Gujarati News

Gujarati News

News of Friday, 20th March 2020

સિવિલ હોસ્પિટલમાં કોરોના પોઝિટીવ-શંકાસ્પદ મળી ૭ દર્દી સારવારમાં: સ્વાઇન ફલૂનો એક પોઝિટીવ દર્દી

જંગલેશ્વરના યુવાનના ચાર સ્વજનોના રિપોર્ટની જોવાતી રાહઃ અન્ય બે દર્દીનો રિપોર્ટ પણ બાકીઃ સ્વાઇન ફલૂના એક દર્દી શંકાસ્પદ

રાજકોટ તા. ૨૦: કોરોનાના ફફડાટ વચ્ચે રાજકોટના જંગલેશ્વરના યુવાનનો કોરોના રિપોર્ટ પોઝિટીવ જાહેર થતાં તંત્રમાં દોડધામ મચી ગઇ છે. આ યુવાન સિવિલ હોસ્પિટલના આઇસોલેશન વોર્ડમાં સારવાર હેઠળ છે. તેના સંપર્કમાં આવેલા પૈકીના બીજા ચાર લોકોને પણ પથિકાશ્રમમાં કવોરન્ટાઇન રખાયા હતાં ત્યાંથી શંકાસ્પદ લક્ષણો સાથે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા છે અને તેના રિપોર્ટની રાહ જોવાઇ રહી છે. આ ઉપરાંત અન્ય બે બહારથી આવેલા વ્યકિતમાં પણ કોરોનાના શંકાસ્પદ લક્ષણો હોઇ સારવાર માટે દાખલ કરી સેમ્પલ પરિક્ષણમાં મોકલાયા છે અને રિપોર્ટની રાહ જોવાઇ રહી છે. આમ કોરોનાના એક પોઝિટીવ સહિત ૭ દર્દી આઇસોલેશન વોર્ડમાં છે. જ્યારે સ્વાઇન ફલૂના બે દર્દી સામે આવ્યા છે, જેમાં એકનો રિપોર્ટ પોઝિટીવ જાહેર થયો છે.

મક્કા મદીનાથી આવેલા જંગલેશ્વરના યુવાનમાં કોરોનાના શંકાસ્પદ લક્ષણો દેખાતાં તેને દાખલ કરી જામનગર રિપોર્ટ કરાવાયો હતો. પરંતુ ત્યાંથી રિપોર્ટ સ્પષ્ટ ન આવતાં પુના ખાતે સેમ્પલ મોકલાયા હતાં. ત્યાંથી ગત સાંજે રિપોર્ટ પોઝિટીવ આવતાં જ ખળભળાટ મચી ગયો હતો. રાજ્યનું આરોગ્ય તંત્ર સતત દોડતું થઇ ગયું છે. સિવિલ હોસ્પિટલના આઇસોલેશન વોર્ડને કિલ્લેબંધીમાં ફેરવી દેવામાં આવ્યો છે. પોલીસ અને સિકયુરીટીનો બંદોબસ્ત ગોઠવી દેવાયો છે.

સિવિલ હોસ્પિટલના આઇસોલેશન વોર્ડમાં કોરોનાનો એક પોઝિટીવ રિપોર્ટ ધરાવતો યુવાન દાખલ છે, આ સિવાય તેના પરિવારના ૪ લોકોમાં પણ શંકાસ્પદ લક્ષણો હોઇ તેને પણ દાખલ કરાયા છે. આ ઉપરાંત અન્ય બે લોકોમાં શંકાસ્પદ લક્ષણો જોવા મળતાં તેને પણ દાખલ કરાયા છે. આ છએયના રિપોર્ટ સાંજે આવશે.

આ ઉપરાંત આઇસોલેશન વોર્ડની બાજુમાં આવેલા સ્વાઇન ફલૂ વોર્ડમાં પણ બે દર્દી દાખલ છે. જેમાંથી એકનો સ્વાઇન ફલુ રિપોર્ટ પોઝિટીવ જાહેર થયેલો છે, બીજાનો રિપોર્ટ આવવાનો બાકી છે. સ્વાઇન ફલુ અને આઇસોલેશન વોર્ડમાં વધારાનો સ્ટાફ પણ મુકી દેવામાં આવ્યો છે. ૪૨ રેસિડેન્ડ ડોકટરો સહિત પચાસ તબિબોની ટીમ તબિબી અધિક્ષક ડો. મનિષ મહેતા અને ડીન ડો. ગોૈરવી ધ્રુવની રાહબરીમાં આઇસોલેશન વોર્ડમાં રાઉન્ડ ધ કલોક સેવા આપશે. ડો. ગોૈરવી ધ્રુવએ જણાવ્યું હતું કે મેડિકલ કોલેજમાં જ કોરોના સંદર્ભે ખાસ લેબોરેટરી ઉભી કરવામાં આવશે. આ લેબોરેટરી માટે હાલનો જે સ્ટાફ છે તેમાંથી જ સ્ટાફને મુકવામાં આવશે. જેથી કરીને કોરોનાના શંકાસ્પદ દર્દીના રિપોર્ટ ટુંકા ગાળામાં જ જાહેર કરી શકાશે. લેબોરેટરી આજથી જ શરૂ થઇ જાય તે માટેની તૈયારી કરી દેવામાં આવી છે. અહિ લેબોરેટરી શરૂ થયા બાદ જામનગર-પુના સુધી સેમ્પલ મોકલવા પડશે નહિ.  દરમિયાન આજે મેડિકલ કોલેજ ખાતે સ્ટેટ નોડલ ઓફિસર ડો. કમલેશ ઉપાધ્યાયએ ડીન ડો. ગોૈરવી ધ્રુવ, તબિબી અધિક્ષક ડો. મનિષ મહેતા અને બીજા તબિબો સાથે કોરોના સંદર્ભે ખાસ બેઠક યોજી મહત્વની સુચનાઓ આપી હતી. બપોરે કલેકટર સાથે આવી જ બેઠક યોજવામાં આવી છે.

(11:45 am IST)