Gujarati News

Gujarati News

News of Friday, 20th March 2020

કોરોનાવાળા સાથે ટ્રેનમાં મુસાફરી કરનારા મોટાભાગના જામનગરના કે રાજકોટના ? તંત્ર દોડ્યુ

રાજકોટમાં જેને કોરોના પોઝીટીવ માલુમ પડ્યો છે તે દર્દીએ મુંબઇથી રાજકોટ ટ્રેનમાં મુસાફરી કરેલઃ જામનગરના પાંચ - છ જ મુસાફરો હોવાનુ અને તપાસમાં નોર્મલ હોવાનુ તારણઃ અન્ય મુસાફરોની શોધખોળ

રાજકોટ તા. ૨૦:  ગઇકાલે રાજકોટના જંગલેશ્વર વિસ્તારના એક શખ્સને કોરોના પોઝીટીવ હોવાનો રિપોર્ટ આવતા તંત્ર ચોંકી ઉઠ્યુ છે. આ દર્દીએ ચાર દિવસ પહેલા મુંબઇથી રાજકોટ સુધી ટ્રેનમાં મુસાફરી કરેલ. આ ટ્રેન અહિંથી આગળ જામનગર ગઇ હતી. તેમાં મોટાભાગના  તેના સંપર્કમાં આવેલા મનાતા મુસાફરો જામનગર પંથકના હોવાનુ રાજકોટ જીલ્લા વહીવટ તંત્રનુ કહેવુ છે.  બીજી તરફ જામનગરના તંત્રએ માત્ર પાંચ - છ મુસાફરો જ જામનગર પંથકના હોવાનુ અને શારીરીક તપાસના અંતે તે નોર્મલ માલૂમ પડ્યાનુ તારણ કાઢ્યુ છે. ટ્રેનમાં સાથે મુસાફરી કરનારા મોટાભાગના લોકો  રાજકોટ પંથકના કે જામનગર પંથકના ?  તે સવાલ ઉઠતા બંન્ને જીલ્લાના તંત્ર દ્વારા મોબાઇલ નંબરના આધારે તપાસ તેજ કરવામાં આવી છે.

મુંબઇથી જામનગર સુધીની ટ્રેન હોવાથી ઘણાએ રાજકોટ ઉતરવાનું હોવા છતા બલ્ક બુકિંગમાં જામનગર સુધીની ટિકીટ સ્વિકાર્યાની દલીલ સામે આવી છે. તે દિવસે સાથે મુસાફરી કરનાર લોકોની તપાસ કરવામાં આવી રહી છે. ખરેખર આ બે પૈકી કયા જીલ્લાના કેટલા લોકો છે અને તેની તબિયત પર શું અસર છે ? તે વિગતવાર તપાસના અંતે સામે આવશે.

(11:00 am IST)