Gujarati News

Gujarati News

News of Friday, 20th March 2020

રેસકોર્ષ રીંગ રોડ પર મોર્નિંગ વોકર્સને સવારે ઘરે જતાં રહેવા પોલીસે માઇકથી સુચન કર્યુઃ વન-વેનું જાહેરનામુ કામચલાઉ રીતે મુલત્વીઃ લોકોએ પોલીસને સહકાર આપ્યો

રાજકોટઃ વિશ્વભરને હચમચાવી મુકનાર કોરોનાનો એક પોઝિટીવ કેસ રાજકોટમાં જાહેર થતાં તંત્રમાં હડકંપ મચી ગયો છે. શહેર-જીલ્લાના આરોગ્ય તંત્રો દોડતા થઇ ગયા છે. લોકો સાવચેત રહે અને જરૂર હોય તો જ બહાર નીકળે તે માટેના સુચનો આપવામાં આવી રહ્યા છે. પોલીસ તંત્રએ પણ પોતાની ફરજ બજાવી છે. રેસકોર્ષ રીંગ રોડ પર દરરોજ વહેલી સવારના ચાર વાગ્યાથી જ મોર્નિંગ વોક કરનારા લોકો ખુબ મોટી સંખ્યામાં ઉમટી પડતાં હોય છે. આ માટે પોલીસ કમિશનર મનોજ અગ્રવાલે ખાસ જાહેરનામુ બહાર પાડી વોકર્સની સુવિધા માટે રેસકોર્ષ રીંગ રોડની અંદરની સાઇડનો રસ્તો સવારે આઠ સુધી વન-વે જાહેર કર્યો હતો. પરંતુ કોરોનાની અસર અને એક પોઝિટીવ કેસ જાહેર થયો હોવાથી લોકોની સુખાકારી માટે આજ સવારથી આ જાહેરનામુ કામચલાઉ રીતે મુલત્વી રાખી દેવામાં આવ્યું છે. દરરોજ વહેલી સવારથી રેસકોર્ષ રીંગરોડનો અંદરનો રીંગ રોડ વન-વે કરી દેવામાં આવતો હતો. પોલીસની ચાર ગાડીઓ અલગ-અલગ પોઇન્ટ પર ઉભી રહી વોકર્સ જ્યાં ચાલતા હોય છે એ રોડ પર વાહનો ન ઘુસી જાય તે માટે ખાસ બંદોબસ્ત રાખતા હોય છે. પરંતુ આજ સવારથી  જ આ રોડ વાહનોની અવર-જવર માટે ખુલ્લો મુકી દેવાયો હતો. તેમજ પોલીસની ચાર ગાડીઓએ જે વોકર્સ આવ્યા હતાં તેમને માઇકથી અને રૂબરૂ સુચન આપી હાલની પરિસ્થિતીને ધ્યાને લઇ ઘરે જતાં રહેવા સુચનો આપ્યા હતાં. મોટા ભાગના મોર્નિંગ વોકર્સએ પોલીસની આ અપિલને ધ્યાને લઇ ઘરે જવાનું યોગ્ય સમજ્યું હતું. તસ્વીરમાં રેસકોર્ષ રીંગ રોડ પર વોકર્સ અને લોકોને ઘરે જવા સુચના આપી સમજાવી રહેલી પોલીસ જોઇ શકાય છે. હાલના સંજોગોમાં ખુદ શહેરજનો જાતે જ જાગૃત થાય અને પોતે પણ સ્વસ્થ રહી બીજા પણ સ્વસ્થ રહે તેવો સહકાર તંત્રને આપે તે જરૂરી છે. (ફોટો-સંદિપ બગથરીયા)

(11:46 am IST)