા આશ્વાસનો આપવાને બદલે તેમણે વાસ્તવિક ચિત્ર રજૂ કરી દીધું.

ભારતમાં કોરોનાની હજુ શરૂઆત છે. આવતાં દિવસોમાં સ્થિતી વધુ વકરવાની સંભાવના છે.આજે તો જનતા કર્ફયુની અપીલ  છે, કાલે કદાચ ઓફિશિયલ લોકડાઉન પણ આવી શકે છે. દુકાનો, બજારો, હોટેલ, રેસ્ટોરન્ટ, ટ્રાન્સપોર્ટેશન બંધ કરવાની નોબત આવશે તો હજારો, લાખો બેકાર થઈ જશે.અમેરિકા કે યુ.કે.ની માફક અહીં સરકાર એમને આર્થિક સહાય નહીં કરી શકે.એ બધાને એમના માલિકો અને સમાજના સુખી,શ્રીમંત, ખાધે પીધે સુખી અને પ્રમાણમાં નોંધપાત્ર આવક ધરાવતા લોકોએ સાચવવા પડશે. વેપારીઓ, ઉદ્યોગપતિઓ, હોટલ રેસ્ટોરન્ટના માલિકો અત્યાર સુધી ઘણું કમાયા છે. હવે મોટું મન રાખીને એ બધાએ પોતાના કામદારો, કર્મચારીઓને સાચવી લેવા પડશે. વડાપ્રધાને પણ એ જ અપીલ કરી છે. એવું નહીં થાય તો ખૂબ કટોકટીભરી સ્થિતી સર્જાશે.

આપણા બાંધવો માટે કાંઈક કરી છૂટવાનો આ સમય આવ્યો છે. આપણે ખભે ખભા મિલાવીને ચાલવું પડશે. એવું કરવું એ જ સાચી બંધુત્વ ભાવના, સાચી માનવતા, સાચો ધર્મ અને સાચી દેશભકિત છે. એમાં આપણે બધાએ પ્રદાન આપવું પડશે.મદદનો હાથ લંબાવવો પડશે. હું ખૂબ નમ્રતાપૂર્વક વચને બંધાઉ છું કે કોરોનાને કારણે આર્થિક સંકટમાં મુકાયેલા લોકોને હું મારી શકિતની મર્યાદામાં મદદ કરીશ.સાથી હાથ બધાના..આપણી બધાની આ નાનકડી પહેલ ખૂબ મોટો ટેકો બની રહેશે.

કોરોનાને હળવાશથી લેવાની ભૂલ કરવા જેવું નથી. મેં આ અગાઉના લેખમાં પણ કહ્યું હતું કે બધું સરકાર ઉપર નહીં છોડી શકીએ. મોટી જવાબદારી તો આપણા બધાની છે. એ જવાબદારી ખૂબ ગંભીરતાપૂર્વક નિભાવીએ એમાં જ આપણી અને દેશની ભલાઈ છે. શરૂઆત આપણાથી જ કરીએ એ જરૂરી છે.

(11:49 am IST)